વૉલ્ટર, ડી લા મૅર

January, 2006

વૉલ્ટર, ડી લા મૅર (. 25 એપ્રિલ 1873, શાર્લ્ટન, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; . 22 જૂન 1956, મિડલસેક્સ) : બ્રિટિશ કવિ, ટૂંકી વાર્તાના લેખક તથા સંપાદક. શિક્ષણ સેંટ પૉલ કોઈર સ્કૂલમાં. પ્રથમ વાર્તા ‘Kismet-Sketch’ સામયિકમાં વૉલ્ટર રેમલના તખલ્લુસથી પ્રકાશિત થઈ. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૉંગ્ઝ ઑવ્ ચાઇલ્ડહૂડ’ હતો. 1908થી એમને સરકાર તરફથી પેન્શન મળતું; જેની સહાયે એમણે આજીવન લેખનકાર્ય ચાલુ રાખ્યું. 1908માં લંડન સ્થિત ઍન્ગ્લો અમેરિકન ઑઇલ કંપનીનું કામ છોડી સાહિત્યક્ષેત્રે શક્તિ સમર્પિત કરી. જોકે ટૂંક સમય માટે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન નાગરિક સંરક્ષણ-વિભાગમાં તેમણે સેવાઓ આપી હતી.

શૈશવ, મૃત્યુ, સ્વપ્ન એમના મનગમતા વિષયો છે. એમણે સામાન્ય વિષયો અને બનાવોને રહસ્યના રંગે રંગ્યા છે. એમણે કાવ્યો, ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને નાટકો લખ્યાં છે; જેમાં વાસ્તવિકતા, સ્વપ્ન અને અલૌકિક જગતનું આગવું મિશ્રણ છે.

‘કલેક્ટેડ પોએમ્સ’ (1920), ‘કલેક્ટેડ રહાઇમ્સ ઍન્ડ વર્સિઝ’ (1944) અને ‘કલેક્ટેડ સ્ટૉરિઝ ફૉર ચિલ્ડ્રન’ (1947) પ્રકાશિત થયાં હતાં. એમની પાછલી કૃતિઓમાં ‘ધ બર્નિંગ ગ્લાસ’ (1945), ‘ધ ટ્રાવેલર’ (1946), ‘ઇન્વર્ડ કમ્પેનિયન’ (1950) અને ‘ઓ લવલી ઇંગ્લૅન્ડ’ (1953) કાવ્યગ્રંથો છે. એમનાં કાવ્યોમાં ઇંગ્લૅન્ડના દરિયા અને તેના સમુદ્રકિનારાનું વર્ણન હૃદયંગમ છે. એમનાં કાવ્યોમાં પ્રકૃતિનાં ગૂઢ રહસ્યોનું નિરૂપણ છે.

ડી લા મૅરે બાળકો માટે અને મોટેરાંઓ માટે કાવ્યો અને ટૂંકી વાર્તાઓ લખ્યાં છે.

મૅરની નવલકથાઓ ‘હૉરર કલેક્શન્સ’માં પુનર્મુદ્રિત થતી રહી છે. એમની કૃતિ ‘ધ રિટર્ન’ પ્રેતાત્માના વળગણની વિચિત્ર વાર્તા છે. એમના કાવ્ય ‘ધ લિસનર્સ’માં અલૌકિક આત્મા એકાકી મુસાફરને ભરડામાં લે છે.

ડી લા મૅરે 100 ઉપરાંત લોકપ્રિય ટૂંકી વાર્તાઓ લખી છે; જેમાંની ‘ધ રિડલ ઍન્ડ અધર સ્ટોરિઝ’ (1923), ‘ઑન ધી એજ’ (1930) અને ‘અ બીગિનિંગ ઍન્ડ અધર સ્ટોરિઝ’ (1955) નોંધપાત્ર છે. આ ઉપરાંત ‘ડિંગ ડોંગ બેલ’ (1924), ‘ધ કોનોઝિયર ઍન્ડ અધર સ્ટૉરિઝ’ (1926), ‘ધ વિંડ બ્લોઝ ઑવર’ (1936) પણ બીજા નોંધપાત્ર સંગ્રહો છે. ડી લા મૅરે કાવ્યો ઉપરાંત કવિઓ ઉપર વિવેચનાત્મક લેખો લખ્યા છે; જેમાં ‘આર. બ્રુક’ (1919), ‘લુઈ કેરોલ’ (1932) અને ‘ક્રિસ્ટિના રોઝેટી’ (1930) નોંધપાત્ર છે. એમણે ‘હેન્રી બ્રોકન’ (1904), ‘ધ રિટર્ન’ (1910) અને ‘મેમોઇર્સ ઑવ્ અ મિજેટ’ (1921) નવલકથાઓ લખી છે.

