સિંઘભૂમ : ઝારખંડ રાજ્યમાં આવેલા બે જિલ્લા : (1) પશ્ચિમ સિંઘભૂમ અને (2) પૂર્વ સિંઘભૂમ.

પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો

(1) પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો : ઝારખંડ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22° 34´ ઉ. અ. અને 85° 49´ પૂ. રે.ની આજુબાજુનો 5,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાંચી જિલ્લો, ઈશાનમાં પ. બંગાળ રાજ્યની સીમા, પૂર્વમાં પૂર્વ સિંઘભૂમ જિલ્લો અને ઓરિસા રાજ્યની સીમા, દક્ષિણ અને પશ્ચિમ તરફ ઓરિસા રાજ્યની સીમા આવેલી છે. પશ્ચિમ તરફનો થોડોક ભાગ રાજ્યના ગુમલા જિલ્લાને સ્પર્શે છે. જિલ્લાનું મુખ્ય મથક ચૈબાસા જિલ્લાના પૂર્વભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : આ જિલ્લો છોટાનાગપુર ઉચ્ચપ્રદેશનો ભાગ હોઈ તેનું મોટાભાગનું ભૂપૃષ્ઠ ટેકરીઓથી બનેલું છે. જિલ્લાનો નૈર્ઋત્ય વિભાગ લગભગ 700 ટેકરીઓથી બનેલો હોવાથી ‘સુરાન્ડા’ તરીકે ઓળખાય છે. જિલ્લાનો મેદાની ભાગ દક્ષિણ કોયેલ નદી અને સુવર્ણરેખા નદીખીણો પૂરતો સીમિત છે. જિલ્લાની ઉત્તર સીમાએ દાલમા હારમાળા, ટ્રેપ હારમાળા અને ક્વાર્ટઝાઇટ હારમાળા આવેલી છે. ટ્રેપ હારમાળામાં બીચા, તત્કોરલ અને નારજી શિખરો તથા ક્વાર્ટઝાઇટ હારમાળામાં ધારાગિરિ અને લક્ષિણી શિખરો આવેલાં છે. જિલ્લાનો કેટલોક ભાગ જંગલ આચ્છાદિત પણ છે. તેમાં સૂકાં કાંટાળાં વૃક્ષો અંશત: સદાહરિત તેમજ અયનવૃત્તીય પર્ણપાતી પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. આ પૈકી સાલનાં વૃક્ષો મુખ્ય છે. તે ઉપરાંત, આસન, ધૌરા, જાંબુ, બીજા, કરમ, શીમળો, કેન્દુ, અર્જુન અને વાંસનાં વૃક્ષો અને ખેડાણવાળી ભૂમિમાં મહુડો અને કુસુમનાં વૃક્ષો પણ છે. આ ઉપરાંત જિલ્લાનો પહાડી ભાગ લોહખનિજો અને ગ્રૅનાઇટ ખડકોથી રચાયેલો છે.

દક્ષિણ કોયેલ અને સુવર્ણરેખા અહીંની મુખ્ય નદીઓ છે. સુવર્ણરેખાને ઘણી સહાયક નદીઓ જળપુરવઠો પૂરો પાડે છે.

આબોહવા : આ જિલ્લાની આબોહવા મોસમી પ્રકારની છે. અહીં ક્રમશ: માર્ચથી મધ્ય જૂન સુધી ઉનાળો, મધ્ય જૂનથી ઑક્ટોબર સુધી ચોમાસું અને નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો અનુભવાય છે. ઉનાળાનું તાપમાન 33° સે. અને શિયાળાનું તાપમાન 22° સે. જેટલું રહે છે. વરસાદ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન (લગભગ 1,000 મિમી.) પડે છે.

ખેતી-પશુપાલન : આ જિલ્લામાં ખેતી મેદાની ભાગોમાં, ખીણપ્રદેશોમાં તથા જંગલવિસ્તારમાં થાય છે. જિલ્લામાં રાતી અને તપખીરિયા રંગની જમીનો જોવા મળે છે. રાતી જમીનો રેતાળ અને ગોરાડુ છે. તે ઓછી ફળદ્રૂપ છે. તેમાં માત્ર ખરીફ પાકો જ લઈ શકાય છે. સિંચાઈની સગવડવાળા ખીણપ્રદેશોમાં ડાંગર પકવવામાં આવે છે. સરાઈકેલા અને તેની આજુબાજુના પ્રદેશમાં રાખોડી રંગની જમીનો આવેલી છે.

ડાંગર અહીંનો મુખ્ય પાક છે. ઘઉંનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું રહે છે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં તેલીબિયાંનું ઉત્પાદન પણ લેવાય છે. પાળા બનાવીને જળાશયો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે.

જિલ્લામાં ગાય, ભેંસ, બળદ, ઘેટાંબકરાં જેવાં પાલતુ પ્રાણીઓ જોવા મળે છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. પશુદવાખાનાંની સગવડ પણ ઉપલબ્ધ છે.

ઉદ્યોગો-વેપાર : જિલ્લામાં ખેતી અને ખાણકાર્યના ઉદ્યોગો મહત્વના છે. લોહખનિજો મળી રહેતાં હોવાથી લોખંડ-પોલાદનો ઉદ્યોગ વિકસ્યો છે. જંગલપેદાશો આધારિત બીડી બનાવવાનો અને લાખની વસ્તુઓ તૈયાર કરવાનો વ્યવસાય જોવા મળે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં તમાકુની પેદાશો, આટા અને ચોખાની મિલો તથા લાકડાં વહેરવાની મિલો આવેલી છે. જિલ્લાના અન્ય ઉદ્યોગોમાં રેલવે-એન્જિનિયરિંગ વર્કશૉપ, સિમેન્ટનાં કારખાનાં તથા કાચના એકમો આવેલા છે.

જિલ્લામાં ઉત્પન્ન થતી પેદાશોમાં સાઇકલના ભાગો, લાકડાં, બીડી, સિમેન્ટ અને ચાંદીની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. અહીંથી રસાયણો, બીડી, લોહ-ખનિજો, સિમેન્ટ, ટસર, કાયનાઇટ અને લાખની નિકાસ થાય છે; જ્યારે ચોખા, તમાકુ, અનાજ, કાપડ અને ખાદ્યતેલની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામાં રસ્તાઓની ગૂંથણી જોવા મળે છે. 33 નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અહીંથી પસાર થાય છે, તેમાં ચૈબાસા-ચક્રધરપુરરાંચી અને ચૈબાસા-હલુદપોખર માર્ગો 140 કિમી.નું અંતર આવરી લે છે. આ ઉપરાંત ચૈબાસા-રાંચી, ચૈબાસા-જયંતગઢ, ચૈબાસા-હલુદપોખર, ચૈબાસા-સરાઈકેલા-ચંદિલ, સરાઈકેલા-ખરસવાન તથા ખરસવાન-આમડા માર્ગો પણ અગત્યના છે. હાવરા-નાગપુર રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. ચૈબાસા અને નોઆમુંડી ખાતે નાની હવાઈ પટ્ટીઓ આવેલી છે. કોયેલ નદી આરપાર ફેરીસેવાની સુવિધા ઉપલબ્ધ છે.

પ્રવાસન : બિદરી, હિરણી, જોજોહાટુ, લુપુનગુટુ, ખરસવાન, બંદગાંવ, ચક્રધરપુર અને થોલકોબાદ અહીંનાં જાણીતાં પ્રવાસમથકો છે. બિદરી તેના ઠાકોરા જળધોધ માટે, હિરણી અને લુપુનગુટુ તેના પાણીના ઝરા પરનાં ઉજાણી-મથકો માટે, જોજોહાટુ તેના ક્રોમાઇટ તેમજ લોહખનિજો માટે, ચક્રધરપુર જિલ્લાના સૌથી મોટા નગર તરીકે જાણીતાં છે. આ જિલ્લામાં અષાઢી દ્વાદશી, વૈશાખી પૂર્ણિમા, શિવચતુર્દશી, ચૈત્રી સંક્રાંતિ, મકરસંક્રાંતિ અને શિવરાત્રી ટાણે મેળા ભરાય છે. જિલ્લાના જુદા જુદા ભાગોમાંથી મેળો માણવા લોકોની અવરજવર રહે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 10,80,780 છે. જિલ્લામાં સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. હિન્દી અહીંની મુખ્ય ભાષા છે. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ વિશેષ છે; જ્યારે શીખ, બૌદ્ધ અને જૈન લોકોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 40 % જેટલું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 ઉપવિભાગોમાં, 23 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 15 નગરો અને 2859 ગામડાં (79 વસ્તીવિહીન) આવેલાં છે.

(2) પૂર્વ સિંઘભૂમ જિલ્લો : ઝારખંડ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22° 48´ ઉ. અ. અને 86° 11´ પૂ. રે.ની આજુબાજુનો 3,553 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પશ્ચિમે પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો, ઉત્તર તરફના થોડા ભાગમાં પશ્ચિમ બંગાળના પુરુલિયા અને મેદિનીપુર જિલ્લા, દક્ષિણ તરફ પશ્ચિમ બંગાળનો મેદિનીપુર જિલ્લો અને દક્ષિણ તેમજ પશ્ચિમ તરફ ઓરિસાનો મયૂરભંજ જિલ્લો આવેલા છે. જિલ્લામથક જમશેદપુર જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ છોટાનાગપુર ઉચ્ચપ્રદેશની ટેકરીઓથી બનેલું છે. મેદાની વિભાગ દક્ષિણ કોયેલ નદી અને સુવર્ણરેખા નદીઓના ખીણપ્રદેશમાં આવેલો છે. જિલ્લાના ઈશાન વિભાગમાં લોપ્સો, ઓકમ, ચંદર, કપુનગડી અને કુર્નડી શિખરો આવેલાં છે. મધ્ય વિભાગમાં ગ્રૅનાઇટનાઇસ ખડકો આવેલા છે. જિલ્લાના ઘણાખરા- ભાગોમાં લોહખનિજો અને ગ્રૅનાઇટ જોવા મળે છે. અહીં યુરેનિયમ, ક્રોમાઇટ, તાંબું, માટી, સોનું, મૅગ્નેટાઇટ, મૅંગેનીઝ, કાયનાઇટ, સિલિકા, ઍસ્બેસ્ટૉસ, સોપસ્ટોન તથા ચૂનાખડકો વિશેષ પ્રમાણમાં મળે છે.

પૂર્વ સિંઘભૂમ જિલ્લો

જળપરિવાહ : દક્ષિણ કોયેલ અને સુવર્ણરેખા અહીંની મુખ્ય નદીઓ છે. સુવર્ણરેખા નદી જિલ્લામાં 112 કિમી. જેટલા અંતર માટે વહે છે. તેનો પટ ખડકાળ હોવાથી નદીજળ ઝડપથી વહે છે. નદીપટમાં તદ્દન ઓછા પ્રમાણમાં સુવર્ણકણો મળી આવતા હોવાથી તેનું નામ સુવર્ણરેખા પડેલું છે.

આબોહવા : અગાઉના સિંઘભૂમ જિલ્લાના બે ભાગ પાડ્યા હોવાથી, આ જિલ્લાની આબોહવા પશ્ચિમ સિંઘભૂમ જિલ્લા જેવી રહે છે.

ખેતીપશુપાલન : ડાંગર અહીંનો મુખ્ય પાક છે. અન્ય કૃષિપાકોમાં ઘઉં, તેલીબિયાં, કોબી, ફુલેવર, ટમેટાં, મૂળા, ગાજર, બીટ વગેરેનો સમાવેશ થાય છે. નદી, તળાવો, ઝરણાં, કૂવાઓ અને અન્ય જળાશયોમાંથી પાણી લઈને સિંચાઈની સગવડ અપાય છે.

ગાય, ભેંસ, બળદ, ઘેટાં-બકરાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી તે માટે કૃત્રિમ ગર્ભાધાનમથકો, પશુદવાખાનાંની સગવડ ઊભી કરવામાં આવેલી છે. ગ્રામીણ વિસ્તારોમાં મરઘાં-બતકાંનો ઉછેર થાય છે.

ઉદ્યોગ : જમશેદપુર અને ઘાટશિલા વિસ્તાર અહીંનો તેમજ દેશનો ઔદ્યોગિક રીતે વિકસેલો વિભાગ છે. જિલ્લાના બાકીના ભાગમાં ખેતી અને ખાણકાર્યની પ્રવૃત્તિ ચાલે છે. આ ઉપરાંત જિલ્લામાં તમાકુની પેદાશો માટેના એકમો, આટાની મિલો, ચોખાની મિલો અને લાકડાં વહેરવાની મિલો આવેલી છે.

અહીંના મોટા ઉદ્યોગોમાં ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કં. લિ., જમશેદપુર; ટાટા એન્જિનિયરિંગ ઍન્ડ લોકોમોટિવ કં. લિ. (ટેલ્કો વકર્સ), જમશેદપુર; ટિનપ્લેટ કં. ઑવ્ ઇન્ડિયા (પ્રા.) લિ., ગોલમુડી; ઇન્ડિયન કેબલ કં. લિ., ગોલમુડી; ઇન્ડિયન કૉપર કૉર્પોરેશન લિ., ઘાટશિલા; ઇન્ડિયન ટ્યૂબ કં. લિ., જમશેદપુર અને ટાટાનગર ફાઉન્ડરી કં. લિ.નો સમાવેશ થાય છે.

ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કં. લિ., જમશેદપુર

વેપાર : પૂર્વ સિંઘભૂમ જિલ્લો તેની કુદરતી સંપત્તિ(મુખ્યત્વે ખનિજો)માં ખૂબ જ સમૃદ્ધ છે. અહીં તાંબું, લોહ-પોલાદની ચીજવસ્તુઓ તથા પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન લેવાય છે. જિલ્લામાંથી તાંબું, યુરેનિયમ, પોલાદ, પ્લાસ્ટિકની થેલીઓ અને લાકડાંની નિકાસ થાય છે; જ્યારે મીઠું, ચોખા, યાંત્રિક સામગ્રી, કાચું પ્લાસ્ટિક અને ખાદ્ય-અનાજની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામાં માર્ગોની ગૂંથણી સારા પ્રમાણમાં વિકસેલી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. ખનિજસંપત્તિની દૃષ્ટિએ આ જિલ્લો સમૃદ્ધ હોવાથી રેલમાર્ગની સુવિધા પણ સારી રીતે વિકસી છે. ટાટાનગર અહીંનું મુખ્ય રેલમથક છે. હાવરા-નાગપુર રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. તે પૂર્વ-પશ્ચિમ 190 કિમી.ની લંબાઈ ધરાવે છે.

જમશેદપુર ખાતે ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપનીનું પોતાનું હવાઈ મથક છે. અહીં હવામાન ખાતાની પાઇલૉટ બલૂન વેધશાળા પણ છે.

પ્રવાસન : બરુની, કોકપાડા, ચિત્રેશ્વર, ધારાગિરિ, રહોઇનિબેરા અને જમશેદપુર અહીંનાં જાણીતાં પ્રવાસન-મથકો છે. જમશેદપુર આ જિલ્લાનું મુખ્ય શહેર તેમજ ઔદ્યોગિક મથક છે. તે ભારતમાં તેમજ દુનિયાભરમાં ખૂબ જાણીતું છે. બરુની પાંડવોના અજ્ઞાતવાસ માટે તથા ચિત્રેશ્વર તેના મહાશંભુના મંદિર માટે જાણીતાં છે. જિલ્લામાં દશેરા, દિવાળી, મકરસંક્રાંતિ, ચૈત્રી સંક્રાંતિ અને શિવરાત્રીના મેળા ભરાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 16,13,088 જેટલી છે. સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સરખી છે. આ જિલ્લામાં શહેરી વસ્તી 53 % જેટલી અને ગ્રામીણ વસ્તી 47 % જેટલી છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ વિશેષ છે; જ્યારે શીખ, જૈન, બૌદ્ધોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી, બંગાળી, ઊડિયા, પંજાબી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 45 % જેટલું છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને બે ઉપવિભાગો, 9 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 13 નગરો અને 1750 ગામડાં (174 વસ્તીવિહીન) આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી