સીગરો (ભીડો, vice) : વર્કશૉપમાં ઘડવાની વસ્તુને કે દાગીનાને જકડી રાખવા માટે વપરાતું એક ઓજાર. આ ઓજારને લીધે દાગીના પર ફાઇલિંગ (filing) કરવાની, છોલ ઉતારવાની (chipping), કાપવાની કે આંટા પાડવાની ક્રિયા સારી રીતે થઈ શકે છે. કારીગરને શ્રમ ઓછો પડે તે માટે સીગરાને સામાન્ય રીતે માણસની કોણી જેટલી ઊંચાઈએ બેસાડવામાં આવે છે. ટેબલ પર બેસાડવાનો આવો સીગરો આકૃતિમાં દર્શાવ્યો છે.

આ પ્રકારના સીગરાને સમાંતર જડબાં(parallel jaws)વાળો સીગરો કહે છે. સામાન્ય રીતે ભરતર લોખંડ (cast iron) કે પોલાદમાંથી તેનો પિંડ (body) બનાવાય છે. સીગરાનું એક જડબું સ્થિર (fixed) જ્યારે બીજું ગતિશીલ (movable) હોય છે. ગતિશીલ જડબું પેચ (screw) અને હાથા(handle)ની મદદથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. બંને જડબાં પર પોલાદની મજબૂત પટ્ટીઓ બેસાડેલી હોય છે. વસ્તુ બરાબર પકડાઈ રહે તે માટે બંને જડબાં પર ખાંચા પાડેલા હોય છે.

સીગરો

સીગરાનું માપ તેના જડબાની સાપેક્ષતામાં રાખવામાં આવે છે. તે 100 મિમી.થી 180 મિમી. સુધીનું હોય છે. પાઇપને લગતા કાર્યમાં સીગરો રિવેટ, ચાવી અને ખૂબ નાની ખૂંટી (pin) વગેરે બેસાડવા માટે ઉપયોગમાં લેવાય છે. હાથમાં પકડી શકાય તેવા સીગરા પણ મળે છે. તે નાનાં ઓજારો, ખીલી વગેરે માટે વપરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