સૉબર્ગ પેટ્રિક (જ. 5 જાન્યુઆરી 1965, ગૉટબૉર્ગ, સ્વીડન) : સ્વીડનના એથ્લેટિક્સના ખેલાડી. 1987માં 2.42 મી. ઊંચો કૂદકો લગાવીને તેમણે વિશ્વવિક્રમ સ્થાપ્યો. તેમણે એક દશકા ઉપરાંત લગાતાર મહત્વની સફળતા મેળવતા રહેવાનો એક વિક્રમ પણ અંકે કર્યો છે. 1982માં પ્રથમ વિક્રમ સર્જ્યા પછી આ તેમનો બારમો સ્વીડિશ વિક્રમ હતો. નાની વયના ખેલાડી છતાં 1984માં તેઓ ઑલિમ્પિક ખાતે રૌપ્ય ચન્દ્રકના વિજેતા બન્યા અને 1998માં કાંસ્ય તથા 1992માં રજત ચન્દ્રક પણ જીત્યા. ઇન્ડોરમાં તેમણે 1985માં 2.38નો વિશ્વનો ઉત્તમ આંક નોંધાવ્યો અને 1987માં 2.41નો આંક નોંધાવ્યો. 1985, 1987–88 અને 1992 – એમ તેમણે 4 યુરોપિયન ઇન્ડોર વિજયપદકો જીત્યાં; 1985માં તેઓ વર્લ્ડ ઇન્ડોર ગૅમ્સમાં વિજેતા બન્યા.
પેટ્રિક સૉબર્ગ
1985 અને 1989માં તેઓ વિશ્વકપના વિજેતા બન્યા. સ્વીડનની ટીમ માટે તેઓ એક અસાધારણ વિક્રમ ધરાવે છે. 16 વર્ષની વયે 1981માં તેમણે સૌપ્રથમ ભાગ લીધો ત્યારથી માંડીને 1993 સુધીની 22 સ્પર્ધાઓમાં તેઓ કદી હાર્યા નથી. 1981થી 1987 સુધીના પ્રત્યેક વર્ષે અને 1989માં તેઓ સ્વીડનના ચૅમ્પિયન નીવડ્યા હતા.
મહેશ ચોકસી