હોનાન (Honan) : ચીનના ઉત્તર-મધ્યભાગમાં આવેલો પ્રાંત. તે 34° 00´ ઉ. અ. અને 113° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,66,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે શાન્સી અને હોપેહ પ્રાંતો, પૂર્વમાં શાનતુંગ અને આન્વેઈ પ્રાંતો, પશ્ચિમમાં શેન્સી તથા દક્ષિણમાં હુપેહ પ્રાંત આવેલા છે. ચેંગ-ચાઉ (ઝેંગ-ઝાઉ) તેનું પાટનગર છે.

હોનાન

ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠ આકારિકીના સંદર્ભમાં હોનાનને બે સ્પષ્ટ વિભાગોમાં વહેંચી શકાય : પશ્ચિમના ઊંચાણવાળા ભાગો અને પૂર્વનાં મેદાનો. હુઆંગ હો નદી પણ આ પ્રાંતને બે નાના-મોટા વિભાગોમાં વહેંચે છે :  ભાગ નદીની ઉત્તર તરફ અને ભાગ નદીની દક્ષિણ તરફ છે. દક્ષિણ તરફ આવેલા ઊંચાણવાળા ભૂમિપટ્ટામાં હુસિયાંગ અર્હ શાન અને ફૂ નિઉ શાન પર્વતમાળાઓ આવેલી છે, પર્વતોના અંતરિયાળમાં થાળાં આવેલાં છે. આ પ્રાંતમાં ત્રણ નદી-રચનાઓ જોવા મળે છે : ઉત્તર અને ઈશાનમાં હુઆંગ હો, પૂર્વ અને અગ્નિમાં હુઆઈ હો તથા નૈર્ઋત્ય ભાગમાં તાંગ હો અને તાઓ હો નદીઓ વહે છે.

આબોહવા : આબોહવાની દૃષ્ટિએ આ પ્રાંત ઉત્તરના ચીની મેદાન અને દક્ષિણની યાંગત્સે ખીણ વચ્ચેનો સંક્રાંતિ વિભાગ રચે છે. અહીં શિયાળા ઘણા ઠંડા તથા ઉનાળા ગરમ ભેજવાળા રહે છે. અહીં એક વર્ષ ભારે વરસાદનું તો એક વર્ષ દુકાળનું આવે છે. ભૂતકાળમાં અહીં ઘણા દુકાળ પડેલા છે. અહીં ક્યારેક વસંતઋતુમાં વાદળો ફાટે છે તો ક્યારેક કરાનાં તોફાનો થાય છે. આ બંને નુકસાન કરી જાય છે. દુકાળનાં વર્ષોમાં ઉનાળુ વંટોળ ધૂળની ડમરીઓ લાવે છે તે પણ વિનાશ વેરે છે.

અર્થતંત્ર : હોનાન ચીનના ઘઉં ઉગાડતા પ્રદેશમાં આવેલું હોવાથી ઘઉં અહીંનો મુખ્ય કૃષિપાક છે. શિયાળામાં આ પ્રદેશમાં ઘઉં, બાજરી, જુવાર, જવ, મકાઈ, સોયાબીન, ડાંગર, મસૂર અને શક્કરિયાં થાય છે. રોકડિયા પાકોમાં કપાસ, તમાકુ, તેલીબિયાં અને રેશમનો સમાવેશ થાય છે. બળદ અને ગધેડાં જેવાં ભાર વહન કરતાં પ્રાણીઓની સંખ્યા વધુ જોવા મળે છે. માંસ માટે ડુક્કર અને પશ્ચિમ તરફના પર્વતીય ભાગોમાં ઊન માટે ઘેટાંબકરાંનો ઉછેર કરવામાં આવે છે. ચીનનો જૂનામાં જૂનો ગણાતો રેશમ-ઉદ્યોગ અહીં વિકસેલો છે. અહીં કોલસો અને લોહધાતુખનિજો પણ મળે છે. આ ઉપરાંત ટ્રૅક્ટરનું ઉત્પાદન પણ અહીં થાય છે.

ચીનના મહત્વના ગણાતા બે રેલમાર્ગો – પૅકિંગ–હૅન્કોઉ–કૅન્ટોન રેલમાર્ગ તથા લુંગહાઈ રેલમાર્ગ – અહીંથી પસાર થાય છે. તેમનું જંક્શન ચેંગ-ચાઉ અહીં આવેલું છે. પ્રથમ દર્શાવેલો રેલમાર્ગ બેમાર્ગી હોઈ મુસાફરો અને મોટા ભાગના માલની હેરફેર તેની મારફતે થાય છે. એક મોટો રાષ્ટ્રીય ધોરી માર્ગ પણ આ પ્રાંતને વીંધીને જાય છે.

વસ્તી : આ પ્રાંતની વસ્તી 8,61,40,000 (1990) જેટલી છે. અહીં મુખ્યત્વે હાન જેન જાતિના ઉત્તર ચીની લોકો વસે છે. શહેરી વસ્તીનું પ્રમાણ આ પ્રદેશમાં ઘણું જ ઓછું છે. પૂર્વનાં મેદાનોમાં ઘણી ગીચ ગ્રામીણ વસ્તી કેન્દ્રિત થયેલી છે. અહીંના મોટા ભાગના આવાસો કાદવથી લીંપેલા તથા ઘાસનાં છાપરાંવાળા હોય છે.

ઇતિહાસ : હોનાનમાં નવપાષાણ-યુગમાં પણ માનવવસવાટ હોવાનું જણાય છે. આ પ્રાંતના ઉત્તર ભાગોમાંથી ઉપલબ્ધ પુરાવા સૂચવે છે કે ત્યારે અહીં આદિકક્ષાની ખેતી-સંસ્કૃતિ વિકસી હતી. હુઆંગ હો (પીળી નદી), વેઇ હો (Wei Ho) અને ફેન હો (Fen Ho) નદીઓના સંગમની આજુબાજુના ભૂમિભાગમાં ખેડૂતોએ જમીનો ખેડેલી હોવાનું જણાય છે. ઈ. પૂર્વેની 18મી 12મી સદી દરમિયાન આ લોકોએ જ શાંગ (યિન) વંશ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે. ત્યારથી ઈ. સ.ના 936 સુધી એક પછી એક અહીં ઘણા વંશોએ રાજ્ય કર્યું હશે. તાંગ (T’ang) વંશના પતન સાથે અહીંનું કાઇફેંગ દેશનું પાટનગર રહેલું. 1126માં મૉંગોલોએ સુંગ વંશને હરાવ્યો ત્યાં સુધી તો આ સ્થળ જ પાટનગર હતું. આજનું અહીંનું પાટનગર ચેંગ-ચાઉ (અથવા ઝેંગ ઝાઉ) છે.

ગિરીશભાઈ પંડ્યા