હોર્સપાવર : પાવરનો વપરાતો સામાન્ય એકમ (યુનિટ). એકમ સમયમાં કરેલું કાર્ય એટલે પાવર. બ્રિટિશ પદ્ધતિમાં (I.P. યુનિટમાં) એકમ સમયમાં 33,000 ફૂટ–પાઉન્ડ જેટલું કરેલું કાર્ય એટલે એક એકમ હોર્સપાવર છે. સાદા શબ્દોમાં મૂકીએ તો, 33,000 પાઉન્ડ વજનની વસ્તુને એકમ સમયમાં ઊંચકવા માટે કરવું પડતું કાર્ય એ એક હોર્સપાવર છે. સ્કૉટિશ ઇજનેર જેમ્સ વૉટ વડે E કિંમત આપવામાં આવી છે. 18મી સદીમાં તેણે આ કિંમત દર્શાવી. આ માપ તેણે સરેરાશ સશક્ત ઘોડો જે કાર્ય કરી શકે તેના ઉપર, પ્રયોગો કરી નક્કી કર્યું. આ માપ ઘોડો જે કાર્ય કરી શકે છે તેના કરતાં પચાસ ગણું ઓછું છે. ઇલેક્ટ્રિકલ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આનું માપ વૉટ છે. એક હોર્સપાવર = 746 વૉટ છે. પાવર મેટ્રિક અશ્વશક્તિ તરીકે પણ ઓળખાય છે. જે 4,500 કિગ્રા.મીટર/મિનિટ છે. એન્જિન, ટર્બાઇન અને મોટર શાફ્ટ ઉપર મળતો પાવર એ બ્રેકપાવર અથવા શાફ્ટ હોર્સપાવર છે. આ પાવર જે પ્રકારનું સાધન વપરાય છે તેના ઉપર આધારિત છે. મોટા કદના પ્રત્યાગામી (રેસિપ્રોકેટિંગ) એન્જિન માટે દર્શિત (Indicated) હૉર્સપાવર વડે દર્શાવાય છે. આ પાવર એન્જિનના નળાકાર ઉપર આધારિત છે. બ્રૅક અથવા શાફ્ટ હોર્સપાવર એ દર્શિત હોર્સપાવર કરતાં ઓછો હોય છે. આ ઘટાડો એન્જિનની અંદરના ઘર્ષણવ્યય ઉપર આધારિત છે. આ ઘટાડો દર્શિત પાવરથી 10 % અથવા થોડો વધુ હોય છે. ઇલેક્ટ્રિકલ મોટરનો પાવર તેને આપવામાં આવતા ઇલેક્ટ્રિકલ આદાન (input) ઉપર આધારિત છે. મોટા ભાગનાં યંત્રોમાં શાફ્ટ પરિભ્રામી (rotating) હોય છે અને શાફ્ટ ઉપર લાગતા બળ-ધૂર્ણ (T) અને તેની પરિભ્રામી ગતિ (w) ઉપરથી પાવર T × w વડે નક્કી કરવામાં આવે છે. પાવરનો એકમ એ શક્તિ / એકમ સમય આધારિત છે. યાંત્રિક મશીન્સની શોધ પહેલાં ઘોડા વડે વહનક્રિયા થતી તેથી જ્યારે યાંત્રિક ઉપકરણો વિકસ્યાં ત્યારે તેની શક્તિની સરખામણી ઘોડાની શક્તિ સાથે થાય તે સ્વાભાવિક હતું અને તેથી અશ્વશક્તિ (હોર્સપાવર) શબ્દ પ્રચલિત થયો.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