સેનાપતિ (Senapati) : મણિપુર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 15´ ઉ. અ. અને 94° પૂ. રે.ની આજુબાજુનો 3271 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ નાગાલૅન્ડ રાજ્ય, પૂર્વમાં ઉખરુલ જિલ્લો, દક્ષિણે થોઉબલ અને ઇમ્ફાલ જિલ્લા તથા પશ્ચિમે તામેન્ગલાંગ જિલ્લો આવેલા છે. તેનું જૂનું નામ મણિપુર નૉર્થ ડિસ્ટ્રિક્ટ હતું, તે બદલીને જિલ્લામથકના નામ પરથી સેનાપતિ જિલ્લો રાખવામાં આવેલું છે.

સેનાપતિ જિલ્લો

પ્રાકૃતિક લક્ષણો જળપરિવાહ : જિલ્લાનો વિસ્તાર પ્રમાણમાં ઘણો ઓછો હોવા છતાં તે વૈવિધ્યપૂર્ણ વનસ્પતિથી ખૂબ જ સમૃદ્ધ છે. તેની સીમા ઉત્તર તરફ નાગાલૅન્ડ સાથે જોડાયેલી છે, તેથી તેની વનસ્પતિ નાગાલૅન્ડને સમકક્ષ છે. અહીંની કાંપની જમીનો ખૂબ જ ફળદ્રૂપ છે. તે જંગલોથી પણ સમૃદ્ધ છે. અહીં મોટાં વૃક્ષો વિશેષ જોવા મળે છે. ખાસ કરીને ઓક અને એંગનાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે. અહીંનાં સદાહરિત જંગલોમાં વિવિધ પ્રકારના વાંસ છૂટક છૂટક બધે નજરે પડે છે.

નાગાલૅન્ડના સીમાવર્તી ભાગોમાં ઊંચી ટેકરીઓ આવેલી છે. 2,995 મીટર ઊંચાઈ ધરાવતું સર્વોચ્ચ શિખર તેનીપુ માઓનગર પાસે આવેલું છે. વિશિષ્ટ મહત્વ ધરાવતી કોઈ નદી આ જિલ્લામાં નથી, માત્ર થોડાંક તળાવો અને નહેરો છે, જે સિંચાઈના હેતુ માટે ઉપયોગમાં લેવાય છે.

ખેતી-સિંચાઈ-પશુપાલન : ડાંગર, મકાઈ, બટાટા, કોબી અને અળવી અહીંની મુખ્ય કૃષિપેદાશો છે. જિલ્લાની ખેતીલાયક જમીનો પૈકી 95 % જમીનો ડાંગરના પાક માટે ઉપયોગમાં લેવાય છે. બટાટા-કોબી અહીં પુષ્કળ પ્રમાણમાં થતાં હોવાથી જિલ્લા બહાર પણ તેની નિકાસ થાય છે. વર્ષાજળ અને ખીણોમાં આવેલી નાની નહેરો સિંચાઈના મુખ્ય સ્રોત છે. પહાડી ભાગોમાં સીડીદાર ખેતરો તૈયાર કરી, ત્યાં નીકો દ્વારા પાણી પહોંચાડી ખેતીના પાક લેવાય છે.

પશુપાલન અને મરઘાં-બતકાંનું પાલન અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે. જિલ્લા કક્ષાએ મત્સ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન અપાય છે. કીથેલમન્બી ખાતે એક મત્સ્યઉછેર-કેન્દ્ર તથા મત્સ્યનિદર્શન-કેન્દ્ર સ્થાપવામાં આવેલું છે, આ માટે કેટલાંક જળસંચય-સ્થાનો પણ તૈયાર કરાયાં છે. પુરુલ ખાતે પણ મત્સ્યપ્રવૃત્તિનો વિકાસ કરવામાં આવેલો છે; પશુપાલન અને મત્સ્યપ્રવૃત્તિ દ્વારા અહીંના લોકોને ઠીક ઠીક પ્રમાણમાં આવક મળી રહે છે.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં ભૂસ્તરક્ષેત્રે ખનિજસંપત્તિ માટે પૂરતા પ્રમાણમાં સર્વેક્ષણો થયાં ન હોવાથી અહીં ખનિજપ્રવૃત્તિ વિકસી નથી. ડાંગરની મિલોને બાદ કરતાં અન્ય કોઈ ઉદ્યોગો પણ વિકસ્યા નથી. આ ઉપરાંત જિલ્લામાં વણાટકામ, સુથારીકામ, નેતરકામ, વાંસકામ અને ટોપલીઓ બનાવવાનો હુન્નર સરકારી સહાયથી ચાલે છે. અહીંની યુનાઇટેડ બૅંક ઑવ્ ઇન્ડિયા નાના પાયાના ઉદ્યોગો માટે જરૂરી ધિરાણ આપે છે.

સેનાપતિ જિલ્લો ભૂતકાળમાં ક્યારેય વેપારી મથક તરીકે વિકસ્યો નથી. અહીંનાં વેપાર-વાણિજ્ય માત્ર સ્થાનિક જરૂરિયાત પૂરતાં સીમિત રહ્યાં છે. માઓનગર અને ઇમ્ફાલથી 40 કિમી. અંતરે આવેલું કાંગપોકપી નગર જિલ્લાનાં મુખ્ય ધંધાકીય મથકો ગણાય છે. નેતર અને વાંસની હુન્નર-પેદાશો આ બંને નગરો ખાતે પ્રદર્શિત કરવામાં આવેલી છે.

