હોર્યુ જી, નારા (જાપાન) : જાપાનનું જાણીતું બૌદ્ધ મંદિર. સાતમી સદીનું વિશ્વનું સૌથી પ્રાચીન લાકડાકામમાં કરેલું હયાત બાંધકામ. ઉત્તર કોરિયાના કોગુર્યો રાજ્યના ચોન્ગામ્સાના હોકોજીના મંદિરને મળતું આવે છે.
હોર્યુ જી, નારા (જાપાન)
મૂળ હોર્યુ જી મંદિર 670માં આગમાં નાશ પામ્યું હતું. તેનો વર્તમાન કોન્ડો (મૂર્તિ-ખંડ) 18.5 મી. 15.2 મી. કદનો છે અને 693માં તેનું બાંધકામ પૂરું થયું હતું. જ્યારે તેનો પેગોડા એક દશકા બાદ પૂરો થયો હતો. કોન્ડો અને પેગોડાના નીચેના મજલાને ફરતું મોકોશી(mokoshi)નું અલંકરણ કરેલું છે. પેગોડા પાંચ મજલાનો છે અને તેની ઉપર સોરિન (sorine = spire = શિખર) છે. પેગોડાનો કેન્દ્રીય સ્તંભ જમીનતળથી ઘણો ઊંડો છે. સોરિન પર ધાતુ મઢેલ છે અને પ્રતીકાત્મક સુશોભનો મૂકેલાં છે. તેના ડેઇકોડો(daikodo = મુખ્ય વ્યાખ્યાનખંડ)નું પુન:બાંધકામ 990માં થયું હતું. તે 9 ગાળા લાંબો અને 4 ગાળા પહોળો એટલે કે 33.8 મી. 16.5 મી. (111 ફૂટ 54 ફૂટ) છે. તેની બહારના ભાગે આઠમી સદીની શિષ્ટ શૈલી જણાય છે. જ્યારે અંદરના ભાગે છતના ઢાંચાની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન જણાય છે.
થૉમસ પરમાર