સિંહ, ગુરુ બિપિન (જ. 23 ઑગસ્ટ 1918, સિંગારી, જિલ્લો કચાર, આસામ; અ. 9 જાન્યુઆરી 2000, આસામ) : મણિપુરી નૃત્યશૈલીના અગ્રણી કલાકાર. પિતા પુખરમ્બમ્ લૈખોમસના સિંહ અચ્છા કવિ અને કલાકાર હતા. માતા ઇન્દુબાલા દેવી રાસલીલામાં નૃત્ય કરતાં. થોક ચોમ ગિરક પ્રખ્યાત મૃદંગવાદક હતા. તે બિપિન સિંહ સાથે એક જ ઘરમાં રહેતા હોવાથી બાળપણથી તેમની પાસે મૃદંગ શીખ્યા. ઘરની પાસેનાં મંદિરોમાં રાસલીલાનો ઉત્સવ હોય તેમાં તેઓ કૃષ્ણ બનતા. 9 વર્ષની ઉંમરે ગુરુ પદ્મ સિંહને નૃત્યગુરુ બનાવ્યા અને રાજકુમાર કૃષ્ણપ્રસાદના રાસમાં ભાગ લેતા થયા. મામા ઉપરાંત થોક ચોમ નરસિંહની મૃદંગની વિશિષ્ટ શૈલી પણ શીખ્યા. માતાપિતા તરફથી સંગીતનો વારસો મળ્યો હતો તેથી પાલા-સંકીર્તનમાં તેઓ મુખ્ય ગાયક બન્યા. ભાગવત-આધારિત ચાર-પાંચ નૃત્યનાટિકાઓનું તેમણે દિગ્દર્શન કર્યું. ઉપરાંત ખોલ-વાદનમાં પારિતોષિક પણ મેળવ્યું. આમ મણિપુરી નૃત્યશૈલીના દરેક પાસામાં માહેર બની એ ક્ષેત્રે જ્ઞાનસાધક અને સંશોધકના ગુણો કેળવ્યા. મણિપુરી ઉપરાંત સિલહટ અને ત્રિપુરાનાં ગામેગામ ફરી ત્યાંની દુર્લભ વિદ્યા ઉપાર્જિત કરવા તેમણે ખૂબ કષ્ટ વેઠ્યાં.
ગુરુ બિપિન સિંહ
બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી મણિપુર જઈ રાસ અને શૈલીનાં અન્ય પાસાંઓના જાણકાર ગુરુઓ જેવા કે આમુખી સિંહ, તોમ્બા સિંહ, આમોતોન શર્મા, તોન્દન સિંહ વગેરે ગુરુઓની વિશિષ્ટતાઓ શીખ્યા. આ સાથે મૃદંગના તાલ, બોલનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું અને તેને લગતી હસ્તલિખિત પ્રતો ભેગી કરી. તેમણે તન-મન અને ધનથી સેવા અર્પીને ગુરુઓને રીઝવ્યા. ક્યારેક પગપાળા ફરીને, ક્યારેક દિવસોના અપવાસ કરીને પણ તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જ્ઞાનસાધના માટે 1937માં ઘર છોડી કોલકાતા ગયા. કેટલીક સંસ્થાઓના નૃત્યવર્ગમાં શીખવ્યું અને અંગત રીતે તાલીમ પણ આપ્યાં. આ જ વર્ષમાં તેમણે ગાયેલ ગીતોની પ્રથમ રેકર્ડ બહાર પડી. આથી સંતોષ ન માનતાં હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પાસેથી હિંદુસ્તાની સંગીત શીખ્યા. તે સમયનાં ખ્યાતનામ નર્તકી મૅડમ મેનકાએ મુંબઈ નજીક નૃત્યસંસ્થા સ્થાપી. તેમાં જોડાવા બિપિન સિંહે કોલકાતા છોડ્યું. નવી સંસ્થામાં અન્ય નૃત્યશૈલીના ગુરુઓ પાસેથી જે તે શૈલીની વિશિષ્ટતા જાણી પોતાનું નૃત્ય-ફલક વિસ્તાર્યું.
1945માં મુંબઈમાં આયોજિત સૌપ્રથમ અખિલ ભારતીય નૃત્ય સંમેલનમાં ભાગ લીધો. તે પછીના વર્ષથી શહેરની અગ્રગણ્ય કલાસાંસ્કૃતિક સંસ્થાઓ માટે નૃત્યનાટિકાઓનું દિગ્દર્શન કર્યું. ઇન્ડિયન નૅશનલ થિયેટર (આઈ.એન.ટી.) માટે ‘આમ્રપાલી’, ‘મીરાંબાઈ’ જેવી સફળ કૃતિઓ સર્જી અને ભારતીય વિદ્યાભવનના કુલપતિ અને સાહિત્યકાર કનૈયાલાલ મુનશી લિખિત ‘જય સોમનાથ’નું નૃત્યનાટિકામાં રૂપાંતર કર્યું.
આ વર્ષો દરમિયાન મણિપુરી શૈલીને લગતાં શાસ્ત્રોનો અભ્યાસ અવિરત ચાલતો જ રહ્યો. સમયના વહેણ સાથે શૈલીમાં જે બાહ્ય અસરો ઘર કરી ગઈ હતી તેમને દૂર કરવા શાસ્ત્રોનો અભ્યાસ કામે લગાડ્યો. તેમાં અન્ય શાસ્ત્રોક્ત તત્વો પણ ઉમેર્યાં અને શહેરી રંગમંચ અને નવા પ્રેક્ષકગણને રસ પડે તેવી નૃત્યરચનાઓ, પરંપરાના માળખામાં રહીને કરી. સામાન્યત: રાસલીલા આખી રાત, દસેક કલાક ચાલે. તેને માત્ર બે કલાકમાં, તેના મૂળ તત્વને જાળવી શાસ્ત્રીય સ્વરૂપે રજૂ કરવાનું શ્રેય બિપિન સિંહને જાય છે.
1954માં રજવાડી સંસ્થા ગોવિંદજી નર્તનાલયમાં જોડાયા. 12 વર્ષ તેમાં અધ્યાપક રહીને સંસ્થાને પુનર્જીવિત કરી અને છ વર્ષનો નવો અભ્યાસક્રમ દાખલ કર્યો.
સર્જનશક્તિ ઉપરાંત તેમનામાં વિદ્વત્તા હતી. વૈષ્ણવ શાસ્ત્રો; સંગીત, નૃત્ય, તાલ આદિના પ્રાચીન ગ્રંથો વગેરેનો તલસ્પર્શી અભ્યાસ; હિંદી, બંગાળી અને મણિપુરી ભાષા પરનું પ્રભુત્વ — એ સર્વના કારણે તેઓ જ્યારે નૃત્યકૃતિઓની રચના કરી મણિપુરના પરંપરાગત ગુરુઓ અને સામાન્ય પ્રેક્ષકો અને દેશના નૃત્યવિદો સમક્ષ તે રજૂ કરતા ત્યારે તેમની કસોટીની એરણ પરથી તે રચનાઓ સરળતાથી પસાર થતી અને પ્રશંસાપાત્ર પણ બનતી. તેમની નૃત્યરચનાઓમાં કથાનુસાર કાવ્ય, ઉપરાંત સંગીત અને વાદ્યના યોગ્ય બોલનો સમાવેશ થતો; તેથી તે સંપૂર્ણત: દૃશ્ય-શ્રાવ્યનું મનોરંજન આપી શાસ્ત્રોક્ત નિયમોનું દર્શન કરાવતી. આમ પ્રાચીન ગ્રંથોનું અધ્યયન કરી, તેની પરંપરાનું સંશોધન કરી, તેમાંથી પ્રેરણા લઈ મણિપુરી નર્તનનું સૌંદર્ય શાસ્ત્રીય રીતે વિશ્વફલક પર મૂકવાનું શ્રેય બિપિન સિંહ અને તેમની શિષ્યાઓ ઝવેરી બહેનોને ફાળે જાય છે. કિશોર વયે તેમણે મનોરમાદેવી સાથે લગ્ન કર્યું હતું. કલાવતી દેવી તેમની શિષ્યા અને ઉત્તરાવસ્થામાં તેમના જીવનકાર્યમાં સંગિની બની રહેલાં. તેમને મળેલા મુખ્ય પુરસ્કારો આ મુજબ છે : મહારાજકુમાર, મણિપુર દ્વારા 1959માં ‘નર્તનાચાર્ય’; મહારાજા, મણિપુર દ્વારા 1961માં ‘હાંજબા’; 1965 રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ; 1983 કલાભારતી, કોલકાતાનો પુરસ્કાર; 1984માં સારંગદેવ ફેલોશિપ, સૂરસિંગાર સંસદ, મુંબઈ; 1986માં ઉદયશંકર પુરસ્કાર, કોલકાતા; મણિપુરી સાહિત્યસભા, કરીમગંજ, આસામ દ્વારા 1988માં ‘ઓઝારત્ન’; મધ્યપ્રદેશ, કલાવિભાગ દ્વારા 1990માં ‘કાલિદાસ સન્માન’. રવીન્દ્રભારતી વિશ્વવિદ્યાલય, કોલકાતા દ્વારા 1992માં પુરસ્કૃત. 1997માં નિખિલ બિશ્ર્નુપ્રિયા સંમેલન, સીલચેર, આસામ ખાતે તેમનું જાહેર સન્માન.
પ્રકૃતિ કાશ્યપ