હોમોનોઇઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની ક્ષુપ કે નાનાં વૃક્ષોની બનેલી નાનકડી પ્રજાતિ. તેનું વિતરણ ભારતથી ન્યૂગિની સુધી થયેલું છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે.
પાષાણભેદક(Homonoia riparia)ની પુષ્પીય શાખા
Homonoia riparia Lour (સં. પાષાણભેદક, ક્ષુદ્ર પાષાણભેદ; તે. તનીકી, સિરિદામનું; ત. કટ્ટાલરી; ક. હોલેનાગે, નીરગંગીલે; મલ. કટ્આલ્લારી, વાંગી કલ્લૂરવંચી; ઉ. જામ્લા; મું. સરણી, શેરણી) ટટ્ટાર, મજબૂત સદાહરિત દ્વિગૃહી (dioecious) જાતિ છે અને ઉત્તર, પૂર્વ તથા મધ્યભારત, ડેક્કન દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં નદીના ખડકાળ પટ પર થાય છે. તેની છાલ ખરબચડી, ઘેરી ભૂખરી કે બદામી હોય છે. પર્ણો શરપત (willow) જેવી, ભાલાકાર કે રેખીય-લંબચોરસ અને અખંડિત કે ટોચ તરફ દંતૂર હોય છે. પર્ણોની ઉપરની સપાટી અરોમિલ અને નીચેની સપાટી નાના સુગંધિત ગોળાકાર શલ્કો વડે આચ્છાદિત હોય છે. પુષ્પો કક્ષીય અદંડી શૂકી(spike)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, ગોળાકાર અને ઘનરોમિલ (tomentose) હોય છે. બીજ ગોળ, પીળાં, બદામી કે કિરમજી રંગનાં હોય છે.
તેનું મૂળ રેચક, મૂત્રલ અને વમનકારી હોય છે. મૂળનો કાઢો મસા, મૂત્રાશયની પથરી, પરમિયો, ઉપદંશ (syphilis) અને છાતીના તથા દાંતના દુખાવામાં આપવામાં આવે છે.
ત્વચાના રોગ ઉપર વાટેલાં પર્ણો અને ફળોની પોટીસ બાંધવામાં આવે છે. પર્ણો અને પ્રરોહોનો રસ વિશોધક (depurative) ગુણધર્મ ધરાવે છે અને વાળમાં લગાડવામાં આવે છે. તેનો પીણા તરીકે પણ ઉપયોગ થાય છે. વનસ્પતિનો રસ દાંત કાળા કરવા તેમજ મજબૂત બનાવવામાં વપરાય છે. મોં વડે છૂંદેલાં પર્ણો માછલી કરડવાથી થયેલા જખમો ઉપર ઘસવામાં આવે છે. કાષ્ઠનો આસવ મલેરિયામાં અપાય છે. તેનાં કુમળાં પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. નદીના પટને મજબૂત બનાવવા તેનું નદીકિનારે વાવેતર કરવામાં આવે છે.
તેનું કાષ્ઠ ભૂખરું બદામી, સંકુલિત કણયુક્ત (close-grained), મધ્યમસરનું સખત અને ભારે (વજન, 640 કિગ્રા./ઘમી.) હોય છે. પાણીમાં ડૂબકી મારતા મરજીવાની આંખોને રક્ષણ આપતાં ચશ્માંની ફ્રેમ બનાવવા કાષ્ઠનો ઉપયોગ થાય છે.
બળદેવભાઈ પટેલ