સૈયદ એહતિશામ હુસેન

February, 2008

સૈયદ, એહતિશામ હુસેન (. એપ્રિલ 1912, આઝમગઢ, જિ. અટ્ટરડેહ; . 1 ડિસેમ્બર 1972, અલ્લાહાબાદ) : ઉર્દૂ-ફારસીના વિદ્વાન. તેમણે આઝમગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી, 1934માં ગવર્નમેન્ટ કૉલેજ, અલ્લાહાબાદમાંથી બી.એ. અને 1936માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી લખનૌ યુનિવર્સિટીમાં ઉર્દૂ-ફારસી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા.

1952માં અમેરિકાની એક સંસ્થાએ તેમને વ્યાખ્યાનો આપવા નિમંત્ર્યા. ત્યાં એક વર્ષ સુધી સાહિત્ય અને ભાષા પર તેમણે વ્યાખ્યાનો આપ્યાં. ત્યાંથી પાછા ફરતાં તેઓ ઇંગ્લૅન્ડ અને ફ્રાંસમાં રોકાયા હતા. 1962માં તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તથા વિભાગના વડા તરીકે કાર્યભાર સંભાળી સેવાનિવૃત્ત થયા. તે દરમિયાન અને પછી પણ તેઓ લખનૌ, અલીગઢ અને દિલ્હી જામિયા વિશ્વવિદ્યાલયના લેખકો-કવિઓ સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. તેમના નિબંધો, લેખો તથા વ્યાખ્યાનો પ્રગતિશીલ વિચારોને વરેલાં હતાં. તેઓ હંમેશાં સાહિત્ય અને સમાજને કેન્દ્રમાં રાખીને સમાજલક્ષી આલોચના કરનારા અગ્રેસર સમીક્ષક તરીકે આધુનિક ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં સ્થાન પામ્યા છે. તેઓ માર્ક્સવાદી ચિંતન અને પાશ્ર્ચાત્ય વિચારસરણીથી પ્રભાવિત રહેલા.

તેઓ ભાષાવિજ્ઞાનના અભ્યાસી હતા. તેમણે ‘હિંદુસ્તાની લિસાનિયાત કા ખાકા’ નામક મહત્ત્વનું પુસ્તક ઉર્દૂ જગત સમક્ષ રજૂ કર્યું. તેમણે સાહિત્યસર્જન વાર્તા અને કવિતાથી શરૂ કર્યું. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘વીરાને’ છે. તેમણે ‘તનહીદી જાયઝે’ (1942), ‘રિવાયત ઔર બગાવત’ (1947), ‘અદબ ઔર સમાજ’ (1948), ‘તટકીદ ઔર અમલી તનહીદ’ (1952), ‘ઝોકેઅદબ ઔર શઉર’ (1955), ‘સાહિલ ઔર સમંદર’ (1955, અમેરિકાનો પ્રવાસ), ‘અક્સ ઔર આઇને’ (1962), ‘અફકાર-એ-મસાઇલ’ (1963), ‘એતિવારે નઝર’ (1964) અને ‘ઉર્દૂ સાહિત્ય કા આલોચનાત્મક ઇતિહાસ’ (હિંદીમાં, 1969) જેવા સમીક્ષાગ્રંથો આપ્યા છે. ‘રોશની કે દરીચે’ તેમનો કાવ્યસંગ્રહ અને ‘અંધેરી રાતેં’ નાટ્યસંગ્રહ ઉપરાંત તેમણે પ્રવાસવર્ણનો પણ લખ્યાં છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા