હૉર્વિટ્ઝ, એચ. રૉબર્ટ (જ. 8 મે 1947, શિકાગો) : 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. અમેરિકીય આણ્વિક જીવવિજ્ઞાની. તેમણે 1974માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. મેડિકલ રિસર્ચ કાઉન્સિલ(MRC)માં 1974થી બ્રેનરની જરૂરિયાતો પૂરી પાડવાની આનાકાનીને કારણે 1978માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં જોડાયા અને 1986માં તે પૂર્ણ સમયના પ્રાધ્યાપક બન્યા.
એચ. રૉબર્ટ હૉર્વિટ્ઝ
કોઈ વિશિષ્ટ જનીનિક કાર્યક્રમ કોષમૃત્યુનું નિયમન કરે છે કે કેમ તેનું નિર્ધારણ કરવા હૉર્વિટ્ઝે 1970ના દસકામાં Caenorhabditis elegans નામના સૂત્રકૃમિનો ઉપયોગ કર્યો. તે જમીનમાં થતું લગભગ સૂક્ષ્મ કૃમિ છે. તેનું જીવન માત્ર 1069 કોષોથી શરૂ થાય છે. વળી, તે પારદર્શક પ્રાણી હોવાથી વિજ્ઞાનીઓ સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ કોષવિભાજનોને અનુસરી શકે છે. આ પ્રાણીઓ ઝડપથી પ્રજનન કરે છે અને તેની ઓછા ખર્ચે જાળવણી થઈ શકે છે.
1986માં તેમણે ced-3 અને ced-4 નામનાં પ્રથમ બે ‘મૃત્યુ-જનીનો’(death genes)ની માહિતી આપી, જેઓ કોષ-નાશની પ્રક્રિયામાં ભાગ લે છે. પછીથી તેમણે દર્શાવ્યું કે ced-9 નામનું બીજું જનીન ced-3 અને ced-4 જનીનો સાથે આંતરક્રિયા કરી કોષ-મૃત્યુ સામે રક્ષણ આપે છે. હૉર્વિટ્ઝે પ્રસ્થાપિત કર્યું કે મનુષ્યમાં ced-3નું સમોવડ જનીન હોય છે. C. elegansમાં પ્રક્રમિત કોષ-મૃત્યુ સાથે સંકળાયેલાં જનીનોને મળતાં આવતાં જનીનો મનુષ્યમાં પણ હોય છે.
પ્રક્રમિત કોષમૃત્યુના જ્ઞાનથી વિકાસાત્મક (developmental) જીવવિજ્ઞાનમાં મહત્વની પ્રગતિ થઈ છે, એટલું જ નહિ, તે આયુર્વિજ્ઞાનમાં પણ ઉપયોગી સિદ્ધ થયું છે; જેમકે, કેટલાક વાઇરસ અને બૅક્ટેરિયા મનુષ્યના કોષોમાં પ્રવેશી કઈ રીતે ચેપ લગાડે છે તેની સમજૂતીમાં આ જ્ઞાનથી મદદ મળી છે. કૅન્સર અને બીજા રોગોમાં પ્રક્રમિત કોષ-મૃત્યુની પ્રક્રિયા ધીમી પડે છે; જેથી જેમનું સામાન્યત: મૃત્યુ નિશ્ચિત હોય તેવા કોષો જીવંત રહે છે. કૅન્સરમાં કોષોની અતિશય વૃદ્ધિને કારણે તે સામાન્ય પેશી પર આક્રમણ કરી તેનો નાશ કરે છે. કેટલાંક કૅન્સરની ચિકિત્સામાં પ્રક્રમિત કોષ-મૃત્યુનો દર વધારવાનો વ્યૂહ અપનાવવામાં આવે છે.
2002માં એચ. રૉબર્ટ હૉર્વિટ્ઝને સિડની બ્રેનર અને સર જ્હૉન સલ્સ્ટન સાથે સંયુક્તપણે દેહધર્મવિદ્યા/આયુર્વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. તેમને આ પારિતોષિક પ્રક્રમિત કોષ-મૃત્યુ કે ઍપોપ્ટોસિસ(apoptosis)ની ચાવીરૂપ ક્રિયાવિધિ દ્વારા જનીનો પેશી કે અંગવિકાસનું કેવી રીતે નિયમન કરે છે તે અંગેનાં સંશોધનો બદલ પ્રાપ્ત થયું છે. તેમના સંશોધને સ્પષ્ટ કર્યું છે કે સુંદર સુમેળભરી આ પ્રક્રિયા દરમિયાન કેટલાક કોષો યોગ્ય સમયે અને સ્થાને આત્મહત્યા કરવાનો સંકેત પ્રાપ્ત કરે છે. ‘આ અન્વેષણો આયુર્વિજ્ઞાનનાં સંશોધનો માટે મહત્વનાં છે અને તેમણે ઘણા રોગોના રોગજનન (pathogenesis) ઉપર નૂતન પ્રકાશ ફેંક્યો છે’ એવું તારણ નોબેલ સભાએ (કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, સ્ટૉકહોમ) આપ્યું છે.
બળદેવભાઈ પટેલ