સુબ્રમણ્યન્, કે. જી. (જ. 1924, કુથુપારામ્બા, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર, ભારતીય લોકકલાવિદ અને કલાગુરુ. શાળા પછી ચેન્નાઈમાં વિનયન શાખાનો અભ્યાસ શરૂ કર્યો, પણ 1942માં ‘હિંદ છોડો’ ચળવળમાં એ જોડાયા અને આ અભ્યાસ અધૂરો રહ્યો. તેઓ 1944માં શાંતિનિકેતનમાં કલાના વિદ્યાર્થી તરીકે દાખલ થયા હતા અને કલાગુરુ નંદલાલ બોઝ અને બિનોદ બિહારી મુખર્જીના હાથ નીચે તૈયાર થઈને તેમણે 1948માં ચિત્રકલાની સ્નાતક પદવી હાંસલ કરી. બ્રિટિશ કાઉન્સિલની રિસર્ચ ફેલોશિપની મદદ વડે તેમણે 1950માં લંડન જઈ સ્લેડ સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટમાં કલાનો વધુ અભ્યાસ કર્યો. 1951માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટના ચિત્રકલા-વિભાગમાં લેક્ચરર તરીકે જોડાયા. કલાશિક્ષક તરીકેની લાંબી કારકિર્દીમાં તેમણે અનેક નામી-અનામી કલાકારોનું ઘડતર કર્યું; જેમાં જ્યોતિ ભટ્ટ, ધ્રુવ મિસ્ત્રી, ગુલામ મોહમ્મદ શેખ, નીલિમા ઢઢ્ઢા, હકુ શાહ, વિનોદ શાહ, વિનોદરાય પટેલ, રમેશ પંડ્યા અને નસરીન મહંમદી ખાસ નોંધપાત્ર છે. 1968થી 1974 લગી તે ફાઇન આર્ટ ફૅકલ્ટીના ડીન પણ હતા. અહીં કલાના વિદ્યાર્થીઓમાં તથા યુવાકલાકારોમાં તેઓ ‘મણી સર’ના હુલામણા નામે પ્રિય થઈ પડ્યા હતા. 1980માં સુબ્રમણ્યન્ શાંતિનિકેતનમાં ચિત્રકલાના પ્રાધ્યાપક તરીકે નિમાયા.
કે. જી. સુબ્રમણ્યન્
સુબ્રમણ્યન્ પ્રાથમિક અને દ્વિતીય શ્રેણીના મૂળ રંગો વડે અણઘડ (nive) જણાતી શૈલીમાં ચિત્રો કરવા માટે જાણીતા છે. તેમણે 1956, ’57, ’58, ’59, ’60, ’61, ’66, ’67, ’68, ’69, ’70 અને ’99માં મુંબઈમાં; 1999માં કોલકાતામાં; 1955, ’58, ’59, ’63, ’72, ’78, ’79, ’80, ’86, ’89, ’90, ’94, ’95, ’98 અને 2000માં દિલ્હીમાં તથા 1988માં ઑક્સફર્ડમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં હતાં. વળી 1981માં ભોપાલમાં, 1983માં કોલકાતામાં, 1985માં દિલ્હીમાં પોતાની કલાનાં પશ્ર્ચાદ્વર્તી (retrospective) પ્રદર્શનો કરેલાં. આ ઉપરાંત અમેરિકા, ઇંગ્લૅન્ડ, ટોકિયો, બ્રાઝિલ, તેહરાન, મૉસ્કો, પૅરિસ અને કોલકાતામાં જૂથપ્રદર્શનોમાં પણ તેમણે ભાગ લીધો હતો.
1966માં જે. ડી. આર. થર્ડ ફેલોશિપ મળતાં તેઓ અમેરિકા ગયેલા. 1974થી 1976 સુધી તેઓ ‘ક્રાફ્ટસ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા’ના પ્રમુખ રહ્યા હતા.
1957, ’58 અને ’59માં તેમને ‘બૉમ્બે આર્ટ સોસાયટી’નાં ઇનામો મળ્યાં હતાં. 1961માં ‘મહારાષ્ટ્ર રાજ્ય કલાપ્રદર્શન’માં તેમને પ્રથમ ઇનામ મળ્યું હતું. 1965માં લલિતકલા અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. 1968માં તેમને ‘ફર્સ્ટ ઇન્ડિયન ટ્રાયનેલે’નો ગોલ્ડ મેડલ મળ્યો હતો. 1975માં ભારતના રાષ્ટ્રપતિએ તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજ્યા હતા. 1981માં મધ્યપ્રદેશ સરકારે તેમને ‘કાલિદાસ સન્માન’થી નવાજ્યા હતા. વળી 1985માં તેઓ રાષ્ટ્રીય લલિતકલા અકાદમીના ફેલો નિમાયા હતા. 1991માં શાંતિનિકેતને તેમને ‘અબન ગગન’ ખિતાબથી નવાજ્યા. 1992માં રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીએ અને 1997માં બનારસ હિંદુ યુનિવર્સિટીએ તેમને ‘માનાર્હ ડૉક્ટરેટ’ની પદવીથી નવાજ્યા.
કે. જી. સુબ્રમણ્યન્નું એક લાક્ષણિક ચિત્ર
સુબ્રમણ્યન્નાં આરંભિક ચિત્રોમાં પિકાસોના પ્રભાવ હેઠળ ઘનવાદી શૈલીએ ચિત્રિત પદાર્થચિત્રો (still lives) નજરે પડે છે.
તેમણે પકવેલી માટી(terracotta)માંથી મ્યુરલો પણ બનાવ્યાં છે. 1970માં બાંગ્લાદેશના સર્જન પહેલાં પૂર્વ બંગાળના રહેવાસીઓ ઉપર પાકિસ્તાની સરકારે કરેલા અત્યાચારને તેમણે પકવેલી માટીનાં મ્યુરલોમાં અત્યંત અસરકારક રીતે અંકિત કર્યા છે. સામાજિક-રાજકીય સંદર્ભોને એમણે કલાસર્જનમાં અભિવ્યક્ત કર્યા છે.
સુબ્રમણ્યન્નાં ચિત્રોમાં આધુનિક જીવન અંગે વ્યંગપૂર્ણ કટાક્ષ જોવા મળે છે. કુરૂપ – વરવા ચહેરા અને જોતાં જ અરેરાટી થાય તેવી માનવઆકૃતિઓ દ્વારા તેઓ આધુનિક જીવનની વિભીષિકા વ્યક્ત કરે છે. સુબ્રમણ્યન્ કલાવિવેચક પણ છે. તેમણે કલાચર્ચા કરતાં અંગ્રેજી પુસ્તકો પણ લખ્યાં છે. તેમાંથી ‘ધ લિવિંગ ટ્રૅડિશન – એ પર્સ્પેક્ટિવ ઑન મૉડર્ન ઇન્ડિયન આર્ટ’ ઘણી ખ્યાતિ પામ્યું છે.
અમિતાભ મડિયા