સોલિમેના ફ્રાન્ચેસ્કો (Solimena Francesco)

January, 2009

સોલિમેના, ફ્રાન્ચેસ્કો (Solimena, Francesco) (જ. 1657, ઇટાલી; અ. 1747, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. પિતા ઍન્જેલો સોલેમિના (1629–1716) પાસે તે ચિત્રકલાની તાલીમ પામ્યા. એ પછી ચિત્રકાર ફ્રાન્ચેસ્કો દિ મારિયા પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. નેપલ્સ ખાતે સાન્તા પાઓલો મેગ્યોરી(Santa Paolo Maggiore)માં 1689–90માં તેમણે ભીંતચિત્રો ચીતર્યાં. ત્યારથી એમની પ્રતિષ્ઠા થઈ. આ ચિત્રો છે : ‘કન્વર્ઝન ઑવ્ સોલ’, ‘ફૉલ ઑવ્ સાઇમન મેગુસ’ તથા ‘વર્ચ્યૂઝ’. આ ચિત્રો પર ચિત્રકાર જિયોર્દાનો(Giordano)ની અસર સ્પષ્ટ છે. ત્યાર પછી ચિત્રકાર પ્રેતીની અસર તળે સોલિમેનાએ નેપલ્સમાં ‘મિરેકલ ઑવ્ સેંટ જોન ઑવ્ ગોડ’ ચિત્ર આલેખ્યું. આશરે 1701માં તે રોમ ગયા અને ત્યાં ‘એબ્ડક્શન ઑવ્ ઓરિથિયા’ ચિત્ર આલેખ્યું; પરંતુ એમનું શ્રેષ્ઠ ચિત્ર ગણાયું છે : ‘એક્સ્પલ્ઝન ઑવ્ હેલિયૉડોરસ’. નેપલ્સના ઇલ જેસુ નુઓવો ચર્ચની ભીંત પર 1725માં આ ચિત્ર ચીતરાયેલું.

સોલિમેનાનું એક લાક્ષણિક ચિત્ર

અંતિમ વર્ષોમાં નેપલ્સના બૂર્બોં (Bourbon) વંશના રાજા ચાર્લ્સ ત્રીજાએ (જે પછીથી સ્પેનનો રાજા બનેલો) સોલિમેનાને આશ્રય આપેલો. આ વર્ષોમાં રાજકુટુંબ અને રાજદરબારની વ્યક્તિઓનાં ચિત્રો આલેખ્યાં; પરંતુ એમનું શ્રેષ્ઠ વ્યક્તિચિત્ર તો એમનું પોતાનું  આત્મચિત્ર (1729–30) જ ગણાયું છે !

અમિતાભ મડિયા