હોલ્ડરલિન (જ્હૉન ક્રિશ્ચિયન) ફ્રેડરિક

February, 2009

હોલ્ડરલિન (જ્હૉન ક્રિશ્ચિયન) ફ્રેડરિક (જ. 20 માર્ચ 1770, લૉફેન એમ નેકર, વૂર્ટેમ્બર્ગ; અ. 7 જૂન 1843, ટૂબિન્જન, જર્મની) : જર્મન ઊર્મિકવિ. શિષ્ટ ગ્રીક કવિતાનાં સ્વરૂપોને જર્મન ભાષામાં ઉતારનાર. ક્રિશ્ચિયન અને શિષ્ટ સાહિત્યનો સુમેળ સાધનાર. નૂર્ટિંગજનની શાળામાં અભ્યાસ. માતાની ઇચ્છા તો હોલ્ડરલિન દેવળની સેવામાં પાદરી બને તેવી હતી. આમ થાય તો ફ્રેડરિકના શિક્ષણની જવાબદારી ચર્ચની થાય. મઠની શાળાઓમાં અને પાછળથી સેમિનરી(યુનિવર્સિટી ઑવ્ ટૂબિન્જન)માં શિક્ષણ લીધું. આ ધાર્મિક સંસ્થાઓમાં તેમણે અનુસ્નાતકની ઉપાધિ મેળવી અને પાદરીઓને દીક્ષા આપવાની વિધિ માટેની લાયકાત મેળવી.

1793માં હોલ્ડરલિન ફ્રેડરિક શિલરના પરિચયમાં આવ્યા. તેમના સામયિક ‘નેયુ થાલિયા’ માટે કાવ્યો લખ્યાં. આ જ સમયે ‘હાયપીરિયન’ નવલકથા લખવી શરૂ કરી. જોકે ગ્રીસના સ્વાતંત્ર્ય માટે એક નિર્ભ્રાંત સૈનિકની કરુણ કથા અધૂરી રહી ગઈ. તેમનાં શરૂઆતનાં કાવ્યો પર શિલરની અસર છે. ફ્રેન્ચ ક્રાંતિએ જોયેલ નવી આદર્શ દુનિયાનાં સ્વાતંત્ર્ય-સ્તોત્રો તેમણે લખ્યાં હતાં. આમાં માનવતા, સુમેળ, મૈત્રી અને પ્રકૃતિની કવિતા હતી.

હોલ્ડરલિન (જ્હૉન ક્રિશ્ચિયન) ફ્રેડરિક

આર્થિક વિટંબણાને લીધે હોલ્ડરલિને જે. એફ. ગોન્ટાર્ડ નામના શ્રીમંત બૅન્કરને ત્યાં નોકરી સ્વીકારી. તે માલિકની સુંદર અને સંવેદનશીલ પત્ની સુઝેતના પ્રેમમાં પડ્યા. તેમનાં કાવ્યો અને નવલકથામાં તે વારંવાર પ્રગટે છે.

‘ધ ડેથ ઑવ્ એમ્પિડોકલ્સ’ કરુણાંતિકા છે. જોકે માનસિક હુમલાઓની વચ્ચે પણ ઉપર્યુક્ત ગ્રંથની બેત્રણ વાચનાઓ તૈયાર કરી. પરિવાર અને મિત્રો તેમની તબિયત વિશે ચિંતિત હતા. તેમણે કોઈ વ્યક્તિ, વસ્તુ કે, વિચારને ઉદ્દેશીને ‘ઑડ’ કાવ્યો રચ્યાં, ‘મેનન્સે લૅમેન્ટ ફૉર ડાયોટિમા’ અને ‘બ્રેડ ઍન્ડ વાઇન’ જેવાં કરુણ પ્રશસ્તિકાવ્યો પણ રચ્યાં.

પગપાળા મુસાફરી કરી હોલ્ડરલિન સ્કિઝોફ્રેનિયાના દર્દી તરીકે બોર્દોમાંથી ફ્રાન્સ થઈને નૂર્ટિંગ્જન પાછા ફર્યા. પરિવારમાં તેમની સારવાર થઈ. ‘સેલિબ્રેશન ઑવ્ પીસ’, ‘ધી ઓન્લી વન’, ‘પેટમોસ’ આ સમયનાં કાવ્યો છે. ગાંડપણના કિનારે આવી પહોંચેલ મગજમાંથી સર્જાયેલ આ કાવ્યો ભવ્યતાની ભવિષ્યવાણી છે. સોફોક્લીસના ‘ઍન્ટિગોની’ અને ‘ઇડિપસ ટિરેનસ’(1804)ના પદ્યમાં કરેલ અનુવાદો છે. આઇઝેક વોન સિંકલેર નામના દિલોજાન દોસ્તે તેમને ગ્રંથપાલની નોકરી અપાવી. અહીં તેમની તબિયતમાં ગણનાપાત્ર સુધારો થયો. જોકે સિંકલેર તો હોલ્ડરલિન ક્યારેય ગાંડા હતા તેવું કદી માનતા જ નહોતા. હોલ્ડરલિનને રાજ્ય વિરુદ્ધ ખોટી પ્રવૃત્તિ કરવા માટે પાંચ મહિના સુધી જેલની કસ્ટડીમાં રાખવામાં આવેલા. થોડો વખત તુબિન્જેનના એક ક્લિનિકમાં રહ્યા પછી એક સુથારને ઘેર તેમનું અવસાન થયું. જિંદગીનાં 36 વર્ષ સુધી ગાંડપણના ઓથાર નીચે રહેલા.

હોલ્ડરલિનને સો વર્ષ સુધી સાહિત્ય જગતે ઓળખવાની દરકાર નહોતી કરી. વીસમી સદીમાં જર્મનીમાં તેમના સર્જનનું પુનર્મૂલ્યાંકન થયું. તેમના જમાનાના તે શ્રેષ્ઠ ઊર્મિકવિઓમાંના એક હતા એમ જાહેર થયું. આધુનિક જર્મનીમાં હોલ્ડરલિનને જર્મનીના કેટલાક મહાન કવિઓની હરોળના ગણવામાં આવે છે. એમની શૈલી બેનમૂન છે. ગ્રીક પરંપરા અને ખ્રિસ્તી ધર્મ સાથે સુમેળ સાધતા જૂજ કવિઓમાં તેમનું અનેરું સ્થાન છે. રોનાલ્ડ પિક્કે ‘હોલ્ડરલિન’ (1938), એગ્નીસ સ્ટેનફીલ્ડે ‘હોલ્ડરલિન’ (1944) અને એલ. એસ. સાલ્સબર્ગરે ‘હોલ્ડરલિન’ (1952) પ્રસિદ્ધ કર્યાં છે. રિચર્ડ અન્જરે ‘હોલ્ડરલિન્સ મેજર પોએટ્રી : ધ ડાયલેક્ટિક્સ ઑવ્ યુનિટી’(1976)માં તેમની કવિતાના હાર્દને વર્ણવ્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી