હેસ, વૉલ્ટર રિચાર્ડ રુડોલ્ફ (જ. 26 એપ્રિલ 1894, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 17 ઑગસ્ટ 1987, વેસ્ટ બર્લિન, જર્મની) : જર્મનીના નિષ્ઠાવાન નેતા અને હિટલરના નિકટના સાથી. હિટલરના ડેપ્યુટી તરીકે જાણીતા રુડોલ્ફ એક જર્મન વેપારી કુટુંબના ફરજંદ હતા.
વૉલ્ટર રિચાર્ડ રુડોલ્ફ હેસ
પ્રથમ વિશ્વયુદ્ધમાં પહેલાં તેમણે જર્મન લશ્કરમાં કામ કર્યું. પાછળથી તેઓ જર્મન હવાઈ દળના પાઇલટ બન્યા.
તેઓ એક સરળ (ગૂઢ નહિ એવા) પણ વિવિધ પ્રકારના અધ્યાત્મવાદમાં માનનાર વ્યક્તિ હતા. તેઓ પોતાના નેતા(‘fuherer’)ને વફાદાર પણ વધુ પડતું જોખમ લેનાર વ્યક્તિ હતા.
પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીના પરાજય પછી દેશ એક ધ્યેયની શોધમાં હતો, ત્યારે જર્મનો આ સમયમાં તેમની ભૂમિકા શું હોવી જોઈએ તેને વિશે ચિંતા કરતા હતા. નાઝી પક્ષનો વિકાસ પણ આ પરિસ્થિતિજન્ય ગણી શકાય. મ્યૂનિકમાં અભ્યાસ કરતાં કરતાં તેઓ જર્મન જનરલ કાર્સ હૉસોફરને મળ્યા, જે ભૂરાજ્યશાસ્ત્ર(Geo-politics)ના અભ્યાસી હતા.
1920માં તેઓ નાઝી પક્ષમાં જોડાયા અને હિટલરના વિશ્વાસુ મિત્ર બન્યા. નવેમ્બર, 1923માં હિટલરે કરેલા નિષ્ફળ બળવા કે વિદ્રોહમાં પણ તેમણે સાથ આપ્યો. કારાગારમાં જવાનું સ્વીકારીને પણ તેમણે હિટલરને ‘મેઇન કાફ’ (Mein Kampf) લખવામાં મદદ કરી. હિટલરના ભૂરાજકીય વિચારોની પ્રેરણામૂર્તિમાં રુડોલ્ફ હેસનો સમાવેશ કરી શકાય. જેલમાંથી છૂટ્યા પછી 1925માં તેઓ હિટલરના અંગત સચિવ બન્યા. 1932માં તેઓ નાઝી પક્ષના કેન્દ્રીય પંચના અધ્યક્ષ બન્યા.
1933ના એપ્રિલમાં હિટલરે સત્તા પ્રાપ્ત કર્યા પછી તે પક્ષના નાયબ નેતા બન્યા. 1933માં જ તેઓ હિટલરની કૅબિનેટના પ્રધાન બન્યા. તેમની નબળાઈ એ હતી કે પક્ષમાં તેમનો આધાર નબળો હતો અને હિટલરનો વિશ્વાસ ધરાવતા હોવા છતાં તેનો ઉપયોગ કરવાની રાજકીય કુનેહ તેમનામાં ન હતી. તેમના હાથ નીચે કામ કરનાર માર્ટિન બોરમેને જ તેમને નબળા પાડવાનું કામ કર્યું.
નિરાશાનો ભોગ બનેલા અને જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ રાખનાર તેમણે બ્રિટનની જોડે શાંતિ-સંધિ કરવાનો પ્રયત્ન કર્યો (જે એક બળવા સમાન હતો). જર્મની બ્રિટનના સામ્રાજ્યને અકબંધ રાખે અને તેનાં જીતેલાં સંસ્થાનો પાછાં આપે અને બ્રિટન જર્મનીને યુરોપમાં મુક્ત રીતે વિદેશનીતિ આચરવા દે. તેઓ આ સૂચનો સાથે વિમાનમાં સ્કોટલૅન્ડ ગયા, પણ તેમને બ્રિટનની સરકારે ગંભીરતાથી લીધા નહિ અને બીજા વિશ્વયુદ્ધના ગાળા દરમિયાન તેમને યુદ્ધકેદી તરીકે જ ગણ્યા. તેમનાં પગલાં હિટલરને માટે પણ અગવડભર્યાં હતાં.
યુદ્ધ પછી ન્યૂરેમબર્ગ ખાતે યુદ્ધકેદીઓ સામે કામ ચલાવાયું. રુડોલ્ફ હેસને પણ ગુનેગાર ગણીને આજીવન કેદની સજા કરવામાં આવી. બર્લિનની સ્પાન્ડુ જેલમાં 1966 પછી તેઓ એકમાત્ર કેદી રહ્યા. ઈ. સ. 1987માં તેમનું મૃત્યુ થયું. કહેવાય છે કે તેમણે આપઘાત કર્યો હતો.
રુડોલ્ફ હેસના વિમાનમાર્ગે બ્રિટન જવાના સાહસનાં અનેક અર્થઘટનો થયાં છે. કેટલાકના મતે હેસ માનસિક રોગના દર્દી બની જવાને કારણે તેમણે આવું કર્યું હતું. કેટલાકના મતે યુદ્ધના દિવસો હોવાથી પક્ષીય નેતા(હેસ)નું મહત્વ ઘટ્યું હતું. ગોરિંગ, ગૉબેલ્સ જેવા નેતાઓનું મહત્વ વધ્યું હતું. હેસ શાંતિ મિશન દ્વારા પક્ષ અને ખાસ કરીને નેતા સમક્ષ પોતાની આબરૂ પુન:સ્થાપિત કરવા માગતા હતા. હેસની શાંતિ-દરખાસ્તો ‘બે પ્રૉટેસ્ટંટ આર્યપ્રજાને’ એક કરવાના પ્રયાસ તરીકે પણ ઓળખાવવામાં આવી છે. આ શાંતિ-દરખાસ્તની એક અંગરૂપ મહત્વની દરખાસ્ત એ હતી કે જર્મની શાંતિ-સંધિ બ્રિટનની નવી સરકાર સાથે જ કરશે. એટલે કે તાજ દ્વારા સર વિન્સ્ટન ચર્ચિલની સરકારને બરખાસ્ત કરવામાં આવે. જોકે હિટલરે હેસના મિશન અંગે અજ્ઞાત હોવાની વાત કરીને રુડોલ્ફ હેસ માનસિક રીતે અસ્વસ્થ હોવાનો વિચાર વ્યક્ત કર્યો હતો.
મહેન્દ્ર ઠા. દેસાઈ