સિદ્ધેશ્વરીદેવી
January, 2008
સિદ્ધેશ્વરીદેવી (જ. 8 ઑગસ્ટ 1908, વારાણસી; અ. 18 માર્ચ 1977, દિલ્હી) : શુદ્ધ શાસ્ત્રીય બનારસી ગાયકીનાં અગ્રગણ્ય અને પ્રસિદ્ધ કલાકાર. તેમનાં દાદીમા મૈના એક સુપ્રસિદ્ધ ગાયિકા હતાં એટલે નાનપણથી જ સિદ્ધેશ્વરીદેવીને તેમની પાસેથી સંગીતનો અમૂલ્ય વારસો મળ્યો હતો. 11 વર્ષની વય સુધીમાં બંને માતા અને પિતા ગુમાવતાં કાશીનરેશનાં દરબારી ગાયિકા તેમનાં માસી રાજેશ્વરીએ તેમને સંગીતની તાલીમ આપી.
ત્યારબાદ પ્રસિદ્ધ ગાયક સિયાજી મહારાજ પાસેથી તાલીમ મેળવી ઠૂમરી, ટપ્પા, તરાના, દાદરા, પૂર્વી, હોલી, ચૈતી અને કજરી વગેરે બનારસી રાગોનું મૂળ શિક્ષણ પ્રાપ્ત કર્યું. કેટલોક સમય દેવાસના ઉસ્તાદ રજ્જબઅલીખાં અને લાહોરના ઉસ્તાદ ઇનાયતખાં પાસેથી પણ તાલીમ લીધી. તેમના મુખ્ય ગુરુ હતા બનારસના પ્રસિદ્ધ ગાયક બડે રામદાસજી.
ત્યારપછી તેમણે ભારતનાં બધાં જ રજવાડાં અને નગરોમાં મોટી મોટી મહેફિલોમાં ગાવાનું શરૂ કર્યું. તેમનામાં બોલ બનાવટમાં બનારસી અંગેની ઠૂમરીની વિશેષતા હતી. તેમણે એક બોલને દસ વાર જુદી જુદી રીતે રજૂ કરી સ્વરને ત્રણેય સપ્તકમાં ઊંચે ચઢાવી સીધા મંદ સ્વર પર આવવાની કલા સિદ્ધ કરી હતી. ધ્રુપદ, ધમાર, ઠૂમરી, હોલી, કજરી, ભજન, ખયાલ, દાદરા વગેરે તથા ગીતોના અનેક પ્રકારો તેઓ સહેલાઈથી ગાઈ શકતાં. તેમના પર તેમનો એવો અદ્ભુત કાબૂ હતો કે તેમની બરોબરી કરી શકે તેવી બીજી ગાયિકાઓ ઓછી મળે.
તે જમાનામાં ‘પ્લેબૅક’ સંગીત નહોતું તેથી અભિનય કરતા કલાકારે પોતાનું ગીત ગાવાનું રહેતું. ત્યારે તેમણે મુંબઈમાં ‘ઉષા સિનેટોન’ ફિલ્મ કંપનીમાં ઘણીબધી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
એક પંજાબી બ્રાહ્મણ સાથે લગ્ન કર્યાં પછી તેમણે વારાણસી છોડી દિલ્હીમાં કાયમી વસવાટ કર્યો. ત્યાં ભારતીય કલાકેન્દ્રમાં ઠૂમરી- ગાયનનાં શિક્ષિકા તરીકે તેમણે સેવાઓ આપી. તેમની દીકરીઓને પણ ઉચ્ચ શિક્ષણ પૂરું પાડીને સંગીતની તાલીમ આપી. ઉચ્ચ કોટિનાં સંગીતકાર હોવા બદલ 1966માં તેમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ મળ્યો હતો.
1967માં સંગીત નાટક અકાદમી તરફથી તેમને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ જ વર્ષે ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ઇલકાબ આપી તેમનું યોગ્ય સન્માન કર્યું. 1973માં કોલકાતાસ્થિત રવીન્દ્ર ભારતી વિશ્વવિદ્યાલયે તેમને ડી.લિટ.ની માનાર્હ ઉપાધિથી વિભૂષિત કર્યાં. 1974માં તેમને ઉત્તરપ્રદેશ સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો. 1975માં સાહિત્ય કલા પરિષદે તેમનું સન્માન કર્યું. વિશ્વભારતી વિશ્વવિદ્યાલયે ‘દેશીકોત્તમ’ ઉપાધિથી તેમને અલંકૃત કર્યાં. ગણ્યાંગાંઠ્યાં ભારતીય સંગીતજ્ઞોમાં તેઓ રાષ્ટ્રીય પ્રોફેસર તરીકેનું સન્માન પામ્યાં.
તેમણે લંડન, રોમ, કાબૂલ, નેપાળ વગેરેનો વિદેશપ્રવાસ પણ ખેડ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા