હેલ્સ, સ્ટીફન (7/17 સપ્ટેમ્બર 1677, બીકીસબર્ન, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 4 જાન્યુઆરી 1761, ટેડિંગ્ટન, લંડનની પાસે) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી, શરીરવિજ્ઞાની અને પાદરી, જેમણે વનસ્પતિ અને પ્રાણી દેહધાર્મિક ક્રિયાઓ ઉપર સાંખ્યિકીય (statistical) અને પ્રયોગલક્ષી સંશોધનો કર્યાં છે. હેલ્સ સ્ટીફન 1703માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને ત્યાં વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યાં 1709માં પાદરી તરીકેની દીક્ષા લઈ આખું જીવન ટેડિંગ્ટનમાં વિતાવ્યું.
સ્ટીફન હેલ્સ
હેલ્સે (હેઇલ્સ) વનસ્પતિ-દેહધર્મક્રિયાના અભ્યાસની સાથે નવી માપ પદ્ધતિ અખત્યાર કરી. વનસ્પતિ દ્વારા પાણી બહાર ફેંકાય છે, જેને ઉત્સ્વેદન (transpiration) કહે છે. તેને માપવાની પદ્ધતિ તેમણે ઉપજાવી. આ રીતે સૂર્યમુખીનો છોડ પર્ણો દ્વારા કેટલું પાણી બહાર કાઢે છે તેનો અંદાજ કાઢ્યો. તેમાંથી એમણે એવું તારવ્યું કે વનસ્પતિનાં મૂળમાંથી પાણીના શોષણ સાથે પોષક દ્રવ્યો વનસ્પતિનાં વિવિધ અંગોને મળે છે. ખોરાકના સંશ્લેષણમાં વાયુઓ આવશ્યક છે તેવું શોધી કાઢનાર પ્રથમ વૈજ્ઞાનિક ભલે ન હોય; પરંતુ સૂર્યપ્રકાશ અને પાચનક્રિયા (process of assimilation) વચ્ચેના પારસ્પરિક સંબંધોની પ્રથમ નોંધ હેલ્સ સ્ટીફને કરી. તેમણે આ પ્રક્રિયાઓમાંથી વાયુઓ છૂટા પાડવાનું કામ પણ કર્યું.
વનસ્પતિ-દેહધર્મક્રિયા ઉપરના તેમના સંશોધનથી તેમના દ્વારા વેજીટેબલ સ્ટેટિક્સ(1727, 1733)માં ગ્રંથ રૂપે પહેલો ‘સ્ટેટિકલ એસેઝ’ રૂપે અને બીજો ગ્રંથ ‘હિમૅ સ્ટેટિક્સ’ રૂપે બહાર પડ્યો. ગ્રંથ બીજામાં રુધિરની દેહધાર્મિક ક્રિયા અને રુધિરદાબ (blood-pressure) તેમજ રુધિરદાબની પદ્ધતિઓ દર્શાવી છે. આ ઉપરાંત તેમણે હૃદયના ડાબા નિલયની ક્ષમતા(રુધિર બહાર પાડવાની)નું માપ લીધું. એક મિનિટમાં હૃદયના ધબકારા, તેની ત્વરા અને અવરોધનો પણ અભ્યાસ કર્યો. તેમના આ માપ કાઢવાના પ્રયોગો ઉપરથી જેલ, વહાણ કે કોઠારોમાં કૃત્રિમ હવાની અવરજવર દ્વારા શુદ્ધ હવા માટેનાં વેન્ટિલેટર ઉપજાવ્યાં.
હેલ્સ સ્ટીફનના વનસ્પતિ-દેહધર્મક્રિયા ઉપરના ઉત્સ્વેદન ક્રિયાવિધિઓની જાણકારી આજે પણ ઉપયોગી છે. ખોરાક ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં વાયુઓ ભાગ ભજવે છે તે તેમનું પ્રભાવી સંશોધન ગણવામાં આવે છે. અઢારમી સદીના વૈજ્ઞાનિકોનું સંશોધન કે તેમની વિભાવના આજની સદીમાં પણ ગણતરીમાં લેવાય છે તે નોંધવા જેવી બિના છે.
રા. ય. ગુપ્તે