પરિવહન-સંદેશાવ્યવહાર : જિલ્લામાં પરિવહનક્ષેત્રનો વિકાસ પૂરતા પ્રમાણમાં થયેલો નથી. જોકે નુમાલીગઢથી મોરેહ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 39 આ જિલ્લામાંથી 83 કિમી.ના અંતર માટે પસાર થાય છે, આ માર્ગને હવે પહોળો બનાવાયો છે. ગામડાંઓને સાંકળતા પહાડી માર્ગો પગદંડી પ્રકારના છે. જિલ્લાના જાહેર બાંધકામ ખાતા અને કલ્યાણ વિભાગ તરફથી આવા માર્ગો પર નાના પુલો અને વિશ્રામસ્થળો બનાવાયાં છે.

પ્રવાસન : માઓ, કાંગપોકપી અને સેનાપતિ અહીંનાં મુખ્ય પ્રવાસીકેન્દ્રો છે : (1) માઓ : જિલ્લામથક સેનાપતિથી આશરે 43 કિમી.ને અંતરે નાગાલૅન્ડની સીમા પર આવેલું, માઓ નામની અનુસૂચિત જનજાતિથી વસેલું ગામ અને પ્રવાસી મથક. અહીં પોલીસમથક, નાનો ઇન્સ્પેક્શન બંગલો અને જકાતનાકું આવેલાં છે.

(2) કાંગપોકપી : કુદરતી દૃશ્યો માટે જાણીતું બનેલું પ્રવાસી મથક. બ્રિટિશ કાળથી તેનો ગિરિમથક તરીકે વિકાસ થયેલો છે. જિલ્લાનું મોટું બજાર અહીં આવેલું છે. આ સ્થળ તેની મિશન હૉસ્પિટલ માટે મણિપુરમાં વિશેષ જાણીતું બન્યું છે.

(3) સેનાપતિ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ 39 પર આવેલું જિલ્લામથક ઝડપથી વિકાસ પામતું સ્થળ બની રહેલું છે. જિલ્લાની બધી જ વહીવટી કચેરીઓ અને બૅંકો અહીં આવેલી છે. જિલ્લામથક હોવાને કારણે તે હાથવણાટ અને હસ્તકૌશલ્યની ચીજો માટે તથા મણિપુરી નૃત્યશૈલીના મથક તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું છે. આ જિલ્લો તથા મણિપુર તેની પ્રાચીન પરંપરાઓ અને રિવાજો માટે ખૂબ જાણીતા છે. આ જિલ્લામાં બાર માસમાં તેર મહોત્સવો યોજાય છે. હવે જૂની અને અર્વાચીન સંસ્કૃતિના મિશ્ર ઉત્સવોનું આયોજન પણ થાય છે. અહીંના મોટાભાગના ઉત્સવો ધાર્મિક અને અધ્યાત્મલક્ષી હોય છે. મુખ્ય ઉત્સવોમાં દલયાત્રા, લાઈ હારૌબા, ચાઈરૌબા, હઈકુ, રથયાત્રા, કુટ, લુઈ-નાની-ની, નિન્ગોલ, ચક-કૌબા, હિતોન્ગ્બા, રાસલીલા, ગાંગ-ન્ગાઈ, ઈદ-ઉલ-ફિત્ર અને નાતાલનો સમાવેશ થાય છે.

વસ્તી : જિલ્લાને વહીવટી સરળતા માટે 4 ઉપવિભાગો અને 4 જાતિ-વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં કુલ 520 (3 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. 2001ની વસ્તીગણતરી મુજબ આ જિલ્લાની કુલ વસ્તી 3,79,214 છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. આખોય જિલ્લો લગભગ ગ્રામીણ વસ્તી જ ધરાવે છે. અહીં હિન્દુઓ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; જ્યારે બૌદ્ધો, મુસ્લિમો, જૈનો અને શીખોની વસ્તી ઘણી ઓછી છે. અહીં આશરે 40 % લોકો (25 % પુરુષો અને 15 % સ્ત્રીઓ) શિક્ષિત છે. જિલ્લાનાં ત્રણ નગરોમાં એક હાઈસ્કૂલ, 3 માધ્યમિક અને 9 પ્રાથમિક શાળાઓ છે. 43 જેટલાં ગામોમાં એક કે બીજા પ્રકારની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. લગભગ બધાં જ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા છે, 54 ગામોમાં તાર-ટપાલ કચેરીઓ, 21 ગામોમાં બજારો/હાટડીઓ, 33 ગામોમાં સંદેશા-આપલે સગવડો, 51 ગામોમાં પાકા રસ્તાઓ અને 202 ગામોમાં વીજળીની સુવિધા છે.

ઇતિહાસ : 1968ના સપ્ટેમ્બરની 14 તારીખે મણિપુર જિલ્લાનું નામ બદલીને મણિપુર ઉત્તર જિલ્લો રાખવામાં આવેલું. તે માઓ-મરમ, સદર હિલ ઈસ્ટ અને સદર હિલ વેસ્ટ નામના ત્રણ ઘટક ઉપવિભાગોથી બનેલો છે. હવે તે સેનાપતિ જિલ્લા તરીકે ઓળખાય છે.

ગિરીશભાઈ પંડ્યા