સેનાનિર્વાહ–તંત્ર : દેશના લશ્કરનો બિનલડાયક વિભાગ, જે યુદ્ધ દરમિયાન લડાયક વિભાગ(combatants)ને તેની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરતો હોય. ફ્રાન્સમાં 1789માં રાજ્યક્રાંતિ થઈ ત્યાં સુધી વિશ્વના કોઈ પણ દેશમાં તેના લશ્કરના લડાયક અને બિનલડાયક એવા કોઈ વિભાગ પાડવાની પ્રથા ન હતી; પરંતુ ત્યારબાદ યુદ્ધના યોગ્ય સંચાલન માટે તેમજ દેશના લશ્કરનું તર્કશુદ્ધ વર્ગીકરણ કરી યુદ્ધના જમાનામાં તેનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરવા માટે હવે દરેક દેશના લશ્કરને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે : (1) લડાયક સૈનિકોનો વિભાગ અને (2) લશ્કરનો એવો વિભાગ જે યુદ્ધ દરમિયાન પ્રત્યક્ષ મોરચા પર કામગીરી કરવાને બદલે આવી કામગીરી કરનાર સૈનિકોને લડવા માટે જે સાધનોની જરૂર પડે છે તેનું ઉત્પાદન અને પુરવઠો પૂરું પાડવાની કામગીરી કરે છે. આ બીજા વિભાગને લશ્કરનો બિનલડાયક વિભાગ (non-combatants) કહેવામાં આવે છે, જેમાં શસ્ત્રાસ્ત્રોનું ઉત્પાદન કરતાં ઑર્ડ્નન્સ (ordnance) કારખાનાંઓ, વૈદ્યકીય વિભાગ, સૈનિકો અને અધિકારીઓના નિવાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા (Law and order) જાળવી રાખવાનું કામ કરતી મિલિટરી પોલીસ, મિલિટરી નર્સિંગ-સેવાઓ, અધિકારીઓ અને સૈનિકોનાં બાળકો માટે શિક્ષણ આપતી સંસ્થાઓનું સંચાલન, લશ્કરનું ટપાલ ખાતું વગેરેનો સમાવેશ થાય છે.
ભારતમાં લશ્કરનું જે વર્તમાન સંગઠન છે તેનું સ્વરૂપ બ્રિટિશ સેનાના સંગઠનના મૉડલ પર ઊભું કરવામાં આવ્યું છે; દા.ત., બ્રિટિશ લશ્કરનો એક વિભાગ સેનાના એવા અધિકારીઓ અને સૈનિકોનો બનેલો હોય છે જેનું મુખ્ય કાર્ય યુદ્ધનું આયોજન કરવાનું, વ્યૂહરચના ઘડવાનું તથા યુદ્ધના મેદાન પર રણનીતિના દાવપેચ નક્કી કરવાનું હોય છે, જ્યારે તેના બીજા વિભાગમાં લશ્કરને મેડિકલ, ઇજનેરી અને ટૅકનિકલ પ્રકારનો ટેકો મળે તે રીતે તે કાર્ય કરે છે; દા.ત., રૉયલ આર્મી મેડિકલ કોર, રૉયલ મિલિટરી પોલીસ, રૉયલ મિલિટરી ઇલેક્ટ્રિકલ ઍન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ વગેરે. આ બીજા બિનલડાયક વિભાગના સંચાલન માટે ક્વાર્ટર-માસ્ટરનું પદ ધરાવતા અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. હકીકતમાં આ બીજો વિભાગ લશ્કરનાં વહીવટી કાર્યો માટે રચવામાં આવતો હોય છે.
ભારતમાં હાલ(2007)માં જે ઑર્ડ્નન્સ ફૅક્ટરીઓ છે તે શસ્ત્રાસ્ત્રો, દારૂગોળા, ટૅન્કો અને વાહનોનું ઉત્પાદન કરે છે; જ્યારે સંરક્ષણ-વિભાગ હસ્તકના જાહેર ક્ષેત્રના એકમો (PSUs) લડાયક જહાજો, સબમરીનો, લડાયક વિમાનો, મિસાઇલો, સંદેશાવ્યવહારનાં ઉપકરણો, મશીન-ટૂલ, ‘અર્થ-મૂવિંગ’ ઉપકરણો વગેરેનું ઉત્પાદન કરે છે.
1924ના એક ખાસ કાયદા હેઠળ ભારતમાં હાલ(2007)માં 63 જેટલાં કૅન્ટોન્મેન્ટ બોર્ડ છે, જે અધિકારીઓ અને સૈનિકોનાં રહેઠાણોના વિસ્તારોમાં નાગરિક સેવાઓ પૂરી પાડતાં હોય છે.
એક અધિકૃત અને પ્રમાણભૂત ગણતરી મુજબ યુદ્ધના પ્રત્યક્ષ મોરચા પર લડતા એક સૈનિકની જરૂરિયાતો પૂરી કરવા માટે 17 જેટલી જુદી જુદી સેવાઓ પૂરી પાડતા ટેકેદારો(supporting personnel)ની જરૂર પડે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે