હૉર્નફેલ્સ (Hornfels)

February, 2009

હૉર્નફેલ્સ (Hornfels) : વિકૃત ખડકનો એક પ્રકાર. સંસર્ગવિકૃતિ કે ઉષ્ણતાવિકૃતિ દ્વારા બનેલો સૂક્ષ્મ દાણાદારથી મધ્યમ દાણાદાર, ગ્રૅન્યુલોઝ સંરચનાવાળો, પણ શિસ્ટોઝ સંરચનાવિહીન વિકૃત ખડક. આ પ્રકારના ખડકમાં વિકૃતિ દ્વારા ઉદભવતાં સંભેદ કે સમાંતર ખનિજ-ગોઠવણી હોતી નથી. તેમાં સંભવત: મોટા પરિમાણવાળા સ્ફટિકો–પૉર્ફિરોબ્લાસ્ટ કે મૂળ ખડકના અવશિષ્ટ મહાસ્ફટિકો હોઈ શકે. મૂળ માતૃખડકમાંનું નિક્ષેપક્રિયાત્મક કે દાબ અસરયુક્ત ઘનિષ્ઠતાનું અવશિષ્ટ માળખું પણ અકબંધ જળવાયેલું રહી શકે. અગ્નિકૃત ખડકમાંનું ઝેનોલિથ સ્વરૂપે સામેલ થયેલું દ્રવ્ય, ગરમીની અસર હેઠળ તૈયાર થતા હૉર્નફેલ્સમાં ઓગળી જતું હોય છે તે બુચાઇટ તરીકે ઓળખાય છે. અન્ય ખડકની માફક આ ખડકની પરખ માટે કોઈ ચોક્કસ મર્યાદા બાંધવામાં આવેલી નથી, તેનું અર્થઘટન બહોળા અર્થવિસ્તારમાં કરવામાં આવે છે. હૉર્નફેલ્સમાં સર્વપ્રથમ પરખાતાં મહત્વનાં ખનિજો કે ખનિજસમૂહો પરથી તેનું નામ અપાય છે; જેમ કે, ગાર્નેટ હૉર્નફેલ્સ, પાયરૉક્સિન હૉર્નફેલ્સ, કૅલ્ક-સિલિકેટ હૉર્નફેલ્સ, ફ્લેક્શીફર, મૅક્યુલોઝ, સ્પૉટેડ સ્લેટ, સ્પિલોસાઇટ, પૉર્સિલેનાઇટ વગેરે.

હૉર્નફેલ્સ એ સંસર્ગ-વિકૃતિ દ્વારા તૈયાર થતા વિકૃત ખડકો માટે અપાતું જૂથ નામ છે, તે ‘હૉર્નસ્ટોન’ના નામથી પણ જાણીતું છે. આ પ્રકારના ખડકો થવા માટેનું મૂળ માતૃદ્રવ્ય જળકૃત ખડકો જ ગણાય છે. જળકૃત ખડકોમાં જ્યારે મૅગ્મા અંતર્ભેદિત થાય ત્યારે ઉષ્ણતાની અસરને કારણે નિક્ષેપોનું પુન:સ્ફટિકીકરણ થાય છે અને તેથી જળકૃત સ્તરોનું સંપૂર્ણપણે પરિવર્તન થાય છે. તેમનું સખત ખડકોમાં રૂપાંતર થાય છે. તેમાં તૈયાર થતા સૂક્ષ્મ દાણાદાર ખનિજઘટકો તો માત્ર

આકૃતિ 1 : 10 પ્રકારના હૉર્નફેલ્સના ખનિજ-જૂથની રેખાકૃતિ. દર્શાવ્યા ઉપરાંત તેમાં ક્વાર્ટ્ઝ, ઑર્થોક્લેઝ, તેમજ અનુષંગી ખનિજ ઍપેટાઇટ પણ હોય છે.

સૂક્ષ્મદર્શકમાં જ પારખી શકાય છે. સામાન્ય હૉર્નફેલ્સની રચનામાં રાસાયણિક પરિવર્તનો ઓછાં થાય છે, સિવાય કે નિક્ષેપોમાંના ઓગળી જાય એવા અથવા ઊડી જાય એવા H2O, CO2 જેવા અમુક ઘટકો જળવાઈ રહેતા નથી. ટૂંકમાં, મૂળ નિક્ષેપનો પ્રકાર હૉર્નફેલ્સના ખનિજીય બંધારણ માટે મહત્વનો બની રહે છે.

આકૃતિ 2 : ચૂનાદ્રવ્યની ઓછી માત્રાવાળા હૉર્નફેલ્સ ખનિજ-જૂથની રેખાકૃતિ. છાયાવિહીન ભાગ સામાન્ય મૃણ્મય નિક્ષેપોનું ક્ષેત્ર દર્શાવે છે.

માર્લના સંમિશ્રણવાળા શેલથી માંડીને ચૂનાખડકની શ્રેણીવાળા ભિન્ન ભિન્ન નિક્ષેપોમાંથી તૈયાર થતા હૉર્નફેલ્સ-પ્રકારો પણ ભિન્ન ભિન્ન હોય છે. રાસાયણિક દૃષ્ટિએ જોતાં, આ શ્રેણી નીચેના મુખ્ય ઘટકોથી બનેલી હોય છે : SiO2, Al2O3, CaO, FeO અને MgO. સિલિકાના પૂરતા પ્રમાણ સાથે ઍલ્યુમિના, લાઇમ અને ફેરોમૅગ્નેશિયાનાં જુદાં જુદાં પ્રમાણ ભળતાં 10 પ્રકારના સિલિકા–હૉર્નફેલ્સ બની શકે છે, જે આકૃતિમાં ત્રિઅંગી પદ્ધતિ (ternary system) દ્વારા દર્શાવેલું છે. કેટલાક પ્રદેશોમાં, જ્યાં નિક્ષેપોમાં ચૂનાખડક હોય જ નહિ, ત્યાં તૈયાર થતા હૉર્નફેલ્સ ચૂનાદ્રવ્યની અછતવાળા બને છે; જેમાં SiO2, Al2O3 અને (Mg.Fe)Oની અન્યોન્ય ભેળવણી થાય છે, ઉપર કરતાં જુદા પ્રકારનાં ખનિજ-જૂથ તૈયાર થાય છે. (જુઓ આકૃતિ).

ગિરીશભાઈ પંડ્યા