ગ્રેટેસ્ટ શો ઑન અર્થ, ધ (1952) : સર્કસ તેમજ તેનાં પાત્રોની સર્કસમય રોજિંદી જાહેર અને પડદા પાછળની મથામણ તથા અંગત લાગણીઓનું નિરૂપણ કરતી સિનેકૃતિ. હૉલિવુડના વિખ્યાત સેસિલ બી’ દ મિલે તેનું દિગ્દર્શન કર્યું છે. નિર્માતા : પૅરેમાઉન્ટ પિક્ચર્સ. સર્કસની તાલીમ પામેલ બહુસંખ્ય વન્ય પ્રાણીપાત્રોનો પણ અહીં ઉપયોગ કરાયો છે. ઝૂલાના રોમાંચક અને દિલ ધડકાવનાર પ્રયોગો કરનાર ટ્રપીઝ આર્ટિસ્ટ એરિયાલિસ્ટ સુબોશ્યાં (કૉર્નેલ વાઇડ) અને તેની સહકલાકાર બેટી હટનના પ્રયોગોથી આ ચલચિત્રની શરૂઆત થાય છે.
એક સમયે ટારઝનની લોકપ્રિય ભૂમિકા કરી ચૂકેલ તત્કાલીન વિખ્યાત કલાકાર કૉર્નેલ વાઇડ અહીં ઝૂલાકલાકારના પાત્રનો ખેલ કરતાં પોતાની મહત્વાકાંક્ષા, વટ અને જિદ્દને લઈને અકસ્માતે ઝૂલા પરથી નીચે પડતાં પોતાનો હાથ ભાંગી બેસે છે અને તારક ઝૂલાકલાકારમાંથી પરદા પાછળનો સર્કસનો ગુમનામ કર્મચારી બની લોકોની યાદમાંથી સાવ ભુલાઈ જાય છે, તેનું એમાં નિરૂપણ છે. જીવનની આવી નાનીમોટી સુખદુ:ખની ઘટનાઓ સાથે સર્કસ ગામેગામ ફરતું દર્શાવ્યું છે. આ સર્કસ કંપની એક લાંબી ટ્રેન મુસાફરી કરી રહેલ છે તેવામાં ટ્રેનને વગડામાં રાત્રિના સમયે અકસ્માત નડે છે, ડબ્બા ખડી પડે છે અને ભાંગી ગયેલ કે ખૂલી ગયેલાં પાંજરાંમાંથી વાઘ, સિંહ, રીંછ જેવાં કેટલાંક હિંસક પ્રાણીઓ પાંજરાં બહાર ટ્રેનના પાટા પર કે એકાંત વગડામાં, રાત્રિના અંધકારમાં ઊતરી પડે છે. સર્કસના શિસ્તમય જીવનમાં પૂર્વયોજિત નાટ્યાત્મક ઘટના કરતાં આ રીતે આકસ્મિક સર્જાયેલ નાટ્યાત્મક ઘટના તદ્દન ભિન્ન અને અકલ્પ્ય છે. વન્ય પ્રાણીઓને તાલીમ આપનારા અને તેમની હિંસક વૃત્તિને કાબૂમાં રાખનારા રિંગ માસ્ટરોની આ કપરી કસોટીનો પ્રસંગ છે. આ પ્રસંગ અત્યંત વાસ્તવદર્શી રીતે રોચકતાથી પ્રયોજવામાં આવ્યો હોઈને યાદગાર બની રહે છે. નિર્માતા પૅરેમાઉન્ટ પિક્ચર્સને 1952ના વર્ષનો આ કૃતિ માટે શ્રેષ્ઠ સિનેકૃતિનો તથા તેના દિગ્દર્શક સેસિલ બી’ દ મિલને વર્ષના શ્રેષ્ઠ દિગ્દર્શકનો એમ બે ઑસ્કાર પુરસ્કાર એનાયત થયા હતા. ઝૂલાકલાકાર જોડી તરીકે કૉર્નેલ વાઇડ અને અભિનેત્રી બેટી હટને વાસ્તવિક અભિનય આપ્યો છે. એમાં સર્કસના મૅનેજર–સંચાલકની મહત્વની ભૂમિકામાં જાણીતા અભિનેતા ચાર્લ્સટન હેસ્ટનનો અભિનય સંયમશીલ અને સમજદારીપૂર્વકનો રહ્યો છે.
ઉષાકાન્ત મહેતા