હોર્ટા, બેરોન વિક્ટર (જ. 1861; અ. 1947) : બેલ્જિયમનો જાણીતો સ્થપતિ. 1878–80 દરમિયાન પૅરિસમાં શિક્ષણ લીધું. તે પછી બેલેટની (Balat) નીચે બ્રુસ્સેલ્સ અકાદમીમાં શિક્ષણ લીધું. 1892માં હોટલ ટાસ્સેલ(Tassel)ની ડિઝાઇન કરી. ત્યારથી તેણે યુરોપિયન સ્થાપત્યમાં પ્રવેશ કર્યો. તે પછી મેક્સિકન એમ્બેસીની ડિઝાઇન કરી. હોટલ ટાસ્સેલ બહારથી આશ્ચર્યચકિત કરે તેવી નથી; પરંતુ તેની સીડી અગત્યની છે. તેમાં લોખંડનાં ફૂલોનું અલંકરણ છે.
બેરોન વિક્ટર હોર્ટા
તેણે હોટેલ સોલ્વેય (1895–1900) ધ મેઇસન દુ પેઉપ્લે (The Maison du People (1896–99)ની પણ ડિઝાઇન કરી. બીજા ક્રમની ઇમારતમાં વક્ર ગ્લાસ અને લોખંડના મુખ ભાગ (facade) અને તેના મોટા હૉલમાં લોખંડનું સુશોભન છે. ‘લ’ઇનોવેશન’(L’Innovation)ની ડિઝાઇન તેણે 1901માં કરી હતી; પરંતુ તે ઇમારત 1966માં આગમાં નાશ પામી. કેટલાંક ખાનગી મકાનો ફ્રિસ્સેન ઉકલે (1899–1900) અને ફર્નેમોન્ટ ઉકલે(1900–1901)ની ડિઝાઇન તેણે કરી હતી. તેનું પોતાનું મકાન (1898–1901) હાલ મ્યુઝે હોર્ટા તરીકે જાણીતું છે.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર