હ્યુજીન્સ, ક્રિશ્ચિયન (જ. 14 એપ્રિલ 1629, હેગ, નેધરલૅન્ડ્ઝ; અ. 8 જુલાઈ 1695, હેગ, નેધરલૅન્ડ્ઝ) : લોલક-ઘડિયાળ અને પ્રકાશની પ્રકૃતિ સંબંધે સિદ્ધાંત રજૂ કરનાર પ્રખર અભ્યાસી અને વિજ્ઞાની. કવિ સંગીતકાર, નોંધનીય ઉસ્તાદ (gymnast) અને સમાજના પ્રતિભાશાળી નાગરિકના તેઓ પુત્ર હતા. હ્યુજીન્સે નાનપણથી ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાનમાં ભારે રસ દાખવ્યો હતો. તેમણે લેડન (Leiden) અને બ્રેડા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. માત્ર વીસ વર્ષની વયે હ્યુજીન્સે ખગોળશાસ્ત્રીય અને ગાણિતિક શોધ-લેખ (thesis) પ્રસિદ્ધ કરીને ગણિતજ્ઞ અને તત્વચિંતક રેને દેકાર્તેનું ધ્યાન ખેંચ્યું અને તેમના પ્રીતિપાત્ર બન્યા.
તે સમયે ખગોળવિદ્યાના ક્ષેત્રે સારા પ્રમાણમાં અભ્યાસ અને સંશોધનની પ્રવૃત્તિ ચાલતી હતી. હ્યુજીન્સ પણ તે ક્ષેત્રે પ્રવૃત્ત થયા, તે સમયે દૂરબીન ઉપયોગમાં આવી રહ્યું હતું પણ પ્રાપ્ય વૈજ્ઞાનિક ઉપકરણોથી ત્યારે તેઓ ભારે અસંતુષ્ટ હતા. લેન્સ કેવી રીતે તૈયાર કરવો તે બાબતે પણ પોતે ઊંડો અભ્યાસ કર્યો. દૂરબીનમાં સુધારા-વધારા તેમજ લેન્સ તૈયાર કરવા તેમના મિત્ર ડચ તત્વચિંતક બેનેડિક્ટ સ્પિનોઝાએ ઘણી મદદ કરી હતી. આવા નવવર્ધિત દૂરબીન વડે, ગૅલિલિયોએ શનિ-ગ્રહની આસપાસ શોધેલ-નોંધેલ પ્રભામંડળ(halo)ને, હ્યુજીન્સે ઓળખી બતાવ્યું. તેમણે આ પ્રભામંડળની સપાટ વલય (ring) તરીકે સમજૂતી આપી. આધુનિક દૂરબીન વડે જાણી શકાયું છે કે તેમાં વાસ્તવમાં ત્રણ વલયો છે. આ વલયો ગ્રહની આસપાસ અતિ ઝડપે ભ્રમણ કરતા રજ(dust)ના મોટા ટુકડા છે.
ક્રિશ્ચિયન હ્યુજીન્સ
પ્રકાશીય ઉપકરણો પરત્વે હ્યુજીન્સે કરેલું કાર્ય આજે પણ આધુનિક સૂક્ષ્મદર્શકોના નેત્રકાચ (eyepiece) તરીકે હાથવગું છે.
34 વર્ષની વયે હ્યુજીન્સ લંડનની રૉયલ સોસાયટીના સભ્ય તરીકે ચૂંટાયા. આ સન્માન સ્વીકારવા માટે તેઓ ઇંગ્લૅન્ડ ગયા ત્યારે આઇઝેક ન્યૂટનની મુલાકાતનો લાભ મળ્યો. હ્યુજીન્સની બુદ્ધિ અને શક્તિથી ન્યૂટન અત્યંત પ્રભાવિત થયેલા. તેથી તેમણે તેમને ઇંગ્લૅન્ડમાં મોભાદાર સ્થાન મળે તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. પણ ન્યૂટનને તે બાબતે નિષ્ફળતા મળી હતી તેનું કારણ સ્પષ્ટ હતું કે તે સમયે બહારની દુનિયાના વિજ્ઞાનીઓના જૂથમાં હોલૅન્ડર જાણીતા ન હતા; ઉપરાંત હ્યુજીન્સ માટે કોઈ પૈસાપાત્ર આશ્રયદાતા ન મળ્યા.
થોડાક સમય બાદ રાજા લૂઈ XIV-એ વિજ્ઞાનના અભ્યાસ માટે ફ્રેન્ચ અકાદમી શરૂ કરી. વૈજ્ઞાનિક સંશોધનનો હવાલો સંભાળવા રાજાએ હ્યુજીન્સને સર્વોચ્ચ સ્થાનની દરખાસ્ત કરી. હ્યુજીન્સ તે સંસ્થામાં 1661થી 1681 સુધી રહ્યા. ત્યાં રહીને તેમણે ‘Treatise On Light’ પુસ્તક ફ્રેન્ચ ભાષામાં લખ્યું. તે પુસ્તક 1690 સુધી અપ્રગટ રહ્યું. તેમનો વિચાર લૅટિનમાં તે પ્રગટ કરવાનો હતો. તરેહ તરેહની નવી શોધોના રસમાં આ પુસ્તકનો લૅટિનમાં અનુવાદ કરવાનું બાજુમાં જ રહી ગયું. તેમના વિચારોની મૌલિકતાને અભિવ્યક્ત કરતું તે પુસ્તક છેવટે ફ્રેન્ચ ભાષામાં પ્રગટ કર્યું.
તે સમયે લોલકની શોધ બદલ હ્યુજીન્સને ભારે નામના મળી, કારણ કે તે લોલકને આધારે ઘડિયાળ અસ્તિત્વમાં આવ્યું. તેમની લોલક-ઘડિયાળ ચોક્કસ હતી.
પ્રથમ વાર આવી યાંત્રિક ઘડિયાળે (પ્રયુક્તિએ) સૂર્ય અને તારાઓ સાથે સમય મિલાવ્યો. આ બધું હોવા છતાં આવું ઘડિયાળ સંપૂર્ણ ન હતું. કારણ કે લોલકના આવર્તકાળ ઉપર ગુરુત્વાકર્ષણબળની અસર થતી હતી. લોલકવાળી ઘડિયાળથી ભૂમિતલ ઉપર અને ઊંચા પર્વતની ટોચ ઉપર એકસરખો સમય મળતો ન હતો. વિષુવવૃત્ત ઉપર ગુરુત્વાકર્ષણબળ ઉત્તર કે દક્ષિણ ધ્રુવ ઉપર લાગતા બળ કરતાં ઓછું હોય છે તેથી લોલકનો આવર્તકાળ સરખો રહેતો નથી. નૌસંચાલન-સહાયક (aid) તરીકે લોલક-ઘડિયાળ નિષ્ફળ ગઈ. આથી સમય મેળવવા માટે સર્પિલ વૉચ-સ્પ્રિંગનો વિચાર અમલમાં મૂક્યો. તેની પેટન્ટ પણ મેળવી લીધી હતી. હ્યુજીન્સનું આ કાર્ય તે દિવસોમાં ઘણું મહત્ત્વનું હતું. તેમનું ચક્રજ પ્રકારનું નિલંબન (cycloidal suspension) આજે પણ લોલક-ઘડિયાળમાં વપરાય છે.
પ્રકાશની પ્રકૃતિને લગતો સિદ્ધાંત વિકસાવવાનું તેમનું કામ ઘણું મહત્વનું હતું. તેમાં તેમણે પ્રકાશની વર્તણૂક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પ્રકાશને ધ્વનિ તથા પાણીના તરંગો સાથે સરખાવ્યો અને પ્રતિપાદિત કર્યું કે પ્રકાશ પણ તરંગ સ્વરૂપે પ્રસરે છે. તે પણ બતાવ્યું કે ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરતો નથી જ્યારે પ્રકાશ પ્રસરે છે. પ્રકાશના પ્રસરણ માટે તેમણે એક નમૂનો (model) તૈયાર કર્યો, જેની મદદથી બતાવ્યું કે પ્રકાશના તરંગો એકબીજા સાથે ભળ્યા સિવાય પસાર થઈ શકે છે.
આ રીતે હ્યુજીન્સે પ્રકાશનો તરંગવાદ સૂચિત કર્યો. તેના આધારે પરાવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવનની ઘટનાઓ સમજાવી. ન્યૂટને પ્રકાશને કણ-સ્વરૂપે પ્રસરતો બતાવ્યો હતો. એટલે કે પ્રકાશના મૂળ (ઉદગમ) સ્રોતોમાંથી કણો વછૂટે છે, કણ તરીકે પ્રસરે છે અને કણ તરીકે શોષાય છે. પ્રકાશનો આ કણવાદ બસો વર્ષ સુધી ચાલ્યો. મૅક્સવેલે વિદ્યુતચુંબકીયવાદને આધારે બતાવ્યું કે પ્રકાશનો તરંગવાદ સરળતાથી પ્રયોજી શકાય છે. તેના તરંગ લંબગત (transverse) હોય છે. આઇન્સ્ટાઇન અને મૅક્સ પ્લાન્કે પ્રકાશના કણવાદને પુનર્જીવિત કર્યો. તેમના મત પ્રમાણે પ્રકાશનો આવો કણ શક્તિનો જથ્થો (quantum of energy) છે જે ફોટૉન તરીકે જાણીતો છે. પ્રકાશની પ્રકૃતિ બાબતે આધુનિક ખ્યાલોમાં હ્યુજીન્સના તરંગવાદ અને ન્યૂટનના કણવાદનો સમન્વય કરવામાં આવ્યો છે.
પ્રહલાદ છ. પટેલ