હૉલિવુડ : અમેરિકામાં લૉસ એન્જલસસ્થિત દુનિયાના સૌથી મોટા ફિલ્મ-ઉદ્યોગનું કેન્દ્ર. ફિલ્મો તો દુનિયાના લગભગ દરેક દેશમાં બને છે અને દરેક દેશનો અને ભાષાનો પોતાનો ફિલ્મ-ઉદ્યોગ હોય છે, પણ કોઈ ને કોઈ રીતે હૉલિવુડ એ બધા માટે હંમેશાં પ્રેરણાસ્રોત બનતું રહ્યું છે. દુનિયાના કોઈ પણ ભાગમાં કાર્યરત ફિલ્મ-કલાકાર કે કસબીનું અંતિમ ધ્યેય હૉલિવુડ ખાતે કામ કરવાનું હોય એવું તેનું આજદિન સુધી મહત્વ રહ્યું છે. ફિલ્મ-ઉદ્યોગ માટે ‘સપનાની નગરી’ (dream-land) બની ચૂકેલું હૉલિવુડ ફિલ્મોના વિકાસની સાથોસાથ વિકસતું રહ્યું છે અથવા તો એમ કહી શકાય કે ફિલ્મોની શોધ થયા પછી તેનો ખરો વિકાસ હૉલિવુડમાં થતો રહ્યો છે. હૉલિવુડ અને વિશ્વ સિનેમા એકબીજાનાં પૂરક હોવાનું સર્વસ્વીકૃત છે. ફિલ્મોના સંદર્ભમાં ‘હૉલિવુડ’ શબ્દ પણ એટલો રોજિંદી ઘરેડમાં આવી ગયો છે કે દુનિયામાં ઘણાં સ્થળોએ ફિલ્મ-ઉદ્યોગને આ પ્રકારનું નામ આપી દેવાનું પ્રચલિત બન્યું છે; જેમ કે, મુંબઈનો ફિલ્મ-ઉદ્યોગ અગાઉના બૉમ્બે નામ પરથી ‘બૉલિવુડ’ કે પાકિસ્તાનના લાહોરનો ફિલ્મઉદ્યોગ ‘લૉલિવુડ’ કહેવાય છે.

હૉલિવુડ મૂળ તો અમેરિકાના લૉસ એન્જલસ ખાતે નાની નાની ટેકરીઓની પાસે આવેલી 120 એકરની એક વિશાળ જમીન હતી. હાર્વે વિલકોકસ તેનો માલિક હતો. આ જમીન પર ભૂતકાળમાં ફળોના બગીચા હતા. ઈ. સ. 1887માં આ જમીન થોડી થોડી કરીને વેચી દેવાનું નક્કી કરાયું. પહાડીઓને કારણે કુદરતી સૌંદર્ય અને ચોખ્ખાં હવાપ્રકાશ આ સ્થળનું સૌથી મોટું આકર્ષણ હતું. હાર્વેએ કદાચ કલ્પના નહિ કરી હોય કે ભવિષ્યમાં અહીં વર્ષે કરોડો ડૉલરની ઊથલપાથલ કરતો ફિલ્મ-ઉદ્યોગ ધમધમતો થશે. આ જગ્યાને ‘હૉલિવુડ લૅન્ડ’ નામ તેણે જ આપ્યું હતું.

ચલચિત્રની શોધ તો 19મી સદીનાં આખરી વર્ષોમાં થઈ હતી, પણ હૉલિવુડમાં ચિત્રનિર્માણનો પ્રારંભ 20મી સદીના પ્રારંભનાં વર્ષોમાં શરૂ થયો હતો. 1910માં આ ટેકરીઓનો વિસ્તાર લૉસ એન્જલસ સાથે જોડી દેવામાં આવ્યો. તે જ વર્ષે સૌપહેલાં ચિત્રસર્જક ડી. ડબ્લ્યૂ. ગ્રિફિથ અહીં આવ્યા હતા અને ચિત્રનિર્માણ માટે આ સ્થળ પસંદ પડી જતાં તેમણે પોતાના સાથીઓને પણ બોલાવી લીધા. ઈ. સ. 1913માં અહીં આવીને ચિત્રનિર્માણની શરૂઆત સેસિલ બી. ડિમેલે કરી હતી. એ પછી બીજા ચિત્રસર્જકો આવતા ગયા. તે સાથે ‘બાયૉગ્રાફ’, ‘બિટાગ્રાફ’, ‘મૅજિસ્ટિક’, ‘ટ્રેંગલ’, ‘કીસ્ટોન ઑર્ગેનાઇઝેશન’, ‘એસ્સાને’, ‘મ્યૂચ્યુઅલ’ જેવી ચિત્રનિર્માણ-સંસ્થાઓ સ્થપાઈ અને આ સંસ્થાઓએ પોતાની જરૂરિયાત મુજબના સ્ટુડિયો પણ ખડા કર્યા. જુકોરે ઈ. સ. 1912માં ‘પેરેમાઉન્ટ’ સ્ટુડિયોની સ્થાપના કરી હતી અને 1915માં ‘યુનિવર્સલ’ સ્ટુડિયો સ્થપાયો. ગોલ્ડવિન અને બીજી બે કંપનીઓએ મળીને 1924માં ‘મેટ્રો-ગોલ્ડવિન-મેયર’ની સ્થાપના કરી હતી. 1929 સુધીમાં વિશાળ બની ચૂકેલો ‘ફૉક્સ મૂવિટોન’ સ્ટુડિયો 1939માં ‘ટ્વેન્ટિયેથ સેન્ચ્યુરી ફૉક્સ’ બની ગયો. આ ઉપરાંત વૉર્નર બ્રધર્સ, કોલંબિયા પિક્ચર્સ, યુનાઇટેડ આર્ટિસ્ટ્સ, વૉલ્ટડિઝની સ્ટુડિયો વગેરે સ્ટુડિયો એક પછી એક સ્થપાયા. આ બધા સ્ટુડિયોની વિકાસગાથા હૉલિવુડની વિકાસગાથા બની રહી. આ બધા સ્ટુડિયોએ અનેક યાદગાર અને પ્રશિષ્ટ ચિત્રોનું સર્જન કર્યું અને આજે પણ તે તેમ કરી રહ્યા છે.

હૉલિવુડનું પ્રતીક

પ્રારંભે જ થોડાં વર્ષોમાં હૉલિવુડનું નામ એવું જાણીતું થતું ગયું કે 1923માં ‘હૉલિવુડ લૅન્ડ’ના અંગ્રેજી 13 અક્ષર નજીકની ટેકરીઓ પર 15 મીટર (50 ફૂટ) ઊંચે લાગી ગયા અને કાયમ માટે હૉલિવુડનું પ્રતીક બની ગયા. લગભગ બે દાયકા આ સ્થળ ‘હૉલિવુડ લૅન્ડ’ તરીકે ઓળખાતું રહ્યું. પછી 1995માં 13 અક્ષર પૈકી ‘લૅન્ડ’ના ચાર અક્ષર હઠાવી દેવાયા. ત્યારથી તે ‘હૉલિવુડ’ બની ગયું. આ અંગ્રેજી અક્ષરો ધરાવતા ‘હૉલિવુડ’ નામને એક પ્રતીક તરીકે 1973માં રાષ્ટ્રીય અને ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્મારકનો દરજ્જો એનાયત કરાયો હતો.

નવ દાયકાથી વધુ સમયથી ચલચિત્રોના વિકાસની સાથે વિકસતા રહેલા હૉલિવુડે પણ અનેક ઉતારચઢાવ જોયા છે. અહીં હજારો ચિત્રોનું સર્જન થયું. પોતાનાં કામ અને લોકપ્રિયતાથી વિશ્વને આંજી દેનારા અનેક કલાકારો અને કસબીઓનો અહીં ઉદભવ થયો, અનેક ફિલ્મ-સ્ટુડિયો અહીં સ્થપાયા, વીખરાયા, વેચાયા, એકબીજામાં ભળીને નવજીવન પામતા રહ્યા અને આવી અનેક ઘટનાઓ વચ્ચે હૉલિવુડ તેનો પ્રભાવ વિશ્વસિનેમા પર વધુ ને વધુ મજબૂત કરતું રહ્યું અને સિનેમાને એક કળા તરીકે સ્થાપિત કરવામાં પણ તેનું બહુ મોટું યોગદાન રહ્યું.

1927 પછી હૉલિવુડમાં સવાક ચિત્રોનું નિર્માણ શરૂ થયું હતું. સવાક ચિત્રોના નિર્માણ સાથે ઉત્તરોત્તર ચિત્રનિર્માણમાં અવનવા પ્રયોગો પણ શરૂ થયા અને પ્રેક્ષકોના ચોક્કસ વર્ગોને અને તેમનાં રસરુચિને ધ્યાનમાં રાખીને ‘અપરાધ’ પર આધારિત ચિત્રોથી માંડીને યુદ્ધચિત્રો અને વિજ્ઞાનકથાચિત્રોથી માંડીને ઐતિહાસિક–સામાજિક સહિતનાં અનેક પ્રકારનાં ચિત્રોનું નિર્માણ શરૂ થયું. વિશ્વસાહિત્યની અનેક પ્રશિષ્ટ અને લોકપ્રિય કૃતિઓ પરથી ચલચિત્રો બનવા માંડ્યાં.

1930માં ભયાનક મંદીના સમયમાં પણ હૉલિવુડને ભાગ્યે જ કંઈ અસર થઈ હતી અને બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન પણ ચિત્રનિર્માણની પ્રવૃત્તિમાં કોઈ ખાસ ફરક પડ્યો ન હતો. જોકે 1960ના દાયકામાં ટેલિવિઝનના આગમને પહેલી વાર હૉલિવુડ સમક્ષ ખૂબ મોટો પડકાર ખડો કર્યો હતો, પણ થોડાં જ વર્ષોમાં હૉલિવુડે તેનો રસ્તો કાઢી લીધો હતો અને એવાં ભવ્ય ચિત્રોનું નિર્માણ શરૂ કર્યું હતું કે એ ચિત્રોની મજા માણવા પ્રેક્ષકોએ છબિઘરોમાં જ જવું પડે. 1955થી 1965નો ગાળો હૉલિવુડમાં આવાં ભવ્ય ચિત્રોના નિર્માણનો સુવર્ણકાળ ગણાયો છે. સિનેમાસ્કોપ, 70 એમએમ જેવા વિશાળ પડદા પર પડતાં ચિત્રો ઓર ભવ્ય બન્યાં હતાં. સમયની સાથે પ્રક્ષેપણ અને ધ્વનિની અવનવી ટૅકનિકો સાથે ચિત્રોનું નિર્માણ થતું રહ્યું છે.

પ્રારંભનાં વર્ષોમાં હૉલિવુડમાં સ્ટુડિયો-સિસ્ટમ હતી. સમય વીતતાં કલાકારોની લોકપ્રિયતા વધવા સાથે સ્ટાર-સિસ્ટમ શરૂ થઈ અને 1975 પછી વ્યક્તિગત નિર્માતા-દિગ્દર્શકોની બોલબાલા વધી છે. સ્ટુડિયોની પરવા કર્યા વિના ઘણા કલાકારો અને કસબીઓએ પોતે ચિત્રોનું નિર્માણ કરવા માંડ્યું છે. દરમિયાન કેટલાક સ્ટુડિયો ખોટના ખાડામાં ઊતરી ગયા અને ઘણા સ્ટુડિયોની માલિકી બદલાઈ ગઈ છે, પણ આ બધા વચ્ચે ચલચિત્ર-નિર્માણના કેન્દ્ર અને સહેલગાહો માટે આકર્ષણના સ્થાન તરીકે હૉલિવુડ અડીખમ રહ્યું છે.

હૉલિવુડ ખાતે યુનિવર્સિટી ઑવ્ જુડાઇઝમ અને એક જુનિયર કૉલેજ પણ કાર્યરત છે. તેની બાજુમાં મિલિટરી અકાદમીનું શિયાળુ મથક પણ આવેલું છે.

હરસુખ થાનકી