સૈયદ, યાકુબ અબુલ હસન (મૌલાના) (જ. ?; અ. ઈ. સ. 1395, પાટણ) : ગુજરાતના 14મી સદીના જાણીતા સૂફી, વલી (પીર) અને આલિમ (વિદ્વાન). સુપ્રસિદ્ધ વિદ્વાન સૈયદ મુર્તુઝા તેમના પિતામહ અને સૈયદ અબુલ હસન તેમના પિતા હતા. સૈયદ યાકુબ ધર્મશાસ્ત્રમાં નિપુણ હતા. તેમનાં લખેલાં પુસ્તકો જાણીતાં છે. ખ્યાતનામ સૂફી અને ફિલસૂફ શેખ અકબર ઇબ્ન-અલ-અરબીના ગ્રંથ ‘ફુસુસૂલ હિક્મ’ના તેઓ ઉસ્તાદ મનાતા હતા અને ઘણા વિદ્વાનોએ તેના પાઠ તેમની પાસેથી શીખ્યાનું નોંધાયું છે.
તેમણે સિંધથી આવી અણહિલવાડ પાટણને પોતાના શિક્ષણોપદેશ માટે કેન્દ્ર તરીકે પસંદ કર્યું હતું. પાટણને જ પોતાની કર્મભૂમિ બનાવીને ત્યાં જીવન પૂરું કર્યું. તેમણે ત્યાં એક મસ્જિદ અને મદરેસા પણ બંધાવ્યાં હતાં. મોટી સંખ્યામાં તેમના મુરીદો (શિષ્યો) અને શ્રદ્ધાળુઓ તેમના રોજા ઉપર દુઆ લેવા આવતા હોય છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા