હેસીઅડ (આશરે ઈ. પૂ. આઠમી સદી, બોઓસિયા, મધ્ય ગ્રીસ) : ગ્રીક કવિ; ‘બોધાત્મક ગ્રીક કવિતાના જનક’ તરીકે તેમની ગણના થાય છે. બે મહાકાવ્યોના રચયિતા. ‘થિયોગની’ અને ‘વર્ક્સ ઍન્ડ ડેઝ’. તેમના મોટા ભાઈએ વડીલોપાર્જિત મિલકતનો મોટો ભાગ પચાવી પાડેલો. ન્યાયની દેવીના સાંનિધ્યમાં નગરના અધિકારીઓએ સુખ માટે પણ ન્યાયને તાબે થવું ઘટે એવો મત કવિએ રજૂ કર્યો હતો. એમ્ફિડેમસ નામના એક વીરપુરુષને શ્રદ્ધાંજલિ નિમિત્તે તેમણે કાવ્યરચના કરેલી જે માટે તેમને સંયુક્તપણે ઇનામને પાત્ર ગણવામાં આવેલા. માઉન્ટ હેલિકોનની નજીક એસ્ક્રામાં ઢોરઢાંખરનું પાલન કરતા હતા. એમ કહેવાય છે કે કવિતાની દેવીએ તેમને અમર દેવતાઓની સ્તુતિ કરતું કાવ્ય લખવાની આજ્ઞા કરેલી.
‘થિયોગની’માં દેવોનો ઇતિહાસ આવે છે. તેમાં કેઓસ, ગેઆ (ધરતી), ઈરોસ વગેરે દેવદેવીઓનાં વર્ણનો છે. ગેઆ યુરેનસ(સ્વર્ગના દેવ)ને જન્મ આપે છે. પાછળથી તે પર્વતો અને પૉન્ટસ(સમુદ્ર)નું પણ સર્જન કરે છે. ટાઇટન અને ક્રોનસ દેવ તો યુરેનસની સામે બળવો કરે છે. જોકે દેવ ઝિયસ તેને હરાવે છે. આ મહાકાવ્યમાં હેસીઅડ મૃત્યુ, કજિયો, ભૂખ અને દુ:ખ જેવાં અસત્ તત્વોને ભેગાં કરે છે. નવાં નવાં દૈવી અને આસુરી તત્વોનું કવિ પોતાની કલ્પનાથી સર્જન કરે છે. 50 જેટલા દરિયાના દેવો તેમનું સર્જન છે. આ બધાંનો દેવ નેરીઅસ છે. જોકે ઝીઅસ ધરતી, આકાશ અને દરિયાના તમામ દેવોમાં સર્વોપરી છે. ટાઇટન અને ક્રોનસ દેવો પરના વિજય પછી ઝીયસ પોતાની સર્વોપરિ આણનું સામ્રાજ્ય સ્થાપે છે.
હેસીઅડ
‘થિયોગની’નું કર્તૃત્વ સંદેહાસ્પદ છે. જોકે આ કાવ્યમાં ક્ષેપકોનું પ્રમાણ ઠીક ઠીક છે. ટાયફોયસે દેવ ઝિયસ સામે કરેલો બળવો કોઈ અન્ય કવિએ કરેલું ઉમેરણ છે. ટાર્ટેરસમાં બેવડાતી હકીકતો, હેક્ટેટને કરેલ સ્તુતિ અને દરિયાના રાક્ષસ કેટોની સંતતિ સંદેહાસ્પદ ક્ષેપકો છે. જોકે યુરેનસ, ક્રોનસ અને ઝિયસ અંગેની કેટલીક કથાઓ હેસીઅડની દેણ છે.
હેસીઅડનું અન્ય મહાકાવ્ય ‘વર્ક્સ ઍન્ડ ડેઝ’ છે. તે સવિશેષ કવિની આગવી સૂઝ ધરાવે છે. અહીં કવિ પોતાના ભાઈને ઉદ્દેશીને તેની અસત્ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો બોધ આપે છે. પ્રથમ ભાગમાં હેસીઅડ બે દંતકથાઓને સ્પર્શે છે. માણસના દરિદ્ર જીવનમાં પ્રામાણિકતા અને સખત પરિશ્રમ કેટલાં અગત્યનાં છે તે બતાવ્યું છે. અહીં પેન્ડોરાની પેટીની વાત છે. પેન્ડોરા બરણી કુતૂહલવશ ખોલે છે. તેને તેમાં માનવજાતનાં ચિત્રવિચિત્ર પાપોનું દર્શન થાય છે. વળી, સુવર્ણયુગ પછી માણસના પતનની યાત્રા કઈ રીતે રૂપું, તાંબું અને પિત્તળના યુગમાંથી પસાર થઈ છેક હેસીઅડના દુ:ખી લોહયુગ સુધી આવી પહોંચે છે તેનું બયાન છે.
