હૉન્ડુરાસનો અખાત : મધ્ય અમેરિકાના હૉન્ડુરાસની ભૂમિ તરફ પ્રવેશતો કૅરિબિયન સમુદ્રનો ફાંટો. તે 16° 00´ ઉ. અ. અને 88° 30´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તે હૉન્ડુરાસના ઉપસાગર તરીકે પણ ઓળખાય છે. આ અખાતે હૉન્ડુરાસ અને ગ્વાટેમાલાની કિનારાપટ્ટીને ખાંચાખૂંચીવાળી બનાવેલી છે. આ અખાત દૅન્ગ્રિગા (જૂનું ગામ સ્ટૅન ખાડી) અને બેલિઝથી અગ્નિ તરફ લા સીબા સુધી પથરાયેલો છે. દૅન્ગ્રિગાની ઉત્તરે બેલિઝ બંદરને આ અખાતની ઉત્તર સીમા ગણવામાં આવે છે. અખાતનું સીધું રેખીય અંતર 185 કિમી. જેટલું છે. ઉલુઆ, મોટાગુઆ તથા અન્ય નદીઓનાં જળ આ અખાતમાં ઠલવાય છે. તેના ઉત્તર ભાગ તરફ પૅલિકન અસમતળ ભૂમિ ભાગો અને પૂર્વ તરફ હૉન્ડુરાસના ટાપુઓ આવેલા છે. તેના કાંઠાના અમાટિક અખાત પર ગ્વાટેમાલાનું મુખ્ય બંદર પ્યુર્ટો બેરિયોસ આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા