સોલિહલ (Solihull) : ઇંગ્લડના પશ્ચિમ મિડલૅન્ડ્ઝમાં આવેલો મહાનગરીય વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 52° 25´ ઉ. અ. અને 1° 45´ પ. રે.. સોલિહલ નગર એ ઘણું જ ખુશનુમા હવામાન ધરાવતું સ્થળ છે. તે બર્મિંગહામથી આશરે 10 કિમી.ને અંતરે આવેલું છે. અહીં સંખ્યાબંધ ઔદ્યોગિક વસાહતો છે. વળી કેટલીક વિશાળ વાણિજ્ય-કચેરીઓ પણ છે. અહીંના ઘણા નિવાસીઓ બર્મિંગહામ તેમજ નજીકનાં અન્ય સ્થળોમાં કામધંધા અર્થે અવરજવર કરે છે. આ પ્રાંતમાં વિશાળ હરિયાળો પટ્ટો (green belt) પથરાયેલો છે. આ ઉપરાંત, બર્મિંગહામ હવાઈ મથક તેમજ રાષ્ટ્રીય પ્રદર્શન-મથક પણ છે.
જાહનવી ભટ્ટ