સેનાપતિ ગોપીનાથ

January, 2008

સેનાપતિ, ગોપીનાથ (. 24 નવેમ્બર 1915, બનપુર, ઓરિસા) : ઊડિયા કવિ. આયુર્વેદિક ચિકિત્સાકાર્ય સાથે તેમણે સામાજિક સેવા કરી. તેમણે સત્યાગ્રહ ચળવળમાં ભાગ લીધો. ગોદાવરીશ કૉલેજમાં વ્યવસ્થાપક મંડળના સભ્ય; મોહપાત્ર સાહિત્યચક્ર; બનપુરના સેક્રેટરી; ઓરિસા રાજ્ય પાલગાયક પરિષદના સલાહકાર.

તેમણે 13 ગ્રંથો આપ્યા છે. ‘પ્રમાદ વારા’ (1981); ‘શાલિયા નૈરા ધેવ’ (1982) અને ‘વિપ્લવી કૃષ્ણ’ (1984) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘ગાયકવિનોદ પદ્યાવલી’ (1982) ગીતસંગ્રહ છે. ‘શ્રી ગોદાવરીશચરિતામૃત’ (1982) અને ‘કવિ ગોદાવરીશ મોહપાત્ર-પરિચય’ (1994) જીવનચરિત્રો છે. ‘દ્વિતીય મહાયુદ્ધરા રોમાંચકર અનુભૂતિ’ (1988, 1991, 1992) સાહસકથા છે. ‘શ્રીમદ્ ભગવદગીતા મહાકાવ્ય’ (1994) મુક્ત કાવ્યાનુવાદ છે. ‘અતીત ભારતરા સંચિત કથા’ (1987) નૈતિક સાહિત્યગ્રંથ છે. ‘જય મા ઉત્કલા’; ‘અમાગન અમા પહાડ’ – બંને બાળસાહિત્યના ગ્રંથો છે.

તેમને ઓરિસા રાજ્ય સાહિત્ય અકાદમી તથા ચિંતા અને ચેતના, બીબીએસઆર તથા ચિલિકા સંગીત સાહિત્ય નાટક અકાદમી તરફથી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા