સીગ્બાહન કાર્લ માને જ્યૉર્જ (Siegbahn Carl Manne George)
January, 2008
સીગ્બાહન, કાર્લ માને જ્યૉર્જ (Siegbahn, Carl Manne George) (જ. 3 ડિસેમ્બર 1886, ઑરેબ્રો (Oerebro), સ્વીડન; અ. 26 સપ્ટેમ્બર 1978, સ્ટૉકહોમ) : X-કિરણ વર્ણપટવિજ્ઞાન-(spectroscopy)ના ક્ષેત્રે શોધો અને સંશોધન કરવા બદલ વર્ષ 1924નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વીડિશ ભૌતિકવિજ્ઞાની. ઉચ્ચ શાલેય શિક્ષણ મેળવ્યા બાદ, 1906માં તેમણે લુંદ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. અહીં સંશોધન કરીને તેમણે 1911માં ‘Magnetische Feldmessung’ ઉપર મહાનિબંધ લખીને ડૉક્ટરની ઉપાધિ મેળવી.
1907થી 1911 દરમિયાન તેમણે યુનિવર્સિટીના ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રો. જે. આર. રીડબર્ગના મદદનીશ તરીકે સેવાઓ આપી. ત્યારબાદ વ્યાખ્યાતા અને 1915માં ફિઝિક્સના ડેપ્યુટી પ્રાધ્યાપક તરીકે નિમાયા. પ્રો. રીડબર્ગના અવસાન બાદ તેમની જગ્યાએ સીગ્બાહનને 1920માં પ્રાધ્યાપક બનાવવામાં આવ્યા. 1923માં તે ઉપ્સાલા (Uppsala) યુનિવર્સિટીના પ્રાધ્યાપક બન્યા. 1937માં રૉયલ સ્વીડિશ એકૅડેમી ઑવ્ સાયન્સીઝમાં પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનના સંશોધકપ્રાધ્યાપક તરીકે નિમાયા. જ્યારે નૉબેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એકૅડેમીનો ભૌતિકવિજ્ઞાન વિભાગ અસ્તિત્વમાં આવ્યો ત્યારે તેના પ્રથમ નિયામક તરીકે સીગ્બાહન ઉપર પસંદગી ઊતરી.
શરૂઆત(1908-1912)નું તેમનું સંશોધનકાર્ય વિદ્યુત અને ચુંબકત્વ ઉપર રહ્યું. ત્યારબાદ 1912થી 1937 સુધી તેમણે X-કિરણ-વર્ણપટવિજ્ઞાન ઉપર સંશોધન કર્યું. આ સંશોધનનો આશય પાર પાડવા માટે એમણે નવી પદ્ધતિઓ અને ઉપકરણોની રચના કરી. તેમણે નિર્મિત કરેલા વર્ણપટદર્શક (spectroscope), સ્ફટિક અને સુરેખ ગ્રેટિંગ વડે X-વિકિરણોની તીવ્રતાનાં વધુ ચોક્કસ માપનો લેવાનું શક્ય બન્યું. આ રીતે, તત્ત્વોના લાક્ષણિક X-વિકિરણની ઘણી માહિતી સાંપડી. સીગ્બાહને વિકસાવેલી અતિ ચોક્કસ ટૅક્નિક્ને આધારે પરમાણુઓના ઇલેક્ટ્રૉન કવચો(shells)માં ઊર્જા અને વિકિરણની કેવી સ્થિતિઓ હોય છે તેના ઉપર જરૂરી પ્રકાશ પડ્યો. આ કારણે તે જ સમયે કેટલીક ઘટનાઓના સૈદ્ધાંતિક અર્થઘટનો માટે ક્વૉન્ટમવાદનો આનુભવિક (empirical) મજબૂત પાયો તૈયાર થયો. સીગ્બાહને તેમનાં સંશોધનોનો ઉપસંહાર તેમના પુસ્તક ‘spektroskopic der ’-માં વિગતવાર આપ્યો છે. વિજ્ઞાનજગત માટેના સાહિત્યનું આ પુસ્તક અનોખું અને પ્રશિષ્ટ નજરાણું છે. તે સમયે તેમનાં તૈયાર કરેલાં ઉપકરણોથી જે અવલોકન લીધાં હતાં તે આજે પણ સારું એવું મહત્ત્વ ધરાવે છે.
તેમના નેતૃત્વ હેઠળ ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનની કેટલીક સમસ્યાઓ હલ કરવા માટે ડ્યૂટેરૉનને 30 MeV સુધી પ્રવેગિત કરવા માટે સાઇક્લોટ્રૉનનું નિર્માણ કરવામાં આવ્યું. ઉપરાંત, યુદ્ધ દરમિયાન 4,00,000 વૉલ્ટ સુધીનું ઉચ્ચ-દબાણ જનિત્ર (generator) તૈયાર કરવામાં આવ્યું. આવાં બધાં ઉપકરણોને આધારે સંશોધનકાર્ય ધમધમી ઊઠ્યું. જુદા જુદા રેડિયો-ઍક્ટિવ સમસ્થાનિકો(isotopes)ની ઊર્જા અને વિકિરણના અભ્યાસ માટે વિદ્યુતચુંબકીય પૃથક્કારક(separator)ની રચના કરવામાં આવી. આ સાથે સાથે સીગ્બાહન અને તેમના સાથીદારોએ નવા જ પ્રકારનો ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપ તૈયાર કર્યો. સીગ્બાહનની સંસ્થામાં પારમાણ્વિક ન્યૂક્લિયસ અને રેડિયોઍક્ટિવ ગુણધર્મોના અભ્યાસ માટે દેશ-વિદેશના સંખ્યાબંધ યુવાનો અને વિજ્ઞાનીઓનો જમેલો જામ્યો.
સીગ્બાહને યુરોપ (1908-1922), કૅનેડા અને યુ.એસ.(1925)ના મહત્ત્વનાં વૈજ્ઞાનિક કેન્દ્રોની મુલાકાત લીધી. રૉકફેલર ફાઉન્ડેશનના નિમંત્રણથી તેમણે કોલંબિયા, યેલ, હાર્વર્ડ, કૉર્નેલ, શિકાગો, બર્કલી, પસાડેના, મૉન્ટ્રિયલ અને અન્ય નામી યુનિવર્સિટીઓમાં પ્રવચનો આપ્યાં. બીજા વિશ્વયુદ્ધ બાદ, 1946 અને 1953ના વર્ષે તેમણે યુ.એસ.ની મુખ્ય અને મહત્ત્વની ન્યૂક્લિયર રિસર્ચ-સંસ્થાઓની મુલાકાત લીધી. આ બધાંમાં બર્કલી, પસાડેના, લૉસ એન્જેલસ, સેંટ લૂઈ, એમ.આઇ.ટી. (બૉસ્ટન), બ્રૂકહેવન, કોલંબિયા વગેરેની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
Commission Internationale des Poids et Mesures(1937)ના તેઓ સભ્ય હતા. આ સંસ્થાની પૅરિસમાં મળતી વાર્ષિક બેઠકોમાં તેઓ અચૂક ભાગ લેતા. આ કમિશનમાંથી વિધિસર તેઓ છૂટા થયા ત્યારબાદ તેમને માનાર્હ સભ્ય તરીકે તેમાં લેવામાં આવ્યા હતા. 1938-1947 દરમિયાન તેઓ ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ ફિઝિક્સના પ્રમુખ રહ્યા.
નોબેલ પુરસ્કાર ઉપરાંત, હ્યુજીસ ચંદ્રક (1934), લંડનની રૉયલ સોસાયટીનો રૂમ્ફૉર્ડ ચંદ્રક (1940), લંડનની ફિઝિકલ સોસાયટીનો ડ્યુડેલ ચંદ્રક (1948) અને અન્ય ચંદ્રકો તેમના ખાતે જમા થયા.
ફ્રીબર્ગ (1931), બુકારેસ્ટ (1942), ઑસ્લો (1946), પૅરિસ (1952) અને સ્ટૉકહોમની ટૅક્નિકલ ફૅકલ્ટી તરફથી તેમને માનાર્હ ડૉક્ટરેટ આપવામાં આવી હતી. તેઓ લંડન અને એડિનબર્ગ રૉયલ સોસાયટી, એકૅડેમી ડેસ સાયન્સીઝ (પૅરિસ) અને કેટલીક અન્ય એકૅડેમીઓના સભ્ય હતા.
પ્રહ્લાદ છ. પટેલ