હોલરિથ, હર્મન (જ. 29 ફેબ્રુઆરી 1860, બફેલો, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 17 નવેમ્બર 1929, વૉશિંગ્ટન ડી.સી.) : ઇલેક્ટ્રૉનિક કમ્પ્યૂટરના પુરોગામી તરીકે સારણીકોષ્ટક તૈયાર કરવા માટેના યંત્રનો શોધક, આંકડાશાસ્ત્રી અને વ્યવસાયી.
હર્મન હોલરિથ
1879માં તે કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ માઇન્સમાંથી સ્નાતક થયો. 1880માં માઇનિંગ ઇજનેર તરીકે બહાર પડ્યો તે પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેણે 1890માં પીએચ.ડી. પૂરું કર્યું. 15 સપ્ટેમ્બર, 1890માં તેણે લ્યુસિયા બીવર્લી સાથે લગ્ન કર્યું, જેણે 3 દીકરા અને 3 દીકરીઓને જન્મ આપ્યો હતો. સ્નાતક થયા બાદ તરત જ તે તેના શિક્ષક વિલિયમ પી. ટ્રાઉબ્રિજ(Trowbridge)નો મદદનીશ બન્યો. તેના શિક્ષક પાસેથી વસ્તીગણતરીની સારણીઓ બનાવવાનું કામ શીખ્યો. તે પછી એક દસકા માટે તેણે શિક્ષણકાર્ય કર્યું. તે દરમિયાન તે હવા-ગતિરોધક (air-brakes) ઉપર પ્રયોગો કરતો રહ્યો. તે પછી તેણે વૉશિંગ્ટન ડી.સી.ની પેટન્ટ ઑફિસમાં કામ કર્યું. આ બધાં કામો દરમિયાન તે વસ્તીગણતરીની સારણીઓના સ્વસંચાલિતપણા બાબતે હરઘડીએ વિચાર્યા કરતો હતો. 1890માં તેણે આંકડાશાસ્ત્રની નોંધણી માટે એક યંત્ર શોધી કાઢ્યું. તેના અવાહક પદાર્થ ઉપર કાણાં પાડવાની પદ્ધતિ અખત્યાર કરી. તે પછી વિદ્યુતપ્રવાહ વડે વિગતો ગણવા માટેની પદ્ધતિ તૈયાર કરી.
તેની આ શોધ યુ.એસ.માં સફળ પુરવાર થઈ. તે સાથે સાથે યુરોપમાં તેની શોધ પ્રત્યે ખાસ ધ્યાન દોરાયું. તેથી ત્યાં તેનો આંકડાશાસ્ત્રીય હેતુઓ અને ગણતરીઓ માટે વ્યાપક ઉપયોગ થવા લાગ્યો. 1896માં હોલરિથે ન્યૂયૉર્કમાં ટૅબ્યુલેટિંગ મશીન-કંપની ઊભી કરી. ત્યાં જરૂરી તમામ યંત્રોનું નિર્માણ થતું હતું. પાછળથી આ કંપની ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કૉર્પોરેશન તરીકે ઊભરી આવી.
પ્રહલાદ છ. પટેલ