હોમ્સ શેરલૉક

February, 2009

હોમ્સ, શેરલૉક : ડિટેક્ટિવ નવલકથાકાર સર આર્થર કૉનન ડૉઇલનું જગત-સાહિત્યમાં જાણીતું પાત્ર. શેરલોક જગત-મશહૂર ડિટેક્ટિવ છે. જોકે આ પ્રકારનું પાત્ર એડગર ઍલન પૉએ ‘ડુપિન’નું સર્જેલ. ડુપિન તરંગી અલૌકિક બુદ્ધિપ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે તો શેરલૉક લોકમાનસમાં કાયમ માટે વસી ગયેલ પાત્ર છે.

ડૉઇલના આદરણીય પ્રાધ્યાપક ડૉ. જૉસેફ બેલ મેડિકલ કૉલેજમાં અધ્યાપન કરતા હતા. હોમ્સના પાત્રાલેખનમાં ડૉ. બેલની પ્રબળ અસર દેખાય છે. હોમ્સની કુશાગ્ર બુદ્ધિ વ્યક્તિની ભલાઈને મદદ કરે છે. તેમનો વિશ્વાસુ મિત્ર ડૉ. વૉટ્સન છે, જે હંમેશાં પોતાના નાયક હોમ્સની પ્રતિભાનો જબરો પ્રશંસક છે.

શેરલોક હૉમ્સ

હોમ્સનું પાત્રાલેખન અનેક ખૂબીઓથી સર્જાયેલ છે. તે સંપૂર્ણપણે વ્યવહારુ છે. હોમ્સ પોતે કૉપરનિકસના સિદ્ધાંતથી અજાણ હતા પણ તેમનું રસાયણશાસ્ત્ર, સંવેદનશીલ સાહિત્ય અને ‘સિગાર’ની રાખ વગેરે વિષયોનું જ્ઞાન ઊંડું અને બેનમૂન હતું. એક દૃષ્ટિએ જોતાં એ પાત્ર અહંકારી કે ઉદ્ધત લાગે. સ્ત્રીદાક્ષિણ્યમાં તેઓ હંમેશ માટે સજાગ; પરંતુ સ્ત્રીમાત્રનો કદી પણ વિશ્વાસ ન કરે ! તેમની લાગણીવશતા પણ કલાત્મક લાગે તેવી ! પોતે ખૂબ થાકી ગયા હોય ત્યારે અમસ્તા અમસ્તા તમંચાના ટ્રિગરને દબાવી ભીંત પર કારતૂસનો મારો ચલાવે. ભાવકના અત્યંત નજીકના મિત્ર તરીકે વૉટ્સન પણ હોમ્સ જેટલું જ પ્રિય પાત્ર છે.

વિ. પ્ર. ત્રિવેદી