સિંઘ, અર્પિતા (જ. 1937, પશ્ચિમ બંગાળ, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅક્નીકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-સ્નાતક થયાં. ત્યારબાદ તેમણે વણાટકામમાં કૌશલ્ય પ્રાપ્ત કરી પહેલાં કોલકાતાના અને પછી દિલ્હીના સરકારી વણાટકામ-કેન્દ્ર — વીવર્સ સર્વિસ સેન્ટર — માં ડિઝાઇનર તરીકે સેવાઓ આપી. ચિત્રસર્જન તેમણે છેક 1965 પછી શરૂ કર્યું. 1972માં તેમણે તેમનાં ચિત્રોનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન દિલ્હીમાં કર્યું અને તરત જ તેમની નામના થઈ. તેમનાં ચિત્રોમાં આધુનિક ભારતની સ્ત્રીઓના જીવનની સંકુલતા, વ્યથા અને કામખેદ (sexual frustration) સુપેરે વ્યક્ત થયાં છે.
અર્પિતા સિંઘની ચિત્રકૃતિ
દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, ચંદીગઢના ચંદીગઢ મ્યુઝિયમ, ભોપાલના ભારત ભવન તથા લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં અર્પિતાનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે. કેન્દ્રની લલિત કલા અકાદમીએ રાષ્ટ્રીય ઍવૉર્ડથી તેમનું સન્માન કર્યું છે. જાણીતા ચિત્રકાર પરમજિત સિંઘ સાથે તેમણે લગ્ન કર્યું છે.
અમિતાભ મડિયા