હૉલ, માર્શલ (જ. 18 ફેબ્રુઆરી 1790, બાસ્ફોર્ડ, નોટિંગહૅમશાયર, ઇંગ્લૅન્ડ; અ. 11 ઑગસ્ટ 1857, બ્રાયટોન, પૂર્વ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : ‘પરાવર્તી ક્રિયા’(reflax actions)ની વૈજ્ઞાનિક સમજૂતી આપનાર પ્રથમ અંગ્રેજ શરીરશાસ્ત્રી. ઈ. સ. 1826થી 1853ના સમયગાળામાં તેઓ લંડન અને યુરોપના દેશોમાં ખાનગી પ્રૅક્ટિસ કરતા દાક્તર અને શરીરવિદ્યામાં સંશોધક તરીકે ખ્યાતિ પામ્યા. તે જમાનાની રૂઢ વૈદકીય સારવારને સ્થાને તેમણે આધુનિક વૈજ્ઞાનિક વિભાવનાનો પાયો નાંખ્યો. વૈદકીય સારવારના ભાગ રૂપે નસ કાપી લોહી વહેવડાવવાની પ્રક્રિયાનો તેમણે વિરોધ કર્યો. 1830માં ‘લોહી વહેવડાવવાની પ્રક્રિયા ઉપરનાં નિરીક્ષણો’ નામના લેખમાં તેમણે આનો ઉલ્લેખ કર્યો છે.
માર્શલ હૉલ
ઈ. સ. 1831માં તેમણે રુધિર પરિવહન પરના નિબંધમાં સ્પષ્ટ કર્યું કે સૂક્ષ્મ પેશીઓને લોહી કેશિકાઓ મારફત પૂરું પાડવામાં આવે છે. લંબમજ્જા અને મસ્તિષ્ક-ચેતાઓ ઉપરના પ્રયોગો ઉપરથી તેમણે એવું તારવ્યું કે ન્યુટ(ઉભયજીવી પ્રાણી)નો મગજનો ભાગ કાપી નાંખવામાં આવે તોપણ તેના શરીરને ઉદ્દીપન (stimuli) આપવામાં આવતાં તે હલનચલનક્રિયા દર્શાવે છે. આ ઉપરથી પરાવર્તિત ક્રિયાઓ મગજની મદદ સિવાય પણ લંબમજ્જા દ્વારા શક્ય બને છે એવું સંશોધન તેમણે ઈ. સ. 1837માં કર્યું. આ સંશોધન બાદ પરાવર્તિત ક્રિયાના સિદ્ધાંતોનો પાયો નંખાયો. આ સિદ્ધાંત મુજબ કરોડરજ્જુ-ચેતાઓ પરાવર્તિત ક્રિયાના શૃંખલાબદ્ધ એકમો ધરાવે છે અને દરેક એકમ સ્વતંત્ર રીતે પરાવર્તિત ક્રિયાની કમાન રચે છે.
પરાવર્તિત ક્રિયાનો એકમ સંવેદી ચેતા અને ચાલક ચેતાઓનો બનેલો હોય છે. આંતરિક કે બાહ્ય ઉદ્દીપનો(stimuli)થી સંવેદી ચેતા ઉત્તેજિત થાય છે અને તેના દ્વારા સંવેદના લંબમજ્જા કે કરોડરજ્જુ ચેતાઓને પહોંચાડે છે. લંબમજ્જા કે કરોડરજ્જુનાં ચેતાકેન્દ્રોમાં સંવેદનાઓનું અર્થઘટન થાય છે અને તેના પ્રત્યાઘાત રૂપે ચાલક ચેતા દ્વારા સંદેશાઓનું વહન જે તે સ્નાયુઓને પહોંચાડવામાં આવે છે અને સ્નાયુપેશી તે મુજબ સંકોચન/વિકોચન પામી પરાવર્તિત ક્રિયાનું ચક્ર પૂરું કરે છે. આ આખા ચક્રમાં મગજ મુખ્યત્વે સંકલનનું કાર્ય કરે છે.
તે જમાનામાં રૉયલ સોસાયટી જેવી સંસ્થાએ પણ આ સિદ્ધાંતને બેહૂદો ઠરાવેલો; પરંતુ યુરોપના દેશોના વૈજ્ઞાનિકોને તેમાં તથ્ય દેખાયું અને આખરે તે સિદ્ધાંતને માન્યતા મળી. 1855માં હૉલ માર્શલે કૃત્રિમ શ્વસનપદ્ધતિ દાખલ કરી. આ પદ્ધતિ ડૂબતા માણસનો જીવ બચાવવામાં ખૂબ ઉપયોગી નીવડી. 1850માં પ્રયોગો મારફત દર્શાવ્યું કે શ્વસન-ક્રિયાને અસર કરતી પરાવર્તિત ક્રિયાઓમાં સર્વગામી ચેતાઓ (vagus nerves) સંકળાયેલી હોય છે. આગળ ઉપર એવું સમજાયું કે મગજ તરફ જતા લોહીના પ્રવાહને રોકવામાં આવે તો મધ્યસ્થ ચેતાતંત્ર સીધેસીધી રીતે અગર પરાવર્તિત ક્રિયા મારફત શ્વસનતંત્રની ક્રિયાઓ ઉપર અસર કરે છે. હૉલ માર્શલનું સંશોધન આમ પાયાનું સંશોધન બની રહ્યું છે.
રા. ય. ગુપ્તે