હૉલે, રૉબર્ટ (Holley, Robert W.) (જ. 28 જાન્યુઆરી 1922, યુબ્રાના, ઇલિયોનૉઈ, યુ.એસ.; અ. 11 ફેબ્રુઆરી 1993) : સન 1968ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના હરગોવિન્દ ખુરાના અને માર્શલ નિરેન્બર્ગ સાથેના વિજેતા. તેમને આ સન્માન જનીન સંકેતોના અર્થઘટન અને તેમના પ્રોટીનના ઉત્પાદન(સંશ્લેષણ, synthesis)માંના ઉપયોગ વિશે સંશોધન કરવા માટે મળ્યું હતું.
રૉબર્ટ હૉલે
તેઓ ચાર્લ્સ અને વિયોલા હૉલેના 4 પુત્રોમાંના એક હતા. તેમનાં માતાપિતા કેળવણીકારો હતાં. તેમણે ઇલિયોનૉઈ, કૅલિફૉર્નિયા, ઈડાહોની સાર્વજનિક શાળાઓમાં ઉર્બાના હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ 1938માં સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. 1942માં તેઓ ઇલિયોનૉઈ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ. થયા અને 1947માં તેઓ સેન્દ્રિય રસાયણવિદ્યામાં પીએચ.ડી. થયા. અભ્યાસ દરમિયાન યુદ્ધને કારણે વિક્ષેપ ઉદભવ્યો હતો. 1944થી 1946માં તેઓ કૉર્નેલ યુનિવર્સિટી મેડિકલ કૉલેજમાં પેનિસિલીનનું પ્રારંભિક રાસાયણિક સંશ્લેષણ કરવાના કાર્યમાં જોડાયેલા.
1947–1948 દરમિયાન તેઓ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં અનુવિદ્યાવાચસ્પતીય અધ્યેતા (postdoctoral fellow) બન્યા. 1948માં તેઓ કૉર્નેલ યુનિવર્સિટીમાં પાછા આવીને સેન્દ્રિય રસાયણશાસ્ત્રના મદદનીશ (1948–1949) અને પછીથી સહપ્રાધ્યાપક (1950–1957) બન્યા. 1955–56માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અધ્યેતા બન્યા અને પરત આવીને ભૂમિ, વનસ્પતિ અને પોષણની પ્રયોગશાળામાં જોડાયા. 1962માં તેઓ પ્રાધ્યાપક બન્યા. સને 1964માં તેઓ કૉર્નેલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે પાછા આવ્યા. આ ઉપરાંત તેમણે સાક ઇન્સ્ટિટ્યૂટમાં પણ કામ કર્યું.
તેમણે ઍમિનોઍસિડ અને પૅપ્ટાઇડ્ઝના અભ્યાસોમાં તેમના સંશ્લેષણ તરફ ધ્યાન કેન્દ્રિત ર્ક્યું. તેમણે એલેનિન ટ્રાન્સફર RNA શોધ્યો, તેને અલગ તારવી બતાવ્યો અને તેની સંરચના નિશ્ચિત કરી. 10થી વધુ વર્ષનું આ સંશોધન 1964માં પૂર્ણ થયું, જેણે તેમને નોબેલ પુરસ્કાર અપાવ્યો. તેમને આ સિવાય પણ અનેક સન્માનો પ્રાપ્ત થયેલાં છે.
સન 1945માં તેમણે ઍન દવોર્કિન સાથે લગ્ન કર્યું હતું અને તેમનાથી તેમને એક પુત્ર પ્રાપ્ત થયેલો છે.
શિલીન નં. શુક્લ