હોમ્સ, આર્થર (જ. 14 જાન્યુઆરી 1890, હેબ્બર્ન, ડરહામ, ઇંગ્લૅન્ડ; અ. 20 સપ્ટેમ્બર 1965, લંડન) : અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રી. તેઓ સામાન્ય ભૂસ્તરશાસ્ત્ર, ખનિજવિદ્યા, ભૂભૌતિકશાસ્ત્ર તેમજ ભૂપૃષ્ઠ આકારિકી વિજ્ઞાન માટે જાણીતા છે. તેમણે કિરણોત્સારી માપન-પદ્ધતિથી ખડકોનાં વયનિર્ધારણ કરવાની પદ્ધતિ વિકસાવેલી. 1913માં તેમણે સર્વપ્રથમ વાર માત્રાત્મક ભૂસ્તરીય પદ્ધતિથી ખડકોનું વયનિર્ધારણ કરી શકાતું હોવાનું સૂચન કરેલું. 1915માં પૃથ્વીના આંતરિક તાપમાન-વિતરણની ઉષ્મામાપન-ગણતરીથી પૃથ્વીના વયનો અંદાજ કાઢી આપેલો.
1924થી 1943 સુધી તેમણે ડરહામ યુનિવર્સિટીમાં ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તથા 1943થી 1965 સુધી એડિનબરો યુનિવર્સિટીમાં ભૂસ્તરશાસ્ત્ર તેમજ ખનિજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. 1944માં લખેલ ‘Principles of Physical Geology’ના દળદાર, માહિતીસભર પુસ્તક માટે તેઓ દુનિયાભરમાં ખૂબ જાણીતા બનેલા છે.
ગિરીશભાઈ પંડ્યા