હેસીઅડ પર્સીસ સાથે રૂબરૂમાં વાત કરે છે. કવિ તેને કટુ નીતિનો ત્યાગ કરી મહેનતકશ જીવન ચાલુ રાખવાનું કહે છે. પ્રસ્વેદનાં બિંદુ પાડ્યા વગર દેવો માણસોને સફળતા આપતા નથી એવો કવિનો મત છે. સખત પરિશ્રમ દ્વારા જ માણસ સમૃદ્ધિ અને સન્માનને મેળવી શકે છે.
મહાકાવ્યના બીજા ભાગમાં હેસીઅડે ઝીણવટપૂર્વક વરસના પ્રત્યેક ભાગમાં માણસે કરવાના નિત્યકર્મની વાત કરી છે. ગ્રામપ્રદેશમાં વરસનો પ્રત્યેક દિન ઋતુઓના પૃથક્ પૃથક્ ઐશ્વર્યને લાવે છે તેનું વર્ણન છે. દા. ત., શિયાળાની કાતિલ ઠંડી માણસને કેવો ઘરમાં લાવે છે અને સખત ગરમી તેને કઈ રીતે ફરજિયાત આરામ લેવાની ફરજ પાડે છે તેનું વર્ણન છે.
મહાકાવ્યના છેવટના ભાગમાં જુનવાણી ઢબની કોઈ વ્યક્તિ કે વસ્તુને પવિત્ર અથવા શાપિત ગણી તે વસ્તુને દૂર રાખવાના રિવાજો અને અંધશ્રદ્ધાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કયા મહિનાના કયા દિવસો વાવણી, લણણી, કાપણી અને બાળકના ગર્ભસંસ્કાર માટે અપશુકનિયાળ છે તેનું બયાન થયું છે.
મહાકવિ હેસીઅડનો પ્રભાવ એટલો તો અજોડ હતો કે અન્ય કવિઓનાં મહાકાવ્ય તેના નામે ચડ્યાં છે. ‘ધ પ્રીસેપ્ટ્સ ઑવ્ ચાઇરોન’, ‘એસ્ટ્રૉનૉમી’, ‘ઑર્નિથોમેન્ટિયા’ (ડિવિનેશન બાય બર્ડ્ઝ), ‘મેલામ્પોડીઆ’ અને ‘એગિમિયોસ’ હેસીઅડના નામે ચડેલાં કાવ્યો છે. ‘કૅટલૉગ્ઝ્ ઑવ્ વિમેન’માં એવી સ્ત્રીઓની વાત છે જે દેવો દ્વારા વીર સંતાનોની માતા બને છે. આ વાર્તાઓના સંદર્ભો જૂના પેપીરસ (કાગળ) પર લખાયેલાં લખાણોમાંથી વધુ ચોખવટ પામે છે. હીરેકલ્સની માતા આલ્કમૅનની વાર્તા ‘શીલ્ડ ઑવ્ હીરેકલ્સ’માં મળી આવે છે. આવું જ બીજું કથાનક ‘કૉન્ટેસ્ટ બિટ્વીન હોમર ઍન્ડ હેસીઅડ’ છે.
હેસીઅડ હોમર પછીના ગ્રીસના મહાકવિ છે. તેમનો જીવન તરફનો દૃષ્ટિકોણ એકંદરે ગંભીર પ્રકારનો છે. જીવન પ્રત્યેની ઉદાસીને તે વિચક્ષણ રીતે જુએ છે. યુરેનસ, ક્રોનસ અને ઝિયસ જેવા દેવો સત્તાની સાઠમારી કરીને ઝઝૂમે છે. પ્રવર્તમાન લોહયુગમાં મનુષ્યોની પરિસ્થિતિ દુ:ખદ છે તેવો કવિનો મત છે.
આર. લેટિમોરે ‘ધ વર્ક્સ ઍન્ડ ડેઝ’, ‘થિયોગની’ અને ‘ધ શીલ્ડ ઑવ્ હીરેકલ્સ’નું 1959માં અંગ્રેજીમાં ભાષાંતર પ્રસિદ્ધ કર્યું છે. જોકે ‘હેસીઅડ, ધ હોમરિક હિમ્સ, ઍન્ડ હોમેરિકા’ વધુ પ્રમાણભૂત ભાષાંતર એચ. જી. એવલીન-વ્હાઇટે તે જ વર્ષમાં કર્યું છે. ‘ધ આઇડિયલ્સ ઑવ્ ગ્રીક કલ્ચર’ ગિલ્બર્ટ હાયેટે (1945; 1970) પ્રસિદ્ધ કરેલ ગ્રંથ છે. પી. વૉલકોટે ‘હેસીઅડ ઍન્ડ ધ નીઅર ઈસ્ટ’ (1966) લખ્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી