હોલ્બીન, હાન્સ ધ યંગર (Holbein, Hans The Younger) (જ. 1497-8, ઓગ્સબર્ગ, જર્મની (?); અ. 1543, લંડન, બ્રિટન) : વ્યક્તિચિત્રણા માટે જાણીતા જર્મન રેનેસાંસ ચિત્રકાર. તેમનો જન્મ ઓગ્સબર્ગના ચિત્રકાર કુટુંબમાં થયો હતો. પિતા હાન્સ હોલ્બીન ધ એલ્ડર (આશરે 1465–1534), કાકા સિગ્મંડ હોલ્બીન (આશરે 1470 –1540) તથા ભાઈ એમ્બ્રોસિયસ હોલ્બીન (આશરે 1493–આશરે 1519) ઓગ્સબર્ગના જાણીતા ચિત્રકારો હતા. પિતા હોલ્બીન ધ એલ્ડરે ઓગ્સબર્ગના સેંટ કૅથેરાઇન ચૅપલ માટે સેંટ મારિયા મૅગ્યોરી (Maggiore) અને સેંટ પાઓલો ફુઓરી લે મુશને આલેખતાં ચિત્રો ચીતર્યાં હતાં. ઉપરાંત ફ્રૅન્કફર્ટના ડોમિનિક ચર્ચ માટે વેદી ચિત્રો, વ્યક્તિચિત્રો અને મૅડૉના ચિત્રશ્રેણી આલેખી હતી.
પુત્ર હોલ્બીન ધ યંગર પોતાના ભાઈ એમ્બ્રોસિયસ સાથે પિતા પાસે ચિત્રકલાની તાલીમ લીધા પછી બેઝલ (Basle) ખાતે સ્થિર થયો. અહીં બંને જણાએ ચર્ચ માટે ધાર્મિક ચિત્રો, વ્યક્તિગત ઘરાકો માટે વ્યક્તિચિત્રો તથા પુસ્તકો માટે વૂડકટ છાપપદ્ધતિથી પ્રસંગચિત્રો આલેખવાનો વ્યવસાય કર્યો. પ્રકાશક ફોર્બેન (Forben) માટે 1515 –16માં બંનેએ મળીને એરાસ્મસ(Erasmus)ની કૃતિ ‘પ્રેઇઝ ઑવ્ ફૉલી’ (Praise of folly) માટે પ્રસંગચિત્રો આલેખ્યાં. એ પછી હોલ્બીન ધ યંગરે એરાસ્મસનાં ત્રણ વ્યક્તિચિત્રો તથા બેઝલના મેયર જેકોબ મેયરનાં તેની પત્ની સાથે સજોડે બે વ્યક્તિચિત્રો આલેખ્યાં.
હાન્સ ધ યંગર હોલ્બીન
મેયર તેમના મુખ્ય આશ્રયદાતા બની રહ્યા. પરિણામે બેઝલના ચર્ચ માટે ધાર્મિક ચિત્રો ‘બોનિફેસિયસ એમેર્બેખ’ (Bonifacius Amerbach), ‘ડેડ ક્રાઇસ્ટ’, ‘સોલોથર્ન મૅડૉના’ ચીતર્યાં. 1517માં હોલ્બીન ધ યંગરે લ્યુસર્નની મુલાકાત લીધી. પ્રત્યક્ષ પ્રમાણ નથી મળતાં, છતાં માનવામાં આવે છે કે લ્યુસર્નથી તેમણે ઇટાલીની યાત્રા કરી. ઇટાલિયન ચિત્રકારો માન્તેન્યા અને લિયૉનાર્દો દ વિન્ચીનાં ચિત્રોનો આધાર આ સમયે તેમણે કેટલાંક ચિત્રોમાં લીધો હોવાનાં પરોક્ષ પ્રમાણને આધારે આમ માનવામાં આવે છે. 1520માં ઇટાલીથી પાછા આવ્યા ત્યાં સુધીમાં નેધરલૅન્ડ્ઝ, જર્મની, ફ્લેન્ડર્સ કૅથલિક ચર્ચની ચુંગાલમાંથી મુક્ત બની પ્રૉટેસ્ટન્ટ બની ચૂક્યા હતા. 1520માં તેમણે બેઝલમાં લગ્ન કર્યું. પ્રૉટેસ્ટન્ટ ચર્ચ માટે તેમણે ‘લ્યુથર બાઇબલ’, ‘ડાન્સ ઑવ્ ડેથ’ તથા ‘આલ્ફાબેટ ઑવ્ ડેથ’ પુસ્તકોમાં વૂડકટ છાપ પદ્ધતિથી પ્રસંગચિત્રો આલેખ્યાં. માત્ર દસ વરસમાં તેની 12 આવૃત્તિઓ છપાઈ. રાજવી આશ્રયની ખોજમાં તેમણે 1523–24માં ફ્રાન્સનો પ્રવાસ કર્યો. 1525માં તેમણે વિશાળ કદનું ચિત્ર ‘મૅડૉના વિથ બર્ગોમાઇસ્ટર મેયર ઍન્ડ હિઝ ફેમિલી’ આલેખ્યું. 1526માં મેયરની પત્નીના અવસાન પછી તેનું મરણોત્તર (‘પોસ્ટહ્યુમસ’) વ્યક્તિચિત્ર આલેખ્યું. 1529માં બેઝલની ટાઉન કાઉન્સિલે પ્રૉટેસ્ટન્ટ માન્યતાને સમર્થન આપતાં ચર્ચમાંથી ધાર્મિક ચિત્રો દૂર કરવાનો આદેશ આપ્યો, પરિણામે હોલ્બીન ધ યંગરે ચર્ચ માટે ચીતરેલાં ધાર્મિક ચિત્રો પણ ઊતરી ગયાં.
હાન્સ ધ યંગર હોલ્બીને આલેખેલ એડવર્ડ ધ સિક્સ્થની બાળઅવસ્થાનું વ્યક્તિચિત્ર, આશરે 1538 (તૈલ અને ટેમ્પેરા રંગો)
1526માં તેમણે બ્રિટનની મુલાકાત લીધી. બ્રિટનમાં તેઓ સર થૉમસ મોરને ઘરે ચેલ્સિયામાં રહ્યા, તેમણે વ્યક્તિચિત્રો આલેખ્યાં. તેમની મુલાકાત જાણીતા ફ્લેમિશ ચિત્રકાર ક્વેન્ટીન મેસીસ સાથે થઈ. અઢાર મહિના બ્રિટન રહી હોલ્બીન ધ યંગર બેઝલ પાછા ફર્યા; પરંતુ બેઝલમાં કામ મળતું બંધ થયું તેથી 1532માં તેઓ ફરીથી બ્રિટન આવ્યા. અહીંના ધનાઢ્ય વેપારીઓ અને તેમનાં કુટુંબીજનોનાં વ્યક્તિચિત્રો આલેખવાં તેમણે શરૂ કર્યાં. તેમાંથી સમૂહ વ્યક્તિચિત્ર ‘એમ્બેસેડર્સ’ (1533) ઘણું વખણાયું છે. 1536માં બ્રિટિશ સમ્રાટ હેન્રી ધ એઇથના દરબારી ચિત્રકાર તરીકે હોલ્બીન ધ યંગરની નિમણૂક થઈ. તેમણે રાજ-પરિવારના દરબારીઓનાં ઘણાં વ્યક્તિચિત્રો આલેખ્યાં.
અમિતાભ મડિયા