હેલ્વેશિયસ ક્લૉડ એડ્રિયન (જ. 26 જાન્યુઆરી 1715, પૅરિસ; અ. 26 ડિસેમ્બર 1771, વોરે, ફ્રાંસ) : ફ્રેંચ લેખક, ચિંતક અને એન્સાયક્લોપીડિટ્સ. જેમની નૈતિક અને સામાજિક વિચારસરણીએ ઉપયોગિતાવાદની ચિંતનની શાખા વિકસાવી. આ શાખાના પિતા તરીકે જર્મી બેન્થામનું નામ જાણીતું છે. જોકે બેન્થામે તેના વૈચારિક પ્રભાવનો સ્વીકાર કર્યો છે.
પૅરિસમાં જન્મેલા આ ચિંતકના પિતા ફ્રાન્સની રાણીના મુખ્ય તબીબ હતા. 1736માં ફૉર્મેટ્સ જનરલની(Formets General)ની સિન્ડિકેટ(Syndicate of Formers General)ના તેઓ એક સભ્ય હતા. આ જગ્યા ઘણી કમાણી કરાવનારી હતી. 1751 સુધી તેમણે આ જગ્યા સંભાળી. તેમણે રાણીના ઘરમાં મુખ્ય વ્યવસ્થાપક(‘maitre’ d ‘hotel’)ની કામગીરી પણ કરી. 1807માં અંગ્રેજીમાં ભાષાંતરિત (મૂળ 1758માં ફ્રેંચમાં) ‘મન અંગેના નિબંધો’ (Essays on the Mind) વિવાદાસ્પદ બન્યા. આમાં ફેરફાર કરવા છતાં પણ તેમને વ્યવસ્થાપકની જવાબદારી છોડવી પડી. 1764માં તેમણે ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી. 1765માં ફ્રેડરિક ધ ગ્રેટના આમંત્રણથી તે બર્લિન ગયા. પછીથી પૅરિસ જઈ મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યા હતા.
હેલ્વેશિયસ માનતા હતા કે મનુષ્યનો મુખ્ય ઉદ્દેશ જ આનંદ પ્રાપ્ત કરવાનો અને દુ:ખ ટાળવાનો છે. પરોપકારી દેખાતો હોય તોપણ વાસ્તવમાં મનુષ્ય સ્વાર્થી જ હોય છે. મનુષ્યની બધી જ માનસિક શક્તિઓ (યાદદાસ્ત, નિર્ણયશક્તિ) એ એક પ્રકારની સંવેદનાઓ છે, જે ઇન્દ્રિયજન્ય છે. મનુષ્યની લાગણીઓથી બધું જ બાહ્ય વાતાવરણની ઉત્તેજનામાંથી જન્મે છે.
મનુષ્ય નિષ્ક્રિય (passive) પ્રાણી છે, જે આસાનીથી કોઈનું સાધન બની શકે. સમાજનું ધ્યેય વધુમાં વધુ નાગરિકોને વધુમાં વધુ સુખ આપવાનું હોવું જોઈએ. મનુષ્યને સ્વતંત્ર ઇચ્છા (free will) જેવું કંઈ છે જ નહિ. તેની વિચારપ્રક્રિયાને સમજાવવા કોઈ આધ્યાત્મિક તત્વને વચ્ચે લાવવાની જરૂરિયાત નથી. તેના આ વિચારોનો જ વિસ્તાર ‘ઑન મૅન, હિઝ ઇન્ટેલેક્ચ્યુઅલ ફૅકલ્ટીઝ ઍન્ડ હિઝ એજ્યુકેશન’(1773)માં થયેલો છે. આ ગ્રંથનું ભાષાંતર 1773માં પ્રકાશિત થયું હતું.
મહેન્દ્ર ઠા. દેસાઈ