હોજકિન ડોરોથી મેરી ક્રૉફૂટ (Hodgkin Dorothy Mary Crowfoot)

February, 2009

હોજકિન, ડોરોથી મેરી ક્રૉફૂટ (Hodgkin, Dorothy Mary Crowfoot) (જ. 12 મે 1910, કૅરો, ઇજિપ્ત; અ. 29 જુલાઈ 1994, શીપસ્ટન-ઑન-સ્ટૂર, વોરવિકશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ મહિલા રસાયણવિદ અને 1964ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. ઑક્સફર્ડની સોમરવિલે કૉલેજમાં હતાં ત્યારે (1928–32) તેમણે સ્ફટિક-વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો હતો. 1931માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યાં. તે પછી તેઓ બે વર્ષ માટે ડૉક્ટરેટની પદવી માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડૉ. જે. ડી. બર્નાલ સાથે સંશોધન માટે જોડાયાં અને 1934માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. તે દરમિયાન તેમણે તથા તેમના એક સહકાર્યકરે પેટિસન(એક પ્રોટીન)નો X-કિરણ ફોટોગ્રાફ સૌપ્રથમ મેળવ્યો હતો. કેમ્બ્રિજથી તેઓ ઑક્સફર્ડ પાછાં આવ્યાં અને 1935માં ટ્યૂટર બન્યાં અને છેવટે ત્યાં જ માનાર્હ પ્રાધ્યાપક બન્યાં.

આ દરમિયાન તેઓએ કોલેસ્ટેરૉલ, પેનિસિલીન, વિટામિન B12 અને ઝિંક ઇન્સ્યુલિન (જે લગભગ 900 પરમાણુઓ ધરાવે છે.) જેવા જૈવિક દૃષ્ટિએ ઉપયોગી એવા ઘણા અણુઓની ત્રિપરિમાણી સંરચના નક્કી કરી. આ અભ્યાસ ઔષધોના ઉપયોગ માટે મહત્વનો પુરવાર થયો છે. જેમ કે વિટામિન B12ના વિગતવાર અભ્યાસથી સ્પષ્ટ થયું છે કે આ પદાર્થથી શરીરમાં લોહીના લાલ (રક્ત) કણો તૈયાર થાય છે. આ અભ્યાસને પરિણામે પર્નિસિયસ એનેમિયા(પ્રણાશી રક્તાલ્પતા, Pernicious anaemia)નો ઉપચાર સફળ સિદ્ધ થયો છે.

ડોરોથી મેરી ક્રૉફૂટ હૉજકિન

તેઓ બ્રિટનની રૉયલ સોસાયટીના સભ્ય હતાં. આ ઉપરાંત તેઓ રૉયલ સોસાયટીના વિલ્સન રિસર્ચ પ્રોફેસર (1960–77), બ્રિસ્ટોલ યુનિવર્સિટીના ચાન્સેલર (1970–88) અને વુલ્ફસન કૉલેજના ફેલો (1977–88) પણ હતાં. 1965માં તેમને ‘ઑર્ડર ઑવ્ મેરિટ’(Order of Merit)થી નવાજવામાં આવ્યાં હતાં. ફ્લૉરેન્સ નાઇટિંગેલ પછી આ માન મેળવનાર તેઓ બીજા મહિલા હતાં.

તેઓ શાંતિ અને નિ:શસ્ત્રીકરણ(disarmament)ની ઝુંબેશ સાથે સક્રિય રીતે સંકળાયેલાં હતાં અને ’70ના દાયકામાં પગવોશ કૉન્ફરન્સ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ એફેર્સ(Pugwash Conference on Science and World Affairs)ના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી. ત્રીજા વિશ્વના દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તેમણે હોજકિન સ્કૉલરશિપ અને હૉજકિન ગૃહની પણ સ્થાપના કરી હતી.

X-કિરણ ટૅકનિક દ્વારા અગત્યના જૈવિક પદાર્થોની સંરચનાના નિર્ધારણ બદલ તેઓને 1964નું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

પ્રહલાદ છ. પટેલ