ગ્રે, ટૉમસ (જ. 26 ડિસેમ્બર 1716, કૉર્નહિલ, લંડન; અ. 30 જુલાઈ 1771, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અગ્રણી અંગ્રેજ કવિ. અઢારમી સદીની અંગ્રેજી કવિતાના ઉલ્લેખનીય કવિજનોમાં ટૉમસ ગ્રેનું આગવું સ્થાન છે. આ સમય દરમિયાન ગ્રીક-લૅટિન પ્રશિષ્ટ સાહિત્યના પ્રગાઢ અધ્યયનના કારણે સ્વાભાવિક જ કવિજનો ગ્રીક કાવ્યસ્વરૂપો તરફ

ટૉમસ ગ્રે

વળેલા. ઓડ અને ઍલિજી આ સમયે લોકપ્રિય કાવ્યસ્વરૂપો હતાં, તેમાં અન્ય સમકાલીન કવિજનોની જેમ ટૉમસ ગ્રેનું પ્રદાન પણ વિશિષ્ટ લેખાયું છે. તેમણે ઈટન અને કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો. કાયદાની ડિગ્રી મેળવ્યા છતાં વકીલાત ન કરતાં પ્રશિષ્ટ સાહિત્ય, પ્રાકૃતિક વિજ્ઞાન અને ઇતિહાસના અધ્યયનમાં સમય વ્યતીત કર્યો. યુનિવર્સિટીમાં મૉડર્ન હિસ્ટરીના પ્રોફેસર તરીકે પણ કામ કર્યું. એમણે પ્રસિદ્ધ કરેલ ‘પિન્ડારિક ઓડ્ઝ’માં ‘ધ પ્રોગ્રેસ ઑવ્ પૉઈઝી’ અને ‘ધ બાર્ડ’ કાવ્યગુણે અનન્ય છે; પણ એમની જગપ્રસિદ્ધ કૃતિ છે : ‘ઍલિજી રિટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’. અંગ્રેજી ભાષાની આ સર્વોત્તમ કરુણપ્રશસ્તિ ગણાય છે. 32 શ્લોકોમાં વિભાજિત 128 પંક્તિઓના આ દીર્ઘકાવ્યમાં ટૉમસ ગ્રેએ ઇંગ્લૅન્ડના ગ્રામપ્રદેશનાં સ્મરણીય ર્દશ્યો આલેખ્યાં છે. ગ્રામપ્રદેશ પર ઊતરતી સંધ્યાનું ર્દશ્ય અપૂર્વ છંદ:કૌશલ દ્વારા આલેખાયું છે. મૃત જનસામાન્યને ઉદ્દેશી લખાયેલી આ કૃતિ અનેક રીતે અનન્ય છે.

નલિન રાવળ