હૉફસ્ટેડ્ટર, રૉબર્ટ (જ. 5 ફેબ્રુઆરી 1915, ન્યૂયૉર્ક; અ. 1990) : પારમાણ્વિક ન્યૂક્લિયસમાં ઇલેક્ટ્રૉન-પ્રકીર્ણનના પ્રારંભિક અભ્યાસ અને ન્યૂક્લિયૉનના બંધારણ(સંરચના)ને લગતી શોધો માટે રૂડોલ્ફ લુડ્વિગ મોસબૌર(Mossbauer)ની ભાગીદારીમાં 1961નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની.
પ્રાથમિક અને ઉચ્ચ શાલેય શિક્ષણ ન્યૂયૉર્ક શહેરમાં લીધું. ત્યાંની કૉલેજમાંથી 1935માં બી.એસ.ની ઉપાધિ મેળવી. કૉલેજમાંથી સ્નાતક થતાં હૉફસ્ટેડ્ટરને ગણિતશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાનમાં કૅન્યોન પ્રાઇઝ મળ્યું. થોડાક સમય બાદ જનરલ ઇલેક્ટ્રિક કંપનીની કૉફિન ફેલોશિપ મળી. તેથી તે પ્રિન્સ્ટન યુનિવર્સિટીની સ્નાતક શાળામાં ગયા; જ્યાં 1935–1938 સુધી ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કરી એમ.એ. અને પીએચ.ડી.ની ઉપાધિઓ મેળવી. તેમનું પીએચ.ડી.નું સંશોધનકાર્ય સાદા કાર્બનિક અણુઓના અધોરક્ત (Infrared) વર્ણપટને લગતું હતું. ‘હાઇડ્રોજન બૉન્ડ’ના બંધારણનો સ્પષ્ટતા સાથે અભ્યાસ કર્યો. 1938–1939માં પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે પ્રૉક્ટર ફેલોશિપ અનુડૉક્ટરલ સંશોધનકાર્ય માટે મળી. તે સમયે વિલેમાઇટ સ્ફટિકની ફોટોવાહકતાને લગતો અભ્યાસ શરૂ કર્યો. આર. હર્મન સાથે આ કાર્ય કરતાં કોષ્ણઅદીપ્ત (warm up dark) પ્રવાહો વડે સ્ફટિક પ્રગ્રહણ અવસ્થાઓના અસ્તિત્વની શોધ કરી. 1939માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીની હેરિસન ફેલોશિપ મળતાં ન્યૂક્લિયર સંશોધન માટે વિશાળ વાન-દ્-ગ્રાફ યંત્રની રચનામાં મદદ કરી. અહીં એલ. આઇ. શીફ સાથે દોસ્તી થઈ, જે વર્ષો લગી ચાલુ રહી.
રૉબર્ટ હૉફસ્ટેડ્ટર
યુદ્ધ દરમિયાન નૅશનલ બ્યૂરો ઑવ્ સ્ટાન્ડર્ડ્ઝ અને પછી નૉર્ડન લૅબોરેટરી કૉર્પોરેશનમાં કામ કર્યું. યુદ્ધના અંતે ઉદ્યોગ છોડીને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે જોડાયા. અહીં રહીને સ્ફટિક વાહક કાઉન્ટર્સ, કૉમ્પ્ટન અસર અને સિન્ટિલેશન કાઉન્ટર્સ ઉપર સંશોધન કર્યું. 1948માં થેલિયમ વડે ઉત્તેજિત (સક્રિયિત) સોડિયમ આયૉડાઇડ શોધી કાઢ્યું અને ઉત્તમ સિન્ટિલેશન કાઉન્ટર બનાવ્યું.
1950માં સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં સંલગ્ન પ્રાધ્યાપક તરીકે નિમણૂક મળી. અહીં રેખીય પ્રવેગકમાંથી મળતા શક્તિશાળી ઇલેક્ટ્રૉનના પ્રકીર્ણન ઉપર કાર્ય શરૂ કર્યું. આ સાથે સિન્ટિલેશન કાઉન્ટર ઉપરનું કાર્ય તો ચાલુ રાખ્યું. તે સમયે ન્યૂટ્રૉન અને X-કિરણો માટે નવાં સંસૂચક (detectors) વિકસાવ્યાં. ઉચ્ચ-ઝડપી અકાર્બનિક (CaF) અને ઉપયોગી સિરેન્કોવ કાઉન્ટર્સની શોધ કરી. સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાં કૉસ્મિક કિરણો અને સોપાની વર્ષણ (casca de showers) ઉપર વિગતે અભ્યાસ કર્યો.
1953માં ઇલેક્ટ્રૉન-પ્રકીર્ણન તેમના પ્રમુખ રસનો વિષય બન્યો. અહીં સહકાર્યકરો અને વિદ્યાર્થીઓ સાથે પારમાણ્વિક ન્યૂક્લિયસમાં વિદ્યુતભારના વિતરણની શોધ કરી. ત્યારબાદ પ્રોટૉન અને ન્યૂટ્રૉનના વિદ્યુતભાર તથા ચુંબકીય ચાકમાત્રાના વિતરણનો અભ્યાસ કર્યો. ઇલેક્ટ્રૉન-પ્રકીર્ણન પદ્ધતિથી ન્યૂક્લિયસના કદ અને પૃષ્ઠજાડાઈની જાણકારી શક્ય બની. પ્રોટૉન અને ન્યૂટ્રૉન ઉપરનાં મુખ્ય પરિણામો 1954–1957માં મેળવાયાં હતાં. ન્યૂક્લિયૉનના ચોક્કસ સ્વરૂપનો અભ્યાસ તેમના રસનો વિષય હતો.
1958માં હૉફસ્ટેડ્ટર નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ(યુ.એસ.)માં ચૂંટાયા. 1959માં કૅલિફૉર્નિયા સાયન્ટિસ્ટ તરીકે વરાયા. 1958–1959માં ગુગેનહીમ (Guggenheim) ફેલો તરીકે રહ્યા. તે પછી એક વર્ષ જિનીવા CERN (Counceil European pour la Rechershe Nucleaire) (સ્વિટ્ઝર્લૅન્ડ) ખાતે પસાર કર્યું.
1942માં બાલ્ટિમોર(મેરીલૅન્ડ)ની નાન્સી ગીવાન સાથે તેમણે લગ્ન કર્યું. તેમને એક પુત્ર ડગ્લાસ અને બે પુત્રીઓ લૌરા અને મેરી છે.
પ્રહલાદ છ. પટેલ