હોલી : વિશિષ્ટ ભાત પાડતું વિચારોત્તેજક હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1984. પ્રકાર રંગીન. નિર્માતા : નીઓ ફિલ્મ ઍસોસિયેટ્સ. દિગ્દર્શન : કેતન મહેતા. પટકથા : મહેશ એલકુંચવાર, કેતન મહેતા. મહેશ એલકુંચવારની નાટ્યકૃતિ પર આધારિત કથા. ગીતકાર : હૃદયલાની. છબિકલા : જહાંગીર ચૌધરી. સંગીત : રજત ધોળકિયા. મુખ્ય કલાકારો : આમીર ખાન, આશુતોષ ગોવારીકર, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, શ્રીરામ લાગુ, દીપ્તિ નવલ, પરેશ રાવલ, મોહન ગોખલે, દીના પાઠક, સંજીવ ગાંધી, મનોજ પંડ્યા, રાહુલ રાનડે, અમોલ ગુપ્તે.
હોળીનો ઉત્સવ માણસના મનના મેલને તિલાંજલિ આપવા માટેનું પ્રતીક છે, પણ દિગ્દર્શક કેતન મહેતાએ હોળીને પોતાના આ બહુ વખણાયેલા ચિત્રમાં દિગ્ભ્રમિત યુવાપેઢીની તાકાતના વ્યર્થ પ્રજ્વલનનું પ્રતીક બનાવીને રજૂ કરી હતી. દેશના શિક્ષણતંત્રને ચલચિત્રનો વિષય બનાવી કેતન મહેતાએ એ અંગેનો વાસ્તવિક ચિતાર આપવાનો પ્રયાસ ખૂબ સફળતાપૂર્વક કર્યો છે. હાલના વિદ્યાર્થીજીવન અને શિક્ષણતંત્રની મૂળભૂત ખામીઓ પર ખૂબ વિચારોત્તેજક રીતે દૃષ્ટિપાત કરતું આ એક મહત્વપૂર્ણ ચલચિત્ર છે.
કથાનકના કેન્દ્રમાં એક કૉલેજ છે. તેના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે અવારનવાર તણાવ પેદા થતો રહે છે. છાત્રાલયમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ ઉદ્દંડ છે. ભણવા કરતાં રખડપટ્ટી કરવામાં તેમને વધુ રસ છે. કૉલેજમાં અવારનવાર વિદ્યાર્થીઓ કે કર્મચારીઓની હડતાળ પડતી રહે છે. કર્મચારીઓ ઓછા વેતનને કારણે નારાજ રહેતા હોય છે તો વિદ્યાર્થીઓ કૉલેજમાં અપૂરતી સુવિધાઓના અભાવે તોફાને ચઢતા હોય છે.
કૉલેજમાં હોળીના તહેવારની પરંપરાગત રજા રખાતી હોય છે, પણ કૉલેજના એક સંચાલકનું પ્રવચન યોજાવાને કારણે આચાર્ય હોળીની રજા રદ કરવાનું જાહેર કરી દે છે. વિદ્યાર્થીઓને તોફાન માટેનું આ વધુ એક કારણ મળી જાય છે. આચાર્ય સાથે તેઓ સીધા સંઘર્ષમાં ઊતરે છે. સંચાલકના પ્રવચનમાં ધમાલ શરૂ થઈ જાય છે. નાની વાતને જોતજોતાંમાં મોટું સ્વરૂપ મળી જાય છે. કૉલેજમાં સંપૂર્ણપણે અરાજકતા પેદા થઈ જાય છે. કૉલેજના ફર્નિચરની તોડફોડ કરીને તેની હોળી કરાય છે. તોફાનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે આચાર્ય એક સીધાસાદા વિદ્યાર્થીની મદદ લે છે. તોફાન માટે જવાબદાર જે વિદ્યાર્થીઓની ઓળખ થાય છે તેમને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવે છે. આચાર્યને કોણે માહિતી આપી એ ખબર પડી જતાં હવે વિદ્યાર્થીઓનું નિશાન આચાર્યને માહિતી આપનાર વિદ્યાર્થી બને છે. તેને એવો હેરાનપરેશાન કરવામાં આવે છે કે તે ત્રાસીને છેવટે આપઘાત કરવા પ્રેરાય છે. તે માટે જવાબદાર વિદ્યાર્થીઓને પોલીસ પકડીને લઈ જાય છે. ચલચિત્રનો અંત ગીતની આ પંક્તિ સાથે થાય છે, ‘યહ કૌન સા સફર હૈ… હમ કહાં જા રહે હૈં….’
આ જ શીર્ષક અને પટકથા સાથે જાણીતાં દિગ્દર્શક ઉષા ગાંગુલીએ રંગમંચ પર નાટ્યકૃતિ રજૂ કરી છે જેને પણ ખૂબ સફળતા મળી હતી.
હરસુખ થાનકી