હોલો : કબૂતરના વર્ગનું, કબૂતર કરતાં નાનું પરંતુ કાબર કરતાં મોટું ઘર-આંગણાનું નિર્દોષ ભડકણ પક્ષી. વર્ગીકરણમાં કબૂતર અને હોલાનો કોલુમ્બિડી શ્રેણીમાં સમાવેશ થાય છે. કબૂતર અને હોલામાં ખૂબ મળતાપણું છે. કબૂતરની પ્રજાતિ કોલુમ્બા છે, જેમાં 51 જાતિઓ (species) મળી આવે છે. હોલા કે ડવની પ્રજાતિ સ્ટ્રેપ્ટોપેલિયા છે.
જેમાં 16 જાતિઓ મળી આવે છે. હોલો સામાન્ય રીતે વૃક્ષારોહી પક્ષી હોઈ સૂકી સાંઠીઓ આડેધડ ગોઠવી માળો બનાવે છે. ક્યારેક મકાનની છત કે બખોલોમાં પણ માળા બનાવે છે. જંગલો અને ખુલ્લા વગડામાં પણ કેટલીક જાતો જોવા મળે છે. ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવની આસપાસના શીત પ્રદેશો બાદ કરતાં તે લગભગ વિશ્વવ્યાપી પક્ષી છે. શીત પ્રદેશના હોલાઓ સ્થળાંતર પણ કરતા હોય છે. માદા હોલો બે સફેદ ઈંડાં મૂકે છે અને 14થી 28 દિવસ બાદ તેમાંથી બચ્ચાં પેદા થાય છે. નર અને માદા હોલા ઈંડાં સેવવાની કામગીરી કરે છે. માળામાં 35 દિવસ પોષણ મેળવ્યા બાદ બચ્ચાં સ્વતંત્ર રીતે ફરવા માંડે છે. કબૂતરની માફક બચ્ચાંને વિશિષ્ટ પ્રકારનું દૂધ પિવડાવવામાં આવે છે. આ દૂધ માતા-પિતાએ પોતે ચણેલા ખોરાકનું સંગ્રહાલય (crop) નામના અન્નમાર્ગમાં જે અર્ધપ્રવાહી પદાર્થ બને છે તે છે. પુખ્ત પક્ષીઓ વનસ્પતિ-આહારી હોઈ પર્ણો, ફળ અને નાના બીજનો આહાર કરે છે. આ અર્ધપ્રવાહીને ‘કબૂતરનું દૂધ’ એવું નામ આપવામાં આવ્યું છે.
ભારતમાં ચારેક પ્રકારના હોલા સામાન્ય રીતે જોવામાં આવે છે : (i) ચિત્રક હોલો : સ્ટ્રેપ્ટોપેલિયા ચાયનેન્સિસ (સ્કોલોપી), (ii) લોટણ હોલો – રેડ ટર્ટલ ડૉવ : સ્ટ્રેપ્ટોપેલિયા ટ્રાન્ક્યુબેરિક (હરમાન), (iii) કાંઠલાવાળો હોલો રિંગ ડૉવ : સ્ટ્રેપ્ટોપેલિયા ડીકૉક્ટો (ફ્રિવાલ્ડઝ્કી), (iv) નાનો બદામી હોલો – લીટલ બ્રાઉન ડૉવ : સ્ટ્રેપ્ટોપેલિયા સેનેગાલેન્સિસ (લિનિયસ).
ચિત્રક હોલો : તે રામ હોલો કે વન હોલા તરીકે પણ ઓળખાય છે. તે ‘ટપકાંવાળો હોલો’ એ રીતે પણ જાણીતો છે. તેની પાતળી કાયા ઉપર સફેદ ટપકાં હોય છે. ઉપરના ભાગે ગુલાબી, ભૂરો અને રાખોડી રંગ હોય છે. ડોકની પાછળ શેતરંજના પટના આકારનાં કાળાંધોળાં ટપકાં હોય છે. આ હોલો ખેતરોમાં, વગડામાં કે માનવવસ્તીના સ્થળે જોવા મળે છે.
લોટણ હોલો : નર અને માદા હોલાના રંગ જુદા પડે છે. નરનું કદ માદાથી (હોલીથી) નાનું – 22 સેમી. પણ ભરાવદાર હોય છે. તેનો રંગ ઘેરો રાખોડી કે બદામી લાગે છે. માદામાં શરીરનો રંગ ગુલાબી–ઈંટાળો લાલ હોય છે. કાંઠલાવાળા હોલા કરતાં તેનું કદ નાનું હોય છે.
કાંઠલાવાળો હોલો : તે કબૂતર કરતાં સહેજ નાનો, રંગે ઝાંખો ભૂરાશ પડતો સફેદ હોય છે. તેની ડોકની પાછળના ભાગમાં કાળો અર્ધવર્તુળિત કાંઠલો હોય છે. જે તેની ઓળખાણ કરાવે છે. સૂકા પ્રદેશોમાં બાવળ, કેસૂડાં જેવાં વૃક્ષોની ઝાડીમાં તે માળા બાંધે છે. 10,000 ફૂટની ઊંચાઈ સુધીના પહાડી પ્રદેશમાં પણ તે જોવા મળે છે.
બદામી નાનો હોલો : તે બદામી ભૂખરો ઉપર અને વક્ષભાગે સફેદ રંગ ધરાવે છે. તેના ગળાની નીચે ચેસ-બોર્ડનાં ખાનાં જેવાં કાળા અને સફેદ સૂક્ષ્મ ટપકાં જોવા મળે છે. તેમાં નર અને માદા લગભગ એકસરખાં હોય છે. અન્ય હોલાની માફક તેનો ખોરાક દાણા, વનસ્પતિ વગેરે હોય છે.
હોલા સામાન્ય રીતે જોડમાં જોવા મળે છે. ક્યારેક વગડામાં નાનાં ટોળાં જોવા મળે છે. કબૂતરની માફક મોટાં ટોળાંમાં ચણતા જોવા મળતા નથી. નર હોલો માદાને રીઝવવા વિવિધ અવાજ અને વર્તન-રીતો અજમાવતો હોય છે. ઘણી વાર ગળું ફુલાવી કંઈક કર્કશ ઘૂંટાતા અવાજે ‘ઘૂ….ઘૂ….ઘૂ……’ એવા ઉપરાછાપરી અવાજો લાંબા સમય સુધી કાઢે છે. સવારે અને બપોરે તેનો અવાજ બદલાય છે. એક હોલો બોલે તે પછી બીજો હોલો તેને પ્રતિસાદ આપે છે. ગામડામાં આવા અવાજને ‘પ્રભુ તું પ્રભુ તું’ એવા અવાજમાં ઘટાવીને તેને સારા શુકન રૂપે ગણી લે છે.
રા. ય. ગુપ્તે