સુવર્ણ-આંક (gold number)
January, 2008
સુવર્ણ–આંક (gold number) : વિશિષ્ટ રીતે બનાવેલા (0.5થી 0.06 ગ્રા./લિ. સોનું ધરાવતા) સોના(gold)ના લાલ વિલય(sol)માં 10 % સોડિયમ ક્લોરાઇડના દ્રાવણના 1 મિલિ.ને ઝડપથી ઉમેરવામાં આવે ત્યારે વિલયનું ઘટ્ટીભવન (coagulation) થતું અટકાવવા માટે ઉમેરવામાં આવતા સંરક્ષક (protective) કલિલનો મિગ્રા.માં જથ્થો. કોઈ એક ધાતુના વિલયમાં સરેશ જેવો સ્થાયી (stable) કાર્બનિક કલિલી પદાર્થ ઉમેરેલો હોય તો વિલયમાં સોડિયમ ક્લોરાઇડ જેવો વિદ્યુતવિભાજ્ય ઉમેરવા છતાં વિલયનું ઘટ્ટીભવન થતું નથી. વળી બાષ્પીભવન વડે વિલયને શુષ્ક સ્વરૂપમાં મેળવી શકાય છે અને તેમાં પાણી ઉમેરવાથી તે પુનર્દ્રવિત થઈ કલિલી દ્રાવણ બને છે.
આમ દ્રવવિરોધી (lyophobic) કલિલમાં ક્ષાર (વિદ્યુતવિભાજ્ય) ઉમેરવાથી થતા અવક્ષેપન કે ઘટ્ટીભવનને રોકવા માટેની સરેશ જેવા જળસ્નેહી (hydrophilic) કલિલની શક્તિને સંરક્ષાત્મક શક્તિ કહે છે, જે તેની પ્રકૃતિ (nature) પર આધાર રાખે છે. જુદા જુદા જળસ્નેહી પદાર્થોની સાપેક્ષ સંરક્ષાત્મક શક્તિના માપન માટે ઝિગ્મૉન્ડીએ સુવર્ણ-આંકનો સિદ્ધાંત રજૂ કરેલો. જોકે, તેની વ્યાખ્યા જોતાં સુવર્ણ-આંક એ કલિલ માટેનો અતિ ચોક્કસ અચળાંક નથી.
ઑસ્વાલ્ડે સંરક્ષાત્મક શક્તિના માપ તરીકે કૉંગો રોબિન આંક (Congo Robin Number) રજૂ કર્યો હતો. તે મુજબ કૉંગો રોબિન આંક એટલે 100 મિલિ. 0.01 % કૉંગો રોબિન રંગક(dye)ના દ્રાવણમાં 0.16 ગ્રામતુલ્યભાર (gram-equivalent) ઉમેરવાથી 10થી 15 મિનિટ બાદ થતા રંગના ફેરફારને રોકવા માટે જરૂરી સંરક્ષાત્મક કલિલનો મિગ્રા.માં જથ્થો.
કેટલાક સંરક્ષાત્મક કલિલોના સુવર્ણ-આંક સારણીમાં આપ્યા છે. સુવર્ણ-આંકનું મૂલ્ય જેમ નીચું તેમ કલિલની સંરક્ષાત્મક શક્તિ વધુ.
સારણી : કેટલાક સંરક્ષાત્મક કલિલોના સુવર્ણ–આંક
સંરક્ષાત્મક કલિલ | સુવર્ણ-આંક |
સરેશ | 0.005-0.01 |
કેસીન | 0.01-0.02 |
હીમોગ્લોબિન | 0.03-0.007 |
આલ્બુમિન | 0.1-0.2 |
ગુંદર એરેબિક (arabic) | 0.15-0.25 |
ડેક્સ્ટ્રિન | 6-20 |
પોટેટો સ્ટાર્ચ | 20-25 |
લોહીમાંના પ્રોટીનની સંરક્ષાત્મક શક્તિને કારણે કૅલ્શિયમ ફૉસ્ફેટ [Ca3(PO4)2] જેવા પદાર્થો કલિલ રૂપે જળવાઈ રહે છે. લખવાની પેનોમાં શાહીને અટકી જતી (clogging) રોકવા શાહીમાં સંરક્ષાત્મક કલિલો ઉમેરવામાં આવે છે. ગાયના દૂધ કરતાં માનવ-દૂધમાં કેસીન સારી રીતે સંરક્ષાયેલ હોય છે. આથી ગાયનું દૂધ સહેલાઈથી સ્કંદન પામે છે. પ્રોટાર્જોલ (protargol) અને આર્જિરોલ (argyrol) કલિલી સિલ્વરનાં સંરક્ષિત સ્વરૂપો છે.
સંરક્ષી કલિલના કણો જળવિરોધી કલિલના કણો પર અધિશોષિત થઈ સંરક્ષી પડની રચના કરે છે. આ પડ કલિલનું ક્ષાર વડે થતું સ્કંદન રોકે છે. આધુનિક વિચારધારા મુજબ જળવિરોધી કલિલની સ્થિરતામાં વધારો એ જળસ્નેહી અને જળવિરોધી કલિલોના અરસપરસના અધિશોષણને લીધે થાય છે.
ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