ડી લા મૅરનું નામ બાળજગત અને બાળસાહિત્ય સાથે સંકળાયેલું છે. જે એમની બાળકૃતિઓમાં ‘પીકૉક પાઈ : અ બુક ઑવ્ રહાઇમ્સ’ (1913), ‘બ્રુમસ્ટિક્સ ઍન્ડ અધર ટેલ્સ’ (1925) નોંધપાત્ર પ્રકાશનો છે. 1923માં ‘કમ હિથર’માં તેમણે અન્ય લેખકો અને કવિઓના લેખો ને કાવ્યોનું સંપાદન કર્યું છે. એમનાં શ્રેષ્ઠ કાવ્યોનો સંગ્રહ ‘પીકૉક પાઈ’ અને ‘બેલ્સ ઍન્ડ ગ્રાસ’માં ગ્રંથસ્થ થયો છે.

એમનાં કાવ્યોમાં મેટાફિઝિકલ કવિઓ વૉન અને ટ્રેહર્નની જેમ સૂક્ષ્મ અનુભવનો અહેસાસ થાય છે તો સાથે સાથે બાળકોને સ્પર્શતી નર્સરી રહાઇમ્સ તાજગી બક્ષે છે. તેમણે કવિતાનાં પરિચિત સ્વરૂપોને સરળતા અને સાહજિકતાથી બાળકોમાં લોકપ્રિય બનાવ્યાં છે. એમની કેટલીક ટૂંકી વાર્તાઓ જીવનના બિહામણા રૂપને પણ વ્યક્ત કરે છે. એમની કૃતિઓમાં વ્યક્ત થતી સ્વપ્નસૃષ્ટિમાં દુ:સ્વપ્ન પણ છતું થાય છે. એમનાં કાવ્ય ‘ધ ફેકલેસ ડિનર પાર્ટી’માં એમની કટાક્ષશક્તિ વ્યક્ત થાય છે. એમના સંગ્રહ ‘લવ’(1943)ની પ્રસ્તાવનામાં આધુનિક મનોવિજ્ઞાનની પકડ વ્યક્ત થાય છે. બાળકો માટેની વાર્તાઓના 2 સંગ્રહો નોંધપાત્ર છે : ‘લૉર્ડ ફિશ ઍન્ડ અધર ટેલ્સ’ (1933),

‘ધ બ્રૂમસ્ટિક્સ ઍન્ડ અધર ટેલ્સ’ (1925). અંગ્રેજી ભાષામાં વૉલ્ટર ડી લા મૅરનાં બાળકાવ્યો અપ્રતિમ છે. પુખ્ત વયના વાચકો માટે પણ ડી લા મૅરનાં કાવ્યો બેનમૂન છે.

કવિતા, ટૂંકી વાર્તા અને નવલકથા ઉપરાંત ડી લા મૅર સાહિત્ય-વિવેચક હતા. તેમની નોંધપાત્ર વિવેચનકૃતિઓ છે ‘પ્લેઝર ઍન્ડ સ્પેક્યુલેશન્સ’ (1940) અને ‘પ્રાઇવેટ વ્યૂ’ (1953). ઉપરાંત ‘ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ્સ’માં તેઓ મુખ્ય વિવેચક રહેલા.

ગદ્ય, પદ્ય અને વિવેચન ઉપરાંત એમનું આગવું પ્રદાન અન્ય લેખકોના ગદ્ય અને પદ્યના સંકલનનું છે જેમાં નોંધપાત્ર ‘કમ હિથર’ (1923), ‘ડેઝર્ટ આઇલડ્ઝ’ (1930), ‘બિહોલ્ડ ધિસ ડ્રિમર’ (1939), ‘અર્લી મૉર્નિંગ ઇન ધ સ્પ્રિંગ’ (1935) અને ‘લવ’ (1943) છે. 1911માં રૉયલ સોસાયટીનું સાહિત્ય માટેનું પૉલિને પ્રાઇઝ, 1922માં ‘જેનસ્ટેટ’ નવલકથા માટેનું બ્લૅક મેમૉરિયલ પ્રાઇઝ, 1947માં લાઇબ્રેરી ઍસોસિયેશનનો કાર્નેગી મેડલ (બાળવાર્તાઓ માટે), 1948માં ‘ચૅમ્પિયન ઑવ્ ઑનર’, 1953માં ‘ઑર્ડર ઑવ્ મેરિટ’, 1954માં કવિતા માટેનું ફોયલ પ્રાઇઝ  એનાયત થયાં હતાં.

આ ઉપરાંત લંડન યુનિવર્સિટી, સેન્ટ એન્ડ્રૂઝ યુનિવર્સિટી, ઑક્સફર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ જેવી ખ્યાતનામ યુનિવર્સિટીઓ દ્વારા એમને માનદ ઉપાધિઓ એનાયત કરવામાં આવી હતી.

આરમઇતિ દાવર