સિંહા, તપન (જ. 2 ઑક્ટોબર 1924, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ચલચિત્રનિર્માતા – દિગ્દર્શક. તેઓ બંગભૂમિના એક એવા ચલચિત્રનિર્દેશક છે, જેમણે પોતાની કારકિર્દીમાં બે પરસ્પરવિરોધી સિદ્ધિઓ મેળવી છે. એક બાજુ તેમણે પોતાનાં ઉદ્દામ કથાનકો સાથે નિતનવા પ્રયોગો કરીને સાર્થક ચિત્રો બનાવ્યાં છે અને બીજી બાજુ તેમણે વ્યાવસાયિક રીતે સફળ ચિત્રો પણ બનાવ્યાં છે. કળાચિત્રો અને વ્યાવસાયિક ચિત્રો વચ્ચે કોઈ ફરક નથી એ તેમનાં ચિત્રો પુરવાર કરતાં રહ્યાં છે.
તપન સિંહા
તપનદાએ તેમની કારકિર્દીનાં પ્રારંભનાં બે વર્ષો કોલકાતાની પ્રસિદ્ધ ન્યૂ થિયેટર્સ કંપનીમાં પસાર કર્યાં હતાં. તે પછી 1950ના દાયકામાં તેઓ ઇંગ્લૅન્ડની કલાત્મક ચિત્રોની પ્રસિદ્ધ આર્થર રૅન્કની સંસ્થામાં પણ બે વર્ષ ગાળી આવ્યા. કારકિર્દીનો પ્રારંભ તેમણે ધ્વનિમુદ્રક તરીકે કર્યો હતો. ભારત આવ્યા બાદ તેમણે પ્રથમ બંગાળી ચિત્ર ‘સૈનિક’ બનાવ્યું અને બીજું ચિત્ર ‘ઉપહાર’ ઉત્તમકુમારને લઈને બનાવ્યું. કથાનકોની પસંદગી અને વિષયવૈવિધ્ય તથા તેની પ્રભાવક રજૂઆત તપનદાની વિશેષતા રહ્યાં છે. દરેક નવા ચિત્ર સાથે તેમણે પ્રેક્ષકોને પહેલાં કરતાં કંઈક નવું આપવાનો પ્રયાસ કર્યો છે, પણ એમ કરવામાં ચલચિત્રનાં પોતાનાં નિર્માણમૂલ્યો સાથે કદી બાંધછોડ કરી નથી, પછી તે ટાગોરની વાર્તા પર આધારિત ‘કાબુલીવાલા’ કે ‘ક્ષુધિત પાષાણ’ હોય કે શંકરની વાર્તા પર આધારિત વિજ્ઞાનકથા-ચિત્ર ‘એક જે છિલો દેશ’ હોય કે પછી ‘એક ડૉક્ટર કી મૌત’ જેવું કોઈ ચિત્ર હોય.
1996માં તેમણે ટેલિવિઝન માટે એક શ્રેણી ‘ડૉટર ઑવ્ ધિસ સેન્ચ્યુરી’ બનાવી હતી. તેમાં શરદબાબુ, તારાશંકર બંદોપાધ્યાય, ગૌરકિશોર ઘોષ, દિવ્યેન્દુ પલિત વગેરે ખ્યાતનામ બંગાળી લેખકોની છ ટૂંકી વાર્તાઓ રજૂ કરી હતી. તેમાં શબાના આઝમી, જયા બચ્ચન, દીપા સાહી, સુલભા દેશપાંડે જેવી અભિનેત્રીઓએ કેન્દ્રીય ભૂમિકાઓ ભજવી હતી. આ ચિત્ર દ્વારા તેમણે એ વાત સૌના ધ્યાન પર લાવવાનો પ્રયાસ કર્યો હતો કે દેશે ખૂબ પ્રગતિ કરી છે તે છતાં સ્ત્રીઓ તરફના તેના અભિગમમાં ઝાઝો ફરક પડ્યો નથી.
તપનદાએ બાળકો માટે ‘સફેદ હાથી’ સહિતનાં કેટલાંક નોંધપાત્ર ચિત્રો બનાવ્યાં છે. બંગાળી ‘એક જે છિલો દેશ’ બાળકો માટે બનાવેલું વિજ્ઞાનકથા-ચિત્ર છે. આ ચિત્રને શ્રેષ્ઠ બંગાળી ચિત્રનું રાષ્ટ્રીય પારિતોષિક એનાયત કરાયું હતું.
ચલચિત્રસર્જક રાજા સેને તપનદા અંગે એક દસ્તાવેજી ચિત્ર ‘ફિલ્મ-મેકર ફૉર ફ્રીડમ’ બનાવ્યું છે. તેમનાં પત્ની અરુંધતીદેવી પણ ચિત્રોના નિર્માણ સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. 1990માં તેમનું નિધન થયું.
નોંધપાત્ર ચિત્રો : ‘ઉપહાર’ (1955), ‘કાબુલીવાલા’ (1956), ‘ક્ષુધિત પાષાણ’ (1960), ‘હંસુલી બાંકેર ઉપકથા’ (1962), ‘જોતુગૃહ’ (1964), ‘અતિથિ, આરોહી’ (1965), ‘હાટે બાજારે’ (1967), ‘આપનજન’ (1968), ‘સગીના માહતો’ (1970), ‘સફેદ હાથી’ (1977), ‘બન્ચારામેર બાગાન’ (1980), ‘અદાલતો એકટી મેયે’ (1982), ‘અભિમન્યુ’ (1983), ‘એક ડૉક્ટર કી મૌત’ (1991), ‘અનોખા મોતી’ (2000), ‘ડૉટર ઑવ્ ધિસ સેન્ચ્યુરી’ (2001).
હરસુખ થાનકી