સેન્ટ જ્હૉન્સ (2) : કૅનેડાના એવેલૉન દ્વીપકલ્પના પૂર્વ છેડા પર ન્યૂફાઉન્ડલૅન્ડનું સૌથી મોટું શહેર અને પાટનગર. ભૌગોલિક સ્થાન : 47° 34´ ઉ. અ. અને 52° 43´ પ. રે.. આટલાંટિક મહાસાગરના કાંઠે આવેલું અહીંનું બારું પશ્ચિમતરફી ઢોળાવ ધરાવે છે, તેનું મુખ ‘નૅરોઝ’ (Narrows) તરીકે ઓળખાય છે. તેની એક બાજુ સિગ્નલ હિલ (150 મી.) અને બીજી બાજુ ‘સાઉથ સાઇડ હિલ્સ’ (206 મી.) આવેલી છે. બારાનો આંતરિક જળવિસ્તાર 200 મીટરની પહોળાઈ ધરાવે છે, જ્યારે બાહ્ય ભાગ લગભગ 400 મીટર જેટલી પહોળાઈ ધરાવે છે. જ્હૉન કૅબટે 1497માં આ સ્થળની મુલાકાત લીધેલી. આ અગાઉ માછીમારો તેનો ઉપયોગ માછલીઓ પકડવા માટે કરતા હતા. 1583માં સર હમ્ફ્રી ગિલ્બર્ટે ઇંગ્લૅન્ડ તરફથી ન્યૂફાઉન્ડલૅન્ડનો કબજો ધરાવવા માટે દાવો રજૂ કરેલો; પરંતુ સત્તરમી સદીના પ્રારંભ સુધી તો ત્યાં કાયમી વસાહત સ્થપાઈ ન હતી. ફ્રાન્સ તરફથી વારંવારનાં આક્રમણો તથા 1816-17, 1846 અને 1892 દરમિયાન ભીષણ આગ લાગી હોવા છતાં મહત્વના મત્સ્યમથક તરીકે આ શહેર સમૃદ્ધ થતું ગયું.
આ શહેર ઉત્તર અમેરિકામાં ઘણું જૂનું હોવા છતાં તેમજ પૂર્વ છેડા પર આવેલું હોવા છતાં આર્થિક અને સાંસ્કૃતિક ષ્ટિએ આગળ પડતું સ્થાન ધરાવે છે. વળી તે ન્યૂફાઉન્ડલૅન્ડનું વ્યાપારિક અને ઔદ્યોગિક કેન્દ્ર, આગળ પડતું દરિયાઈ બંદર, મત્સ્યકેન્દ્ર, કૅનેડિયન નૅશનલ રેલમાર્ગનું પૂર્વ છેડાનું અંતિમ મથક, ટ્રાન્સ-કૅનેડા ધોરી માર્ગનું મુખ્ય મથક તેમજ અનેક હવાઈ સેવાઓના ઉતરાણનું મથક બની રહ્યું છે.
અહીંના મુખ્ય ઉદ્યોગોમાં જહાજી બાંધકામ તથા મત્સ્ય-પ્રક્રમણના ઉદ્યોગોનો; કૉડલિવર ઑઇલ અને સીલ ઑઇલના શુદ્ધીકરણ અને ચામડાં કમાવાનાં મથકોનો તથા પીણાંઓ, તૈયાર પોશાકો, હાર્ડવેર, જહાજી એન્જિનો, રંગો તેમજ રાચરચીલું બનાવવાના એકમોનો સમાવેશ થાય છે.
આ શહેરમાં બે જાણીતાં કેથીડ્રલ આવેલાં છે. આ ઉપરાંત અહીં વહીવટી કચેરીઓ, લશ્કરી તથા નૌસેનાનાં સંગ્રહાલયો છે. અહીં મેમોરિયલ યુનિવર્સિટી (1925), ક્વીન્સ કૉલેજ (1841) તથા જૂના અવશેષોને પ્રદર્શિત કરતું ન્યૂફાઉન્ડલૅન્ડ મ્યુઝિયમ આવેલાં છે. સિગ્નલ હિલ પર દીવાદાંડી છે. સિગ્નલ હિલ ઉપરથી આ બારાનું રક્ષણ થતું હતું. કિલ્લામાં આગ લાગવાથી તે તારાજ થયેલો પણ પછી તેનું પુનર્નિર્માણ કરવામાં આવેલું છે. તેની વસ્તી 1,82,000 (2005) છે.
નીતિન કોઠારી