હૉલ, ગ્રેનવીલે સ્ટેન્લી (જ. 1 ફેબ્રુઆરી 1844, ઍશફીલ્ડ, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 24 એપ્રિલ 1924) : જાણીતા અમેરિકન મનોવૈજ્ઞાનિક. તેઓ સર્વપ્રથમ હાર્વર્ડમાં વિલિયમ જેમ્સના શિષ્ય હતા. પછી તે જર્મનીમાં લિપઝિગ નગરના વિલ્હેમ વુન્ટના પ્રથમ અમેરિકન શિષ્ય બન્યા. તેમણે અમેરિકામાં સૌથી પહેલવહેલી મનોવિજ્ઞાનની પ્રયોગશાળા જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં 1882માં સ્થાપી. 1887માં હૉલે અમેરિકન જર્નલ ઑવ્ સાઇકૉલૉજીની શરૂઆત કરી. આ જર્નલે તે સમયનાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધનો પ્રગટ કરવા માટેનું માધ્યમ પૂરું પાડ્યું. 1891માં અમેરિકન સાઇકૉલૉજિકલ ઍસોસિયેશનની સ્થાપના કરવામાં હૉલ પણ એક સ્થાપક સભ્ય હતા અને તે પછી તેના પ્રથમ પ્રમુખ તરીકે પણ ચૂંટાયા. હૉલના અધ્યક્ષપદ હેઠળ 1888–1920ના ગાળા દરમિયાન ક્લાર્ક યુનિવર્સિટીનો સમૃદ્ધ વિકાસ થયો. મનોવિશ્લેષણમાં રસ લેનારા પ્રથમ અમેરિકનોમાં હૉલ એક હતા અને તેમણે સિગમંડ ફ્રૉઇડ તેમજ કાર્લ યુંગને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું.
ગ્રેનવીલે સ્ટેન્લી હૉલ
ચાર્લ્સ ડાર્વિનમાં તેમજ ઉત્ક્રાંતિ સિદ્ધાંતમાં રસ હોવાને કારણે હૉલને માટે બાળમનોવિજ્ઞાન, તારુણ્યમનોવિજ્ઞાન, વિકાસાત્મક મનોવિજ્ઞાન ઉપરાંત શૈક્ષણિક મનોવિજ્ઞાન તેમજ મનોમાપન સંશોધનનાં મુખ્ય ક્ષેત્રો બની રહ્યાં.
હૉલે તેમનાં સંશોધનોમાં મનોવિજ્ઞાનનો સર્વપક્ષી અભિગમ સ્વીકાર્યો છે. મનોવિજ્ઞાની તેમજ ઉત્ક્રાંતિવાદી તરીકે તેમને પ્રાણીવર્તન અને માનવવિકાસ અને તેમની અનુકૂલન-સમસ્યાઓમાં રસ હતો. તેમના પુસ્તક ‘The Contents of Children’s Minds’ (1883)થી અમેરિકામાં બાળઅભ્યાસના આંદોલનનો આરંભ થયો. વિકાસવાદી અભિગમે હૉલને તારુણ્ય (1904) અને પાછલાં વર્ષોમાં વૃદ્ધાવસ્થા (1932) વિશે બે બે ગ્રંથો બહાર પાડવા પ્રેર્યા. તારુણ્યના અભ્યાસમાં તેમણે પ્રશ્નાવલી પદ્ધતિનો સફળતાથી ઉપયોગ કર્યો હતો.
હૉલનો તારુણ્ય વિશેનો ગ્રંથ માહિતીસભર છે. ઉપરાંત એ ગ્રંથ વિકાસના પુનરાવૃત્તિ (recapitulation) સિદ્ધાંત(કે બાળકના વિકાસનો આલેખ માનવજાતિના વિકાસના આલેખનું પુનરાવર્તન છે.)ની રજૂઆત કરે છે.
હૉલે (1) ‘Pedagogical seminary’ જે પાછળથી ‘Journal of Genetic Psychology’ (1891) તરીકે ઓળખાઈ અને (2) ‘Journal of Applied Psychology’ (1915) તેમજ (3) ‘Journal of Religious Psychology’ (1904) (જે ટૂંકા સમયમાં જ બંધ પડી ગઈ.) એ સંશોધન-સામયિકોની શરૂઆત કરી. શૈક્ષણિક મનોવિજ્ઞાન ઉપર હૉલનો ઘણો પ્રભાવ રહ્યો અને તેમણે ‘Educational Problems’ (1911) ગ્રંથ પ્રગટ કર્યો. ધર્મમાં તેની અભિરુચિના પરિપાક રૂપે જિસસનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કરતું પુસ્તક ‘Jesus the Christian, the light of Psychology’ (1911) લખ્યું અને છેલ્લે પોતાની મનોવિજ્ઞાનની કારકિર્દીને આત્મકથાના રૂપમાં રજૂ કરતા 1923માં બે ગ્રંથો પ્રગટ કર્યા.
આ પ્રતિભાસંપન્ન મનોવિજ્ઞાનીની કારકિર્દીને આરંભકાળના અમેરિકન મનોવિજ્ઞાનના વિવિધલક્ષી વિકાસ સાથે અને ખાસ કરીને કાર્યવાદની વિચારધારાના વિકાસ સાથે ગાઢ સંબંધ રહ્યો. બહુ જ સહજતાથી હૉલે અમેરિકન મનોવિજ્ઞાનનું મુખ જર્મની તરફથી ફેરવી લીધું અને લગભગ ચાળીસ વરસ સુધી તે તેની પૂર્વનાં વર્ષો અને તેના સમયની વચ્ચે સાંકળતી કડીરૂપ બની રહ્યા.
ભાનુપ્રસાદ અ. પરીખ