હૉજકિન, સર ઍલન લૉઇડ (જ. 5 ફેબ્રુઆરી 1914, બૅન્વરી, ઑક્સફર્ડશાયર, યુ.કે.; અ. 1998) : સન 1963ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમને તથા ઑસ્ટ્રેલિયાના સર જ્હૉન સી. એકિલસ અને યુ.કે.ના એન્ડ્રુ એફ. હક્સલીને ચેતાકોષપટલ(nerve cell membrane)ના મધ્યસ્થ અને પરિઘસ્થ ભાગોના ઉત્તેજન અને નિગ્રહણ(inhibition)માંની આયૉનિક ક્રિયા પ્રવિધિઓ શોધી કાઢવા માટે આ પુરસ્કાર મળ્યો હતો. ચેતાતંતુ (nerve fibres) દ્વારા સંદેશાઓની આપ-લે થાય ત્યારે તેના કોષપટલો(cell membrane)ના વચલા (મધ્યસ્થ) અને છેડા(પરિઘસ્થ)ના ભાગોમાં વીજ-આયનોના વહનથી ઉત્તેજન કે નિગ્રહણ થાય છે. તેની શોધ માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું.
સર ઍલેન લૉઇડ હૉજકિન
તેઓ જ્યૉર્જ હૉજકિન અને મેરી વિલ્સન(પાછળથી લિઓનેલ સ્મિથ)ના પુત્ર હતા. સન 1923–1927 સુધી તેમણે મૅલ્વર્બની ડાઉન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1927થી 1932 સુધી તેઓ હોલ્ટની ગ્રેહામ્સ સ્કૂલમાં ભણ્યા અને 1932થી 1936 સુધી કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ પ્રાપ્ત કર્યો. તેમણે સંશોધનની શરૂઆત દેડકાના ચેતા (nerve) પર પ્રયોગો કરીને કરી. સન 1937–38માં તેઓ રૉકફેલૉર ઇન્સ્ટિટ્યૂટમાં નિમંત્રણથી કાર્ય કરવા ગયા. સન 1938થી તેઓ કેમ્બ્રિજ પાછા આવ્યા અને એ. એફ. હક્સ્લી તેમના વિદ્યાર્થી તરીકે તેમની સાથે જોડાયા. સન 1940થી 1945 તેઓ હવાઈ તબીબીવિદ્યા(aviation medicine)માં જોડાયા અને ત્યાં રાત્રીના સમયે આક્રમક હવાઈ જહાજો માટે આસપાસનું નિરીક્ષણ અને તેનું નિદર્શન (display) કરવાની શોધમાં જોડાયા. યુદ્ધ પછી તેઓ કેમ્બ્રિજની દેહધર્મ વિદ્યાકીય પ્રયોગશાળામાં અધ્યાપનકાર્ય માટે પાછા ફર્યા અને ચેતાતંતુઓ પરનાં અભ્યાસ-સંશોધન ચાલુ રાખ્યાં. સન 1951માં તેઓ રૉયલ સોસાયટીના ફાઉલર્ટન રિસર્ચ પ્રાધ્યાપક બન્યા. સન 1958–1960 સુધી તેઓ રૉયલ સોસાયટી કાઉન્સિલના સભ્યપદે રહ્યા, મેડિકલ રિસર્ચ કાઉન્સિલમાં સન 1956થી 1963 અને ફિઝિયોલૉજિક સોસાયટીના વિદેશમંત્રી તરીકે 1961–1967 સુધી રહ્યા. સન 1970માં તેઓ જૈવભૌતિકશાસ્ત્રના જ્હૉન હમ્ફ્રી પ્લમર પ્રાધ્યાપક બન્યા. તેઓ 1966માં મેરાઇન બાયૉલૉજિક ઍસોસિયેશનના અને સન 1970માં રૉયલ સોસાયટીના પ્રમુખ બન્યા અને 1971માં લેસ્ટર વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ બન્યા. તેમને અનેક માન-સન્માનો પ્રાપ્ત થયેલાં છે.
સન 1944માં તેઓ મૅરિયોન રાઉસ સાથે પરણ્યા. તેમનાથી તેમને 3 પુત્રીઓ અને એક પુત્ર પ્રાપ્ત થયાં.
શિલીન નં. શુક્લ