બાન–કિ–મૂન (જ. 13 જૂન 1944, ઊમસીયોંગ, ઉત્તર ચૂંગચેયોંગ, દક્ષિણ કોરિયા) : 1 જાન્યુઆરી, 2007થી યુનોના સર્વસંમતિથી ચૂંટાયેલા આઠમા મહામંત્રી. દક્ષિણ કોરિયાના મુત્સદ્દી તરીકે તેમની વિદેશો ખાતેની કારકિર્દીનો ફેલાવો 2004થી 2006 દરમિયાન તેઓ દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી હતા ત્યારથી થયો. યુનોની સામાન્ય સભાને સંબોધન કરવાનો પ્રસંગ વિદેશમંત્રી તરીકે ઊભો થયો હતો.
શાલેય શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓની અદલબદલના કાર્યક્રમ (exchange programme) હેઠળ તેમને કૅલિફૉર્નિયા જવાની તક મળી હતી. ત્યારે તેઓ અમેરિકાના પ્રમુખ જે. એફ. કૅનેડીને મળ્યા હતા. આ મુલાકાત બાદ તેમણે મુત્સદ્દી (diplomat) બનવાનો નિર્ણય કર્યો. સિયોલ નૅશનલ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષય સાથે તેઓ 1970માં સ્નાતક થયા, તે જ વર્ષે તેઓ ત્યાંના વિદેશ મંત્રાલયમાં જોડાયા. તે પછી હાર્વર્ડમાંથી જાહેર વહીવટના વિષયમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. દેશમાંના અને વિદેશમાંના અભ્યાસક્રમના ભાગ રૂપે તેઓ કેટલીક વિદેશી ભાષાઓ જાણે છે; જેમાં અંગ્રેજી, ફ્રેંચ, જાપાની અને જર્મન ભાષાનો સમાવેશ થાય છે.
વિદેશમંત્રી તરીકેની કામગીરી બાદ તેમને વિદેશોમાં સૌપ્રથમ હોદ્દો ભારત ખાતે સોંપાયો હતો અને તે પછી યુનો ખાતેની કામગીરી સોંપાઈ હતી. આ પછી વિદેશો ખાતેની તેમની કામગીરીનો વ્યાપ વિસ્તર્યો હતો. દક્ષિણ કોરિયાની સરકારના ડિરેક્ટર જનરલ ફૉર અમેરિકન અફૅર્સ (1990-92) તરીકે, ડેપ્યુટી મિનિસ્ટર ફૉર પૉલિસી પ્લાનિંગ ઍન્ડ ઇન્ટરનૅશનલ ઑર્ગેનિઝેશન્સ (1995) તરીકે, પ્રમુખના રાષ્ટ્રીય સંરક્ષણ સલાહકાર (1996) તરીકે, ઑસ્ટ્રિયાના એલચી (1999) તરીકે, પ્રમુખની વિદેશનીતિના સલાહકાર તરીકે એમ વિવિધ રીતે તેમણે તેમની સરકારને સહયોગ આપ્યો.
ડિસેમ્બર, 2006માં યુનોના મહામંત્રી કૉફી અન્નાન નિવૃત્ત થવાના હતા ત્યારે તે અંગેની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી. આ ચૂંટણીમાં ભારત સરકારનો ટેકો ધરાવતા શશી થરૂર તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી હતા. આ અંગેની પૂર્વચૂંટણી(straw poll)માં તેમને સલામતી સમિતિના પાંચેય કાયમી સભ્યોના મત મળતાં એ સ્પષ્ટ હતું કે તેઓ ચૂંટાશે. આ તબક્કે શશી થરૂરે તેમની ઉમેદવારી પાછી ખેંચતાં યુનોની મહાસભા દ્વારા બાન-કિ-મૂન સર્વસંમતિથી યુનોના મહામંત્રી ચૂંટાયા.
દક્ષિણ કોરિયા સરકારને તેમણે આપેલી સેવાઓને અનુલક્ષીને ત્યાંની સરકારે તેમને 1975 અને 1986માં – એમ બે વખત ‘ઑર્ડર ઑવ્ સર્વિસ મેરિટ’ના ઍવૉર્ડ આપ્યા છે. આ ઉપરાંત 2001માં રિપબ્લિક ઑવ્ ઑસ્ટ્રિયા અને બ્રાઝિલની સરકારે પણ તેમને સન્માન્યા છે. જોકે દ. કોરિયાની પ્રજામાં તેઓ ‘બાન-જુસા’ના હુલામણા નામથી જાણીતા છે, જેનો અર્થ છે ‘બાન એક કારકુની કર્મચારી’. કરિશ્માવિહોણા આ મહામંત્રી અમેરિકાની બુશ સરકારના પ્રીતિપાત્ર મનાય છે.
તેમને એક પુત્ર અને બે પુત્રીઓ છે.
રક્ષા મ. વ્યાસ