સિંગ, લૈરેનમાયુમ ઇબૂન્ગોહલ (જ. 1895; અ. 1966) : મણિપુરી નાટ્યકાર અને શિક્ષણકાર. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. બી.એલ. પરીક્ષા પાસ કરનાર તેઓ પ્રથમ મણિપુરી હતા. તેમણે મણિપુર સરકારમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવા બજાવી. તેઓ મણિપુરના મહારાજાના દરબારના દરબારી, ચીફ કોર્ટના ન્યાયાધીશ અને છેલ્લે મણિપુરના પ્રથમ જિલ્લા અને સેશન્સ જજ હતા.
1922માં તેમણે મણિપુરીમાં ‘નારાસિંગ’ નામક પ્રથમ ઐતિહાસિક નાટક લખ્યું. 1925માં બીજું નાટક ‘બભ્રુવાહન’ આપ્યું. ત્યારપછી ‘ઇન્ટ્રોડક્શન ટુ મણિપુર’ અને ‘મિનિંગ ઑવ્ મયંગ’ નામના બે અંગ્રેજી ગ્રંથો પ્રગટ કર્યા. તેઓ મણિપુરી સાહિત્ય પરિષદ દ્વારા પ્રગટ કરાતા મણિપુરના રાજવંશી ક્રૉનિકલ ‘ચૈથરોલ કુમ્બાબા’ના સહસંપાદક પણ હતા. નિવૃત્તિ બાદ તેમણે મણિપુરી પાર્લમેન્ટરી મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
તેઓ ઇમ્ફાલમાં એલ. એમ. એસ. લૉ કૉલેજના સ્થાપક અને મણિપુરી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તેમણે મણિપુરી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતના પ્રોત્સાહન અને પ્રસાર માટે કાર્ય કર્યું. તે બદલ તેમને 1961માં મણિપુર સાહિત્ય પરિષદ તરફથી ‘સાહિત્યભૂષણ’નો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા